1990થી 2020 સુધી નોકરી કરનારાઓને શું સરકાર આપશે 1,20,000 રૂપિયા, જાણો વાયરલ મેસેજની હકીકત

સોશિયલ મીડીયા પર અનેક ઘટનાનાં વીડિયો, ફોટો અને માહિતીઓ વાયરલ થતી હોય છે. આ વાયરલ થઈ રહેલા ઘણી વાતો સાચી હોય છે તો ઘણી વાતો ખોટી સાબિત થતી હોય છે. ઘણી એવી વાતો જેની હકીકત જાણ્યા વગર લોકો તેને ફોરવર્ડ કરતાં હોય છે અને જેને કારણે તે વાયરલ થઈ જાય છે. આવા ફેક મેસેજમાં ફસાઈ જવાથી તમારાં સમયનો બગાડ થાય છે અને તે ઘણીવાર સાયબર ફ્રોડનો શિકાર પણ લોકો બની જતા હોય છે. સાયબર ગુનેગારો તેમની વિગતો પૂછીને તેમના ખાતામાંથી પૈસા ઉડાડી દે છે તેવા પણ ઘણાં કિસ્સાઓ આ અગાઉ સામે આવી ચૂક્યાં છે. આવી ઘટનામાં બધું ગુમાવ્યા પછી વ્યક્તિને ખ્યાલ આવે છે કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

image source

હાલમાં આવો જ એક 1.20 લાખ વિશેનો મેસેજ વાયરલ થઇ રહ્યો છે. વોટ્સએપ પર વાયરલ થયેલા આ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકાર વર્ષ 1990થી 2020ની વચ્ચે કામ કરતા લોકોને મોટી રકમ આપશે. ભારત સરકાર વિશે વાત થઈ રહેલા આ મેસેજમાં શ્રમ મત્રાલયના નામનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કામદારોને મંત્રાલયમાંથી 1 લાખ 20 હજાર રૂપિયા લેવાનો અધિકાર છે. આ માટે તેઓએ આપેલી લિંક પરની સૂચિમાં તેમનું નામ શોધવું પડશે. જો સૂચિમાં તેમનું નામ છે તો તેઓ તેનો લાભ લઈ શકે છે.

વાયરલ થઇ રહેલાં આ મેસેજની હકીકત વિશે હવે ખુલાસો થયો છે. સરકારના માહિતી એજન્સી પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા ટ્વીટ કરીને આ વાયરલ સંદેશની સત્યતા જણાવી છે. પીઆઈબી ફેક્ટચેકે તેની ટ્વિટમાં લખ્યું છે કે વોટ્સએપ પર વાયરલ થઇ રહેલાં મેસેજમાં 1990થી 2020ની વચ્ચે કામ કરતા લોકોને મંત્રાલય દ્વારા 1,20,000 જેવી મોટી રકમ આપવામાં આવી રહી છે. આ મેસેજ વિશે મંત્રાલયનાં અધિકારીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે અને મંત્રાલય દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. લોકોને આવા ફેક મેસેજ કરનારાઓથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.

બેરોજગારોને કમાવવાનો મોકો- મેસેજ અંગેની હકીકત:

image source

થોડા અઠવાડિયા પહેલા બેરોજગારને કમાવાની તક તેવું ટેગ લખીને એક અફવા ફેલાવામાં આવી હતી. યુવાનોને કમાણી કરવાની તક આપવા માટે આ ભ્રામક માહિતી વોટ્સએપ પર વાયરલ થઈ રહી હતી. દરરોજ 1000થી 2000 રૂપિયા કમાવવાના નામે આ મેસેજ દ્વારા યુવાનોને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મેસેજ વધારે વાયરલ થતાં સરકારી એજન્સી પીઆઈબી આ અંગે સ્પષ્તા કરી હતી. આ અંગે તપાસ કરનાર ટીમે ફેક્ટચેક ટ્વીટ કરીને આ વિશે જણાવ્યું હતું. ટ્વીટમાં આ ટીમ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા એક મેસેજ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વધતી બેકારીને ધ્યાનમાં રાખીને # બજેટ 2021 મુજબ ભારત સરકાર બેરોજગારોને ઘરે બેસીને દરરોજ 1000-2000 કમાવાની તક આપી રહી છે. પીઆઈબી ફેક્ટચેકે આ અંગે સરકારવતી કહ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે અને ભારત સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. આ માહિતી સંપૂર્ણ અફવા સાબિત થઈ હતી.

સરકારી નોકરી વિશેની માહિતી દ્વારા છેતરપિંડી કરવાનો પ્રયાસ:

આજનાં મોટાભાગના યુવાનોને સરકારી નોકરી જોઈએ છે. સારા પગાર, નોકરીની સલામતી, સારી જીવનશૈલી અને અંતે નિવૃત્તિ પછીનું જીવન પણ સારી રીતે વિતાવી શકાય આ મુદ્દાઓને કારણે સરકારી નોકરી મેળવવી તેમની પ્રાથમિકતા હોતી હોય છે પરંતુ કેટલીકવાર લોકો સરકારી નોકરીની ઈચ્છામાં છેતરપિંડીનો પણ ભોગ બને છે. થોડા અઠવાડિયા પહેલા બાયોકેમિક એજ્યુકેશન ગ્રાન્ટ કમિશન નામની સંસ્થા તરફથી સરકારી નોકરીની ઓફરનો મેસેજ પણ વાયરલ થઈ રહ્યો હતો.

image source

આ સંસ્થાએ ભારત સરકાર સાથે જોડાયેલા હોવાનો દાવો પણ કર્યો હતો અને તેના લેટર હેડ પર જારી કરેલા જાહેરનામામાં લખ્યું છે કે તે ભારત સરકાર હેઠળ સરકારી નોકરીની ઓફર કરાઈ રહી છે. આ પછી આ ઓફરની હકીકત શું હતી તે અંગે ખુલાસો થયો હતો. પીઆઈબી ફેક્ટચેક દ્વારા કહેવામાં આવ્યું છે કે બાયો-કેમિકલ એજ્યુકેશન ગ્રાન્ટ કમિશન નામની સંસ્થા નકલી છે. પીઆઈબીએ ટ્વિટ કર્યું હતું કે કેન્દ્ર સરકારનો ભાગ હોવાનો દાવો કરતી સંસ્થા નકલી છે. આ સંસ્થા તરફથી સરકારી નોકરીની આપયેલી ઓફર પણ નકલી છે.

આવી સ્થિતિમાં યુવાનોએ આમાં ન ફસાઈ જવું જોઈએ. વર્ષ 2016માં જ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને આ સંસ્થાની પોલ ખોલી હતી. મળતી માહિતી મુજબ યુજીસીએ જૂન 2016માં જાહેર કરેલી નોટિસમાં કહ્યું હતું કે બાયો-કેમિકલ એજ્યુકેશન ગ્રાન્ટ કમિશન નામની સંસ્થા જે પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લામાં છે તે પોતાને ભારત સરકારના ભાગ તરીકે વર્ણવે છે. સંસ્થાનો આ દાવો નકલી છે. યુજીસીએ કૃષ્ણનગરના કોટવાલી પોલીસ સ્ટેશનમાં આ અંગે બાયો-કેમિકલ એજ્યુકેશન ગ્રાન્ટ કમિશનની સંસ્થા વિરુદ્ધ એફઆઈઆર પણ સામે આવી છે.

પીઆઈબી આવી માહિતીઓ પાછળની હકીકત સામે લાવતી હોય છે. તમે પણ તેમને આવા ફોટા અને સમાચાર મોકલી શકો છો. પીઆઈબીએ ફેક્ટ ચેક નામની સરકારી સંસ્થા પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમ છે. આ સંસ્થા ફેક સમાચાર અને સરકારને લગતી માહિતીનું સત્ય સામે લાવવાનું કામ કરે છે. લોકોને કોઈ માહિતી અંગે ગેરસમજમાં ન રહે તે માટે પીઆઈબી ફેક્ટ ચેકની ટીમ સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા દાવાઓની સતત તપાસ કરે છે.

જો તમને કોઈ સમાચાર અથવા ફોટો વિશે શંકા જણાય છે તો તમે +91 8799711259 પર વોટ્સએપ કરી શકો છો અથવા [email protected] પર ઇમેઇલ કરી શકો છો. આ સિવાય તમે @PIBFactCheck અથવા Instagram દ્વારા / PIBFactCheck પર અથવા Facebook / PIBFactCheck પર પણ ટ્વિટર પર સંપર્ક કરી શકો છો.