ગુજરાતનું ગૌરવ કેપ્ટન સ્વાતિ રાવલની અનોખી કહાની, કોરોનાકાળમાં રાહત સામગ્રી લાવવાનાં કામમાં રહી સૌથી આગળ

બીજી લહેરમાં કોરોના યુવાનો અને બાળકોને પણ શિકાર બનાવી રહ્યો છે. વિશ્વભરમાં આતંક મચાવનાર કોરોના સામે હવે ડરીને નહીં પણ હિંમતથી સામનો કરવાનો સમય છે. કોરોના સામેની આ લડાઈમાં મદદ માટે અનેક લોકો સામે આવી રહ્યાં છે. આ સમયે ન માત્ર પુરુષો પણ મહિલાઓ પણ મદદ માટે આગળ આવી છે. આવી જ એક મહિલાએ કોરોનાકાળમાં કરેલી સેવા વિશે અહી વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ મહિલાનું નામ સ્વાતિ રાવલ છે અને તે મૂળ ભાવનગરની છે. હાલમાં સ્વાતિ દિલ્હી સ્થાયી છે અને એર ઇન્ડિયા એરલાઇન્સમાં કમાન્ડર તરીકે ફરજ બજાવી રહી છે.

image source

તે ગત વર્ષે વંદે ભારત મિશન પહેલાં જ ઈટાલીમાં ફસાયેલા ભારતીયોને પરત લાવ્યાંનાં કામમાં પણ સામેલ હતી. છેલ્લાં એક વર્ષથી આ મહામારીમાં લોકોની મદદ માટે તે કામ કરી રહી છે. આ સાથે જાણવા મળ્યું છે કે સ્વાતિ એ પહેલી મહિલા કમાન્ડર છે જે વિદેશમાં અટવાયેલા યાત્રિકોનું સ્થળાંતર કરાવાનાં કામમાં સામેલ છે. સ્વાતિ કોરોનાની શરૂઆતથી વિદેશમાં અટવાયેલા ભારતીયોને દેશમાં લાવવાનું કામ હોય કે પછી રાહત સામગ્રી લાવવા માટે વિદેશમાં ઉડાન બધા કામમાં હંમેશા જોડાયેલી રહી છે. કેપ્ટન સ્વાતિ રાવલે સાથે થયેલી વાતચીતમાં તેણે કહ્યું હતું કે ગત વર્ષે વંદે ભારત મિશન શરૂ ન થયું હતું એ પહેલાં માર્ચમાં ઇટાલીમાં કોવિડને કારણે અટવાયેલા 263 ભારતીયોને ભારત લાવ્યાં હતાં અને આમાંના ઘણા વિદ્યાર્થીઓ પણ હતા.

ગુજરાત માટે ગર્વની વાત છે કે સ્વાતિ રાવલ એર ઇન્ડિયા માટે વિદેશમાં અટવાયેલા યાત્રિકોનું સ્થળાંતર કરાવનાર પહેલાં મહિલા કમાન્ડર છે. તેણે અત્યાર સુધીમાં આ કામગીરી હેઠ ચીન, અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં ઉડાન ભરી છે. આ કોરોનાકાળમાં જ્યારે બધા એકબીજાથી દૂર ભાગી રહ્યાં છે તે સમયે સ્વાતિએ જ્યાં કોરોનાનું ઉત્પત્તિ સ્થાન કહેવાય છે એટલે કે ચીનમાં પણ ઉડાન ભરી હતી. તેણે દેશની મદદ માટે ચીનમાંથી મેડિકલ સામગ્રી લાવવાનું કામ કર્યું હતું. આ પછી દેશમાં વંદે ભારત મિશન શરૂ કરવામાં આવ્યું અને સ્વાતિ તેમાં પણ જોડાય ગઈ.

image source

જાણવા મળ્યુ છે કે વંદે માતરમ્ મિશન અંતર્ગત અમેરિકા, ન્યૂઝીલેન્ડમાં પણ ઉડાન ભરી હતી અને કોરોનાકાળમાં ત્યાં વસતાં ભારતીયોને વતન લાવવાનું કામ કર્યું હતું. જ્યારે શરૂઆતી દિવસોમાં ટેસ્ટિંગ કિટ, પીપીઇ કિટ વગેરે સહિતની સામગ્રીની દેશમાં અછત હતી ત્યારે વિદેશથી તેને લાવવાનાં કામમાં પણ તે જોડાયેલી હતી. આ સિવાય ઇટાલીથી ભારતીયોને પરત લાવવાના મહત્ત્વની કામગીરી બદલ સ્વાતિ અને તેમની ટીમને ઉડ્ડયન વિભાગ તરફથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમની કામગીરીને વખાણી હતી.

આ સાથે વાત કરવામાં આવે સ્વાતિની પર્સનલ લાઇફ વિશે તો તે બે સંતાનોની માતા છે અને પારિવારિક જવાબદારીઓ સાથે જોડાયેલ છે. પોતાનાં પરિવાર વિશે વાત કરતાં સ્વાતિ કહે છે કે મારે બે નાનાં સંતાન છે જેમાં એક દીકરીની ઉંમર તો માત્ર સવા વર્ષ છે. પરિવારની જવાબદારીઓ સાથે તે દેશ પ્રત્યેની પોતાની જવાબદારી પણ સારી રીતે પૂરી કરી રહી છે. આ અંગે સ્વાતિ પરિવારને શ્રેય આપતાં કહે છે કે પરિવારમાં તેમનાં પતિ, માતા-પિતાના સહયોગ અને પ્રોત્સાહનથી તેઓ અહીં સુધી પહોંચી શકી છે.

image source

સ્વાતિ મૂળ ગુજરાતના ભાવનગરની છે પણ પિતાની નોકરી ટ્રાન્સફરેબલ હોવાથી અલગ-અલગ શહેરોમાં શાળાકીય અભ્યાસ તેને કરવો પડ્યો હતો. તેનાં અભ્યાસ અંગે વાત કરવામાં આવે તો તેણે ધોરણ 8 પછીનો અભ્યાાસ ભાવનગરમાં થયો અને તે પછી કોલેજમાં B.Sc. સાથે પહેલું વર્ષ ભાવનગરમાં પૂર્ણ કર્યું હતું. આ પછીનું ગ્રેજ્યુએશન વડોદરા એમ.એસ. યુનિવર્સિટીથી થયું અને તેને અંતરીક્ષ ક્ષેત્રે રસ હોવાથી કાનપુરની ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમીથી B.Sc. ઇન એવિએશન કર્યું. આ પછી તેણે કમર્શિયલ પાયલોટિંગ માટે જરૂરી તાલીમ મેળવી એર ઇન્ડિયામાં ટ્રેઇની પાયલોટ તરીકે જોડાઈ હતી.

વર્તમાન સમયમાં બીજી લહેરમાં ભારતને વિશ્વના વિવિધ દેશો મદદ સ્વરૂપે મેડિકલ સામગ્રી મોકલી રહ્યા છે જે માટે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં કેપ્ટન સ્વાતિ પણ જર્મનીમાં ઉડાન ભરી હતી. મળતી માહિતી મુજબ ત્યાંથી ઓક્સિજન કન્સન્ટ્રેટર, ઓક્સિજન સિલિન્ડર, માસ્ક વગેરે જેવી મેડિકલ રાહત સામગ્રી લાવવામાં આવી રહી છે. મુખ્ત્વે યુરોપ કે અમેરિકાનો પ્રવાસ હોવાથી અંદાજે મહિનામાં બે ટ્રિપ દ્વારા સામગ્રીઓ લાવવામાં આવે છે. શરૂઆતી દિવસોમાં મનમાં કોરોનાને લઇને મૂંઝવણ અને થોડો ડર હતો પરંતુ કંઇક અલગ કરવું હતું એટલે આ ટાસ્કને સ્વીકાર્યુ જેમાં પરિવારે પણ હિંમત આપી.

image source

સ્વાતિ રાવલ સાથે થયેલી વાતચીતમાં તેણે એક મુશ્કેલી ભર્યો અનુભવ શેર કર્યો હતો. તેણે આ વિશે વાત કરતા કહ્યું હતું કે ગત વર્ષે ચીનના પ્રવાસ દરમિયાન ગોંગઝાઆઉમાં જ્યારે ફ્લાઇટ પહોંચી ત્યારે વાવાઝોડું હતું અને જેને કારણે ફ્લાઇટ લેન્ડ કરાવાની સમસ્યા ઉભી થઇ હતી. વાવાઝોડું એટલું તીવ્ર હતું કે પ્લેન લેન્ડ કરાવવું એક પડકાર બની ગયો હતો. માહિતી મળી હતી કે ત્યાંના એરપોર્ટ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું. જો કે તે પછી મહામહેનતે ફ્લાઇટ લેન્ડ કરવામાં સફળ રહ્યા હતા. આગળ વાત કરતાં તેણે કહ્યું કે આ સિવાય જ્યારે અમે ઇટાલીના પ્રવાસીઓ સાથે ભારત પહોંચ્યા ત્યારે યાત્રિકો ઘણાં ખુશ હતાં અને પ્લેન લેન્ડ થતાંની સાથે સાથે જ તેઓએ તાળી પાડી ખુશી વ્યક્ત કરી હતી. લોકો વતન પાછા ફરવાની વાત થી એટલાં ખુશ હતાં કે તેમની આંખમાંથી ખુશીનાં આંસુ વહી રહ્યાં હતાં. આ બન્ને પ્રસંગ મારા માટે યાદગાર છે.