ગુજરાન ચલાવવા માટે 3 મજબૂર લોકો વરસાદ અને વાવાઝોડામાં પણ બહાર નીકળ્યા, આતંરડી કકળી ઉઠે એવી કહાની

કોરોનામાં અને તાઉ તે વાવાઝોડાંમા બિન જરૂરી લોકોને બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી હતી. કારણ કે કોઈને વધારાનું નુકસાન વેઠવું ન પડે. પરંતુ કહેવાય છે ને કે ભૂખ સૌથી ભૂંડી. ત્યારે આજે એવા 3 પરિવાર વિશે વાત કરવી છે કે જેઓ ગુજરાત ચલાવવા માટે આવા વાવાઝોડામા પણ બહાર નીકળ્યા હતા અને કામ ધંધો શરૂ રાખ્યો હતો. આમ તો મંગળવારે વરસાદ અને વાવાઝોડાને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા જ હતા.

image source

આ વાત છે રાજકોટની કે જ્યાં ત્રિકોણબાગ પાસે ધર્મેન્દ્ર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી અને પારેવડી ચોક ખાતે બે મહિલા સહિત ત્રણ લોકો આર્થિક મજબૂરીમાં રોજીરોટી કમાવવા માટે બહાર નીકળ્યા હતા. જો વિગતે વાત કરીએ તો ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક મજૂર દંપતી પોતાના નાના બાળક અને માલસામાન સાથે બહાર નીકળી પડ્યું હતું. જ્યારે આ દંપતીને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, તેઓ ખેતીકામ કરે છે, પેટીયું રળવા માટે ચાલુ વરસાદ અને વાવાઝોડામાં પણ મજૂરીની શોધમાં હતા. કેમ કે હાલમાં ખેતીકામ મળ્યું નથી. ક્યાંક મજૂરીકામ મળી જાય તે આશાએ આ દંપતી ચાલતા ચાલતા નીકળ્યા હતા.

image source

એવી જ બીજી કહાની વિશે જો વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર રોડ પર ઉમાબેન મંગળવારે સવારથી જ પોતાની બે દીકરી સાથે આખો દિવસ એક ઓટલા પર બેસીને ગ્રાહકની રાહ જોતા હતા. ઉમાબેને પોતાની પરિસ્થિતિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેના પરિવારમાં તેના સિવાય કોઇ છે નહીં. રોજેરોજનું કમાઈને ખાઈ છે. જો તે બહાર ન નીકળે તો તેની બન્ને દીકરીને ભૂખ્યા રહેવું પડે. તેથી બહાર નીકળ્યા હતા.

image source

આવી ત્રીજી કહાની છે રાજકોટના પારેવડી ચોક પાસેની કે જ્યાં એક આધેડ રેંકડીમાં રેઈનકોટ લઇને વેચતા જોવા મળ્યા હતા. આ આધેડે પણ પોતાની પરિસ્થિતિ વિશે વાત કરી હતી કે, સામાન્ય રીતે તેઓ કેરી અને ફ્રૂટ વેચે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં ફ્રૂટ કોઈ લેવા માટે આવે નહિ તે માટે તેમણે રેંકડીમાં ફ્રૂટના બદલે રેઈનકોટ લઈને રોજીરોટી કમાવવા નીકળી પડ્યા છે. જો બે પાંચ ગ્રાહક આવે તો તેમને ફાયદો થાય અને ઘર ચાલે.

image source

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું છે. ત્યારબાદ અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે.