એટલો વધ્યો છે મેડિકલ વેસ્ટ કે 24 કલાક સતત ચાલે છે ભઠ્ઠીઓ

કોરોનાની બીજી લહેરે ગુજરાતને રીતસર ધમરોળી નાખ્યું છે. આ વખતે સ્થિતિ એવી હતી કે લોકો ખુદ લોકડાઉન થાય તેવું ઈચ્છતા હતા. કારણ કે કોરોનાએ મોતનું તાંડવ સર્જી દીધું હતું. કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ રહી છે. પરંતુ પીક સમયે સ્થિતિ એવી હતી કે દર્દીઓ હોસ્પિટલની બહાર લાઈનમાં જોવા મળતા અને તેમાંથી કેટલાક તો સારવાર મળે તે પહેલા જ મોતને ભેટતા.

image source

રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં અચાનક થયેલા વધારાના કારણે હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાવા લાગી હતી અને તેના કારણે હવે મેડિકલ વેસ્ટ મોટી સમસ્યા બની છે.

સુરત શહેરની જ વાત કરીએ તો કોરોનાની બીજી લહેરમાં દર્દીની સંખ્યા એકાએક વધી જતાં મેડિકલ વેસ્ટમાં 1400 ટકાનો વધારો નોંધાયો છે. ગત વર્ષે કોરોનાના સમયમાં મેડિકલ વેસ્ટ રોજ આશરે 258 કિલો નીકળતો હતો જ્યારે છેલ્લા બે માસ કરતાં વધુ સમયથી સરેરાશ 3300 કિલોથી વધુ મેડિકલ વેસ્ટ નીકળે છે.

image source

જણાવી દઈએ કે કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં જે ઈન્જેકશન, દવા, પીપીઈ કીટ, માસ્ક, ગ્લવ્સ જેવી વસ્તુઓ વપરાય છે તેને મેડિકલ વેસ્ટ ગણવામાં આવે છે. આ વસ્તુઓનો નિકાલ હોસ્પિટલના સામાન્ય મેડિકલ વેસ્ટની જેમ કરી શકાતો નથી. તેનો નિકાલ કરવા તેને બાળવું પડે છે.

image source

મેડિકલ વેસ્ટમાં 1400 ટકાનો વધારો થતાં સુરતમાં આવેલા મેડિકલ વેસ્ટના નિકાલ માટેના પ્લાંટમાં છેલ્લા દોઢ માસથી 24 કલાક ભઠ્ઠી ચાલતી રહે છે. આ ભઠ્ઠીમાં કોરોનાના મેડિકલ વેસ્ટનો નિકાલ 1300 ડિગ્રી ટેમ્પરેચરમાં કરવામાં આવે છે. ભઠ્ઠીની ક્ષમતા કરતાં મેડિકલ વેસ્ટ ખૂબ વધારે હોવાથી કર્મચારી પણ ઓછા પડે છે.

image source

આ મેડિકલ વેસ્ટનો નિકાલ પ્રોટોકોલ પ્રમાણે થાય તે જરૂરી છે કારણ તે તેનાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. સુરત મનપા પાસે 6 ટન મેડિકલ વેસ્ટ નિકાલ થાય તેવો પ્લાન્ટ છે તેમાં હાલ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ આવે છે તેથી આ ભઠ્ઠીઓ સતત 24 કલાક ચાલતી જ રહે છે. અહીં ગરમીમાં કર્મચારીઓ પણ સતત કામ કરતાં રહે છે.

image source

સુરત મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા ઈ એચ પઠાણના જણાવ્યાનુસાર કોરોનાની બીજી લહેરમાં મેડિકલ વેસ્ટનું પ્રમાણ અનેકગણું વધી ગયું છે. જે કર્મચારીઓ માટે પણ મોટો પડકાર છે. પરંતુ ભઠ્ઠીમાં કામ કરતાં કર્મચારીઓએ હિંમત સાથે આ બીડું ઝડપી લીધું છે અને છેલ્લા દોઢ વર્ષથી તેઓ અટક્યા વિના સતત કામ કરી રહ્યા છે.