વરસાદનો કહેરઃ રાજકોટ, જામનગર, જૂનાગઢમાં શાળા-કોલેજ આજે પણ બંધ, ડેમ નજીક જવા પર પ્રતિબંધ

ગુજરાતમાં રવિવારથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેવામાં ભારતીય હવામાન વિભાગે સોમવારે માહિતી આપી છે કે રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. રાહત કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

image source

રાજ્યના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં રાજકોટ, જામનગર અને જૂનાગઢનો સમાવેશ થાય છે જો કે ગત 24 કલાકમાં રાજ્યભરમાં સારો એવો વરસાદ થયો છે. જેમાં અલગ અલગ જગ્યાએ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. દીવના વણાંકબારામાં કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન કરી દરિયામાં ફસાયેલા 7 માછીમારોને બચાવ્યા હતા. હોડી ડૂબવાનો મેસેજ કોસ્ટગાર્ડને મળ્યો હતો ત્યારબાદ 1 કલાકમાં જ કોસ્ટગાર્ડે 7 લોકોને બચાવ્યા હતા.

24 કલાકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ

રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, આ સાથે રાજ્યમાં સિઝનનો 64.44 ટકા વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે કચ્છમાં 66.13 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 64.44 ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં 55.92 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા વરસાદ નોંધાયો હતો. આ સાથે જ 15 સ્ટેટ હાઈવે અને 136 રસ્તા બંધ કરવા પડ્યા હતા.

રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ

image source

સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ થયો છે. જેમાં ગોંડલ અને જસદણમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતાં રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. વરસાદના કારણે જામકંડોરણાથી ગોંડલ તરફનો હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં વરસાદ થતાં વલ્લભગઢથી કેશોદ સુધીના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો.

ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ, જૂનાગઢ અને જામનગરમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના 81 ડેમમાંથી 21 ડેમ એક જ રાતમાં છલકાયા હતા જ્યારે તમામ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. મળતી જાણકારી અનુસાર રાજકોટના 18, જામનગરના 16, મોરબીના 6 ડેમમાં નવા નીર આવ્યા છે.

image source

જૂનાગઢમાં ભારે વરસાદને લઇ કલેક્ટરે જોખમી વિસ્તારોમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે. 16 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. લોકો માટે વિંલિંગ્ડન ડેમ અને દામોદર કુંડ આસપાસ જવા પર પ્રતિબંધ મુકાયો છે. પોરબંદરના કુતિયાણામાં પણ ભાદરના પાણી ફરી વળ્યા છે. ભાદરના દરવાજા ખોલતા કુતિયાણા શહેરમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્રમાં હજારો લોકોનું સ્થળાંતર

image source

રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં નોંધાયો છે. અહીં 6748 લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેમાં રાજકોટથી 2553, જામનગરમાંથી 3966 લોકોનું, પોરબંદર જિલ્લામાંથી 224 લોકોનું અને જૂનાગઢ જિલ્લામાંથી 05 લોકોનું સ્થળાંતરણ કરાયું છે.