આ ફંડા અપનાવીને તમે પણ જીવો સાદગીથી જીવન, અને વધો આગળ

કોલેજમાં ગ્રુપમાં ક્વિઝ રમતા ત્યારે સવાલ પૂછાતોઃ ગાંધીજી અનેક સિટી (શહેર)માં રહ્યા હતા, પણ તેમને પોતાને કઈ સિટી સાૈથી વધુ ગમતી ?

તેનો જવાબ રહેતોઃ Simplicity.

આજે National Simplicity Day છે. આજે અમેરિકન લેખક અને જીવન સાધક હેન્રી ડેવિડ થોરો (જન્મઃ 12 જુલાઈ, 1817, મૃત્યુઃ 6 મે, 1862)નો જન્મ દિવસ છે. તેમની સ્મૃતિમાં અમેરિકામાં National Simplicity Day મનાવાય છે. (જોકે એ વાત સાવ જુદી છે કે અમેરિકા સાદગીમાં માનતું નથી, જો માનતું હોત તો કેટલું સારું થાત ! )

image source

અમારા વઢિયાર (ઉત્તર ગુજરાત) પંથકમાં ભણેલા ના હોય તેવા ગામના લોકો પણ બોલેઃ સાદા મલક જાદા. નાના છોકરાના હોઠે પણ આ શબ્દો સંભળાય. સાર્થ જોડણી કોશમાં જાદા શબ્દ નથી. અમારા નવ ઉન્મેષથી છલકાતા વઢિયારી કવિ-લેખક રાધવ રબારીને અમે ફોન કરીને તેનો અર્થ પૂછ્યો. તેમણે કહ્યું કે મેં એક લગ્નગીતમાં આ શબ્દ સાંભળ્યો છે. ગામમાં જે ઘરમાં વધારે ઘસારો રહેતો હોય, જે લોકો બીજા માટે વારંવાર ઘસાતા હોય, કામમાં આવતા હોય તેના માટે જાદા શબ્દ પ્રયોજાય છે.

image source

કેટલી સરસ અને સૂક્ષ્મ વાત છે ! જે સાદા છે તે બીજા માટે ઘસાય છે, ઘસાઈ શકે છે. એનો અર્થ એ થયો કે જો તમારા બીજા માટે કશું કરવું છે, બીજાનું ભલું કરવું છે, બીજાને ખપમાં આવવું છે તો તમારે પોતે સાદા થવું પડશે.

એક સૂત્ર વારંવાર વાંચેલું અને સાંભળેલુંઃ સાદું જીવન, ઉચ્ચ વિચાર. એનું કહેવાનું તાત્પર્ય એ છે કે જીવન સાદું રાખો અને વિચારો ઉચ્ચ રાખો. ખરેખર આ બન્ને બાબતો પરસ્પર ગાઢ રીતે જોડાયેલી છે. જેનું જીવન સાદું છે તેના વિચારો આપોઆપ ઉચ્ચ બને છે. જો વિચારોને ઉચ્ચ બનાવવા હોય તો જીવનને સાદું કરવું જ પડશે.

image source

થોડા સમય પહેલાં એક પુસ્તકમાં એક સુંદર અને સાદું વિધાન વાંચેલુંઃ જીવનનાં મહત્ત્વનાં તમામ સત્યો સાદાં જ હોય છે. કેટલી સાદી અને છતાં સાચી વાત છે. આપણે સાદાઈ કે સાદગીને છોડીને જીવનને જટિલ અને સંકુલ બનાવી દીધું હોય તેમ લાગે છે.

એક સમય એવો હતો કે આખો ભારત દેશ સાવ સાદો દેશ હતો. દરેક વ્યક્તિના તન-મનમાં સાદગી જ સાદગી. એમ કહોને કે ભગતનો જ દેશ. તમને ઘેર-ઘેર ભગત મળે. કોઈ જ મહત્ત્વાકાંક્ષા જ નહીં. ધન કે સાધન પાછળની દોડ જ નહીં. કોઈ હાયવોય કે ઉચાટ જ નહીં. જે છે તેનાથી ચલાવો. જીવન ઓછામાં ઓછાથી જ ચાલવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં પણ હજારો વર્ષથી એ જ કહેવાયુંં. લોકોએ તેને રટી નાખ્યું અને જીવનમાં વણી પણ લીધું.

image source

જો તમે સાદગી કે સાદાઈને વળગી રહ્યો તો સુધારા-વધારા, વિકાસ કે પરિવર્તનોને સીમિત અવકાશ મળે. એવું તો બુદ્ધિશાળી મનુષ્યને પાલવે જ નહીં. એ તો રોજેરોજ નવું નવું શોધવા મથવાનો જ. નવી નવા આવિષ્કાર તેની પ્રકૃતિ છે, ભલેને પછી તેને કારણે પ્રકૃતિ એટલે કે પર્યાવરણનો ખો નીકળતો હોય. એ અટકે જ નહીં. તેને પાકી ખબર છે કે સાદું જીવન જ સાચું જીવન છે, પણ એ જીવનને જટિલ બનાવીને જ જીવશે. સમસ્યાઓ આવશે તો તેના ઉકેલ શોધશે અને આગળ ધપશે. નવી સમસ્યાઓ આવશે તો નવા ઉકેલ માટે મથશે (જેમ અત્યારે કોરોનાની વેક્સિન શોધાઈ રહી છે.) પણ ઊભા રહેવું તેને પસંદ નથી.

આ છે આધુનિક માણસની વૃત્તિ અને પ્રકૃત્તિ. એ સાદગીનો માણસ નથી, એ સાધનોનો, ઉપકરણોનો, વૈભવ અને ઉપભોગનો જણ છે. એને વિકાસની અતૃપ્ત ભૂખ છે અને ભોગવટાની કદી ના છીપાય તેવી તરસ છે. એ દોડ્યા જ કરે છે. તેને હાંફ ચડે છે તો પણ તે અટકતો નથી કારણ કે હવે તેની ગતિ એવી પકડાઈ ગઈ છે કે જો તેને અટકવું હોય તો ગતિ તેને અટકવા દે તેમ નથી.

image source

અમને લાગે છે કે સ્વૈચ્છિક સાદગી એ ઉત્તમ માર્ગ છે. થોરો કે ગાંધીજીએ જે સાદગી આત્મસાત કરી હતી તે કંઈ આપણે આત્મસાત ના કરી શકીએ. આપણો ગજ ખૂબ ટૂંકો પડે. હા, એ દિશામાં બે-ચાર ડગલાં ચોક્કસ ચાલી શકીએ. એ મધ્યમ માર્ગ છે. જીવનને બની શકે તેટલું સાદું રાખીએ.

ઓછામાં ઓછી ચીજ-વસ્તુઓથી ચલાવીએ. ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું, હરવા-ફરવાનું, રોજબરોજ જીવન જીવવાનું.. આ બધામાં સાદા રહીએ. ઓછામાં ઓછી જરૂરિયાતો રાખીએ. જે વધારાનું છે તે પ્રકૃતિના ધારા (કાયદા)નું નથી. તાત્વિક રીતે જોઈએ તો જેની પાસે જેટલું વધારાનું છે તે તેણે એક યા બીજી યુક્તિથી બીજા પાસેથી ચોરેલું-લૂંટેલું-છીનવેલું છે. પ્રકૃતિએ તો પોતાનાં તમામ સંતાનો માટે જરૂરી તમામનું સર્જન કર્યું છે. એણે તો સાદગીનો મહિમા આ રીતે પ્રસ્થાપિત કરેલો જ છે. એ મહિમાને આધુનિક માણસે નકાર્યો છે.

image source

બાય ધ વે, જે વ્યક્તિ સાદગી અપનાવે તેને અનેક ફાયદા થાય.

1. સાદગીના અમલથી જીવનની ગુણવત્તા સુધરે.

2. ખર્ચ ઘટે એટલે ઓછું કમાવું પડે. વધારે કમાવા માટે સમય ના આપવો પડે. તનાવ ઓછો થાય. કાળાં-ધોળાં ઓછાં કરવાં પડે.

3. સાદું જીવન જીવનારી વ્યક્તિ પાસે વિકલ્પો ઓછા હોય છે. વિકલ્પો ઘટ્યા એટલે ગંગા નાહ્યા. પાંચ શર્ટ હોય તો કયો શર્ટ પહેરવો એની પારાયણ થાય. વિકલ્પો ઘટતાં આપોઆપો સંકલ્પો વધે છે.

image source

4. આપણી પાસે જે વધારાનું હોય છે તે ખરેખર એક યા બીજી રીતે આપણે બીજા પાસેથી છીનવેલું જ હોય છે. એટલે તો વિશ્વમાં અનેક લોકો કપડાં અને રોટી વિનાના છે. સાદું જીવન જીવતો માણસ આ પાપમાંથી આપોઆપ બચી જાય છે.

5. સાદગીને કારણે શોષણ અને ભ્રષ્ટાચાર ઓછા થાય.

6. માણસની સાચી શોધ સુખની નહીં શાંતિની હોય છે. (એટલે તો આપણા ઘરડાઓ સુખ-શાંતિ એવો યુગ્મ શબ્દ વાપરતા) સાધનો અને સગવડોમાં સુખ છે, પણ શાંતિ તો સાદગીમાં જ છે. શાંતિ તેને જઈ વરે, જે સાદગીથી જીવન જીવે. આત્માનો સ્વભાવ શાંતિનો છે અને શાંતિનું સાચું સરનામું સાદગી છે.

7. સાદું જીવન જીવતો માણસ કરકસર કરનારો હોય છે. તે બીજાના ભાગનું કશું વાપરતો કે વેડફતો નથી.

8. સાદગીથી જ આધ્યાત્મિક ઉન્નતિ સંભવ છે.

image source

9. જો વિશ્વના તમામ લોકો માપસરના મંત્રને અમલમાં મૂકી, ભલે વધારે નહીં પણ માપસરની સાદગી સ્વીકારે તો વિશ્વની મોટાભાગની સમસ્યાઓનો હલ આવે.

સાદગી અંગે જો આપવાં હોય તો અનેક ઉદાહરણો આપી શકાય. જોકે ઉદાહરણો વાંચવાં કે સાંભળવાં તેના કરતાં ઉદાહરણ બનવું સારી બાબત છે. માટે જો બની શકે તો આજે સંકલ્પ કરીએ કે અનેક સમસ્યાથી પીડાતી આ દુનિયામાં જેમની પાસે નથી તેમના લાભાર્થે આપણે ઓછામાં ઓછી ચીજ-વસ્તુઓથી ચલાવીએ. સ્વૈચ્છિક સાદગી, મહત્તમ વહીં તો લઘુતમ સાદગીનો અમલ કરીએ.

હેન્રી ડેવિડ થોરોના પુણ્ય સ્મરણ સાથે દરેકને સાદગી દિવસની વધામણી, સાદગી સાથે આપના જીવનની હરેક ઘડી બને રળિયામણી. દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ.

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત