7 મહિનાની હતી ત્યારે પિતાનું નિધન, જીવનમાં શરુઆતથી સંઘર્ષ જોનાર દીકરીએ મેળવ્યા 99.99 પીઆર
બોર્ડની પરીક્ષા આપ્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ સતત પરિણામની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે ઓનલાઈન જાહેર થયેલું પરિણામ છેલ્લા 5 વર્ષનું સૌથી ઓછું પરિણામ છે.

પરંતુ તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ અથાગ મહેનતના કારણે ઝળકી ઉઠ્યા છે. તેમાં ઉડીને આંખે વળગે તેવી સફળતા મેળવી છે રાજકોટના વિદ્યાર્થીઓએ. જાણીએ આવા જ ત્રણ વિદ્યાર્થીઓની મહેનત વિશે જેમણે કપરા સમયમાં મહેનત કરી બોર્ડની પરિક્ષામાં ઉત્તમ પરિણામ મેળવ્યું છે.
તેમાં પહેલી આવે છે રાજકોટના ઓઝા પરિવારની દીકરી. માનસી ઓઝાએ ધોરણ 10માં 99.99 પીઆર મેળવ્યા છે. આ ઝળહળતું પરિણામ માનસીએ કેવી સ્થિતિમાં મેળવ્યું છે તે જાણશો તો તમારું મન પણ માનસી માટે દ્વવી ઉઠશે. માનસી જ્યારે માત્ર 7 મહિનાની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થયું.

પિતાની છત્રછાયા ગુમાવતા માનસી અને ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેની માતા પર આવી પડી. જો કે માનસીના માતાએ પણ હિંમત ન હારી અને પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવા જાણે નિર્ધાર કરી લીધો હોય તેમ એકલા હાથે માતાએ તમામ જવાબદારી સંભાળી લીધી. નાનપણથી જ સંઘર્ષનું જીવન જોયું હોય તેવી માનસીએ પણ ટ્યુશન વિના જ આ સિદ્ધિ હાંસલ કરી છે.

દિવસ દરમિયાન માનસી રોજ 8થી 9 કલાક અભ્યાસ કરતી હતી. માનસી રાજકોટની ધોળકીયા સ્કુલમાં અભ્યાસ કરે છે, ડે ટુ ડે વર્ક સાથે સમયાંતરે શાળામાં લેવાતી પરીક્ષાઓ તેના માટે ફાયદાકારક સાબિત થઈ. આજે જ્યારે દીકરીએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી ત્યારે માતા ગીતાબેન હરખના આંસુએ રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે માનસીના પિતાનું અવસાન થતાં તેણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં નોકરી શરુ કરી હતી. તેમણે જણાવ્યું કે માનસીની ઈચ્છા ડોક્ટર બનવાની છે.

આવો જ બીજો વિદ્યાર્થી છે રાજકોટનો ઉત્સવ મહેતા. પરીક્ષાના થોડા જ દિવસો પહેલા ઉત્સવ સાથે એક દુર્ઘટના બની અને તેને ગંભીર ઈજા થઈ. તેના કારણે તેના હાથમાં પ્લેટ બેસાડવાનું ઓપરેશન કરવામાં આવ્યું. તે પરિક્ષા આપી શકે તેમ ન હતો પરંતુ મહેનત કરવાનું છોડ્યું નહીં. ઉત્સવે નક્કી કર્યું કે તે ડ્રોપ નહીં લે અને તેણે રાઈટર રાખી અને પરીક્ષા આપી. ઉત્સવ હાથમાં પ્લાસ્ટર સાથે પણ રોજ 7 કલાક વાંચન કરતો. ઉત્સવ ઈનોવેટીવ સ્કુલનો વિદ્યાર્થી છે અને તે પણ સાયન્સમાં આગળ વધવા ઈચ્છે છે.

રાજકોટની કડવીબાઈ શાળામાં અભ્યાસ કરતી ખુશીએ 94 પીઆર મેળવ્યા છે. તે શાળાની સ્કોલરશીપ દ્વારા આવતા વર્ષે યુએસ જવાની છે. તેણે પોતાની સફળતાનો શ્રેય તેના માતાપિતાને આપ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત