PM મોદીની ઘોષણાઃ રાજ્યમાં આ જગ્યાએ બનશે સ્ક્રેપ પ્લાન્ટ, જાણો વાહનો સ્ક્રેપમાં આપનારને શું થશે ફાયદા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતમાં રોકાણકાર સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પીએમ મોદીએ નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપેજ પોલિસીની પણ શરુઆત કરી. તેમણે આ તકે કહ્યું હતું કે, આ નીતિ નવા ભારતના ઓટો ક્ષેત્રને નવી ઓળખ આપવા જઈ રહી છે. આ નીતિ દેશમાં વૈજ્ઞાનિક રીતે અનફિટ વાહનોને દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

image source

નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપ કરશે તેને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટનો ઉપયોગ તેઓ નવી કાર ખરીદતી વખતે કરી શકશે. નવા વાહનની ખરીદી સમયે આ સર્ટીફિકેટ રજૂ કરવા પર ગ્રાહકને રજીસ્ટ્રેશન ચાર્જ આપવો પડશે નહીં. આ ઉપરાંત નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ગ્રાહકને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ સાથે જ કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે સૌરાષ્ટ્રના ભાવનગરમાં અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. આ નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી અમલમાં આવશે. આ સિવાય કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થાપવામાં આવશે.

image source

વડાપ્રધાન મોદીએ આ તકે સંબોધન કરતાં કહ્યું હતું કે આ યોજના ભારતના મોટા લક્ષ્યોને સાકાર કરવા માટે મહત્વનો ભાગ ભજવશે. આ પોલીસી ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. નવી સ્ક્રેપિંગ પોલિસી કચરાથી કંચન બનાવવાના અભિયાનની મહત્વની કડી સાબિત થશે. આ પોલિસી આજના સમયની માંગ છે. આ પોલિસીથી દેશમાં 10 હજાર કરોડથી વધારેનું રોકાણ આવશે. આ પોલિસી પર્યાવરણ માટે પણ જરૂરી છે.

આ તકે પીએમ મોદીએ ગુજરાતની રિસાયક્લિંગની વર્ષો જૂની પ્રથા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રિસાઈક્લિંગ વિશ્વ માટે નવું છે પરંતુ ગુજરાતના દરેક ઘરમાં આ પ્રથા વર્ષો જૂની છે. અહીં દાદીમાઓ વર્ષોથી રિસાઈક્લિંગ કરે છે. ગુજરાતના લોકો કપડા જૂના થાય તો તેને ફેંકતા નથી તેમાંથી નવી ગોદડીઓ બને છે જે શિયાળામાં ખૂબ કામ આવે છે.

રાજ્યમાં 16 લાખથી વધુ વાહન જશે ભંગારમાં

image source

આજથી દેશમાં સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત થતા જ જૂના વાહનો ભંગાર બની ગયા છે. રાજ્યમાં કુલ 16, 43, 218 વાહનો ભંગાર થઈ ગયા છે. ગુજરાતમાં 15થી 20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 10 લાખથી વધારે છે જ્યારે 20 વર્ષ કરતાં જૂના વાહનોની સંખ્યા 5 લાખથી વધુ છે. આજથી જાહેર થયેલી પોલિસી અનુસાર હવે આ તમામ વાહનો ભંગારભેગા થઈ જશે. પોલિસીના નવા નિયમ અનુસાર વર્ષ 2005 પહેલાના વાહનો સ્ક્રેપ ગણાશે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સૌથી વધુ વાહનો કર્ણાટક રાજ્યમાંથી સ્ક્રેપમાં જશે અહીં 20 વર્ષ જૂના વાહનોની સંખ્યા 70 લાખથી વધારે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 56 લાખથી વધુ વાહનો છે, તમિલનાડુમાં 33 લાખથી વધુ, દિલ્હીમાં 49 લાખથી વધુ, કેરળમાં 34 લાખથી વધુ વાહનો એક ઝાટકે ભંગાર થઈ ગયા છે. દેશની વાત કરીએ તો કુલ 4,02,84,521 વાહનો જે સ્કેપ થઈ ચુક્યા છે તે દોડી રહ્યા છે.