લોકોની વેદના, મફત વેક્સિન માટે અનેક પ્રયત્ન કર્યા છતાં ન મળી હવે પૈસા ખર્ચીને વેક્સિન લેવા આવ્યા છીએ

હાલમાં કોરોના થોડો ઢીલો પડ્યો છે. ત્યારે રસીકરણની પ્રકિયા વધારે કરવામાં આવી રહી છે. હાલમાં જ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશન થઈ શકે છે અને 1000 રૂપિયા ખર્ચીને લોકો વેક્સિન લઈ શકે છે. GMDC ગ્રાઉન્ડમાં સવારના 6 વાગ્યાથી લોકો વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભેલા પણ જોવા મળ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા હતા. એ બાદ વેક્સિનેશન પણ ડ્રાઇવ થ્રુ કરવામાં આવી રહ્યું છે.

image source

હાલમાં માહોલ એવો છે કે GMDC ગ્રાઉન્ડમાં કોર્પોરેશન દ્વારા અપોલો હોસ્પિટલના માધ્યમથી વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે કાલે જેવી જ આ જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી, જેને પગલે વેક્સિન લેવા માટે સવારથી જ લોકો ગાડી લઈને લાંબી લાઇનમાં ઊભેલા જોવા મળ્યા હતા. 200થી વધુ કારચાલક પોતાની ગાડી લઈને વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહી ગયા હતા અને બધા ફ્રીમાં રસી ન મળતા આ રીતે પૈસા આપીને રસી લેવા માટે મજબૂર થયા હતા. વેક્સિન માટે 1000 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્પોરેશન દ્વારા ઈન સ્પોટ રજિસ્ટ્રેશન નિર્ણયને લઈને સોશિયલ મીડિયામાં ટીકા પણ થઈ હતી, જેને કારણે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનના ચાલી રહેલી જગ્યા પરથી એપોલો હોસ્પિટલના બેનરમાં કોર્પોરેશનનું નામ જ નથી એ પણ માહિતી મળી છે.

image source

જો વિસંગતતા વિશે વાત કરવામાં આવે તો એક તરફ સરકાર દ્વારા વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવે છે ત્યાં ઓન સ્પોટ રજિસ્ટ્રેશન થતું નથી અને બીજી તરફ 1000 રૂપિયા લઇને વેક્સિન આપવામાં આવે છે ત્યાં એડવાન્સ રજિસ્ટ્રેશન પણ જરૂરી નથી. સ્પોટ પર જ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જો આજના માહોલ વિશે પણ વાત કરવામાં આવે તો વેક્સિનેશન માટે સવારના 6 વાગ્યાથી જ લોકો આવીને લાઈનમાં ઊભા છે. GMDC ગ્રાઉન્ડની અંદર 70 જેટલી ગાડી, જ્યારે ગ્રાઉન્ડની બહાર 150થી વધુ ગાડી લાંબી લાઇનમાં ઊભી છે.

image source

એ જ રીતે આ વેક્સિન અંગે એપોલો હોસ્પિટલના ઓફિસર ડૉ.બાલાજી પિલ્લાઈએ જણાવ્યું હતું કે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે એ એપોલો હોસ્પિટલ તરફથી છે. AMCએ GMDC ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટે અમને આમંત્રણ જ આપ્યું છે. ઓન સ્પોટ ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે AMCએ જ એને પરમિશન આપી છે. અમારા કુલ 55 માણસો અત્યારે કામમાં છે. 4 ડોમ અહીં મૂકવામાં આવ્યાં છે. જો કે જોવા જેવી વાત એ હતી કે કારચાલક ઉપરાંત ટૂ-વ્હીલરચાલક પણ લાઈનમાં જ ઊભા જોવા મળ્યા હતા. લોકોએ સરકાર તરફથી આપવામાં આવતી વેક્સિન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા પ્રયત્ન કર્યા, પરંતુ એમાં સ્લોટ તાત્કાલિક જ બુક થઈ જાય છે અને GMDCમાં સ્થળ પર જ રજિસ્ટ્રેશન થતું હોવાથી પૈસા ખર્ચીને વેક્સિન લેવા માટે તૈયાર થયા અને આ લાઈનો એ જ વાતની પુષ્ટિ કરે છે.

image source

વેક્સિન લેવા લાઈનમાં ઊભેલા વિશાલ પટેલ નામના માણસે વાત કરી હતી કે અમે સવારે 6 વાગ્યા વેક્સિન લેવા લાઈનમાં ઊભા છીએ. અમારો બીજો જ નંબર હતો અને 9 વાગે વેક્સિનેશન શરૂ થતાં અમારો નંબર લાગ્યો. અગાઉ વેક્સિન લેવા માટે મેં ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું, પરંતુ અનેક પ્રયત્ન બાદ ના થતાં આજે અહીં વેક્સિન લેવા માટે આવવું પડ્યું છે અને પૈસા ખર્ચ કરવા પડ્યા છે. એ જ રીતે જૈમિન શાહે જણાવ્યું હતું કે ફ્રીમાં મળતી વેક્સિન ના મળતાં આજે 1000 રૂપિયા ખર્ચીને વેક્સિન લેવા આવ્યો છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *