ભારતીય ક્રિકેટ ટીમને કોરોનાને લઈ મળી મોટી જાણકારી, આજે ઈન્ડિયા- ઈંગ્લેન્ડ વચ્ચે થશે મેચ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં પાંચમી ટેસ્ટ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર એવા છે કે ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ સંપૂર્ણપણે ફિટ છે અને કોઈ પણ ખેલાડીને કોરોના નથી. ગુરુવારે ખેલાડીઓના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા તે તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

image source

હવે માન્ચેસ્ટર ટેસ્ટ ખેલાડીઓ ચિંતામુક્ત થઈ રમી શકશે. જણાવી દઈએ કે બુધવારે સાંજે ભારતના આસિસ્ટન્ટ ફિઝિયો યોગેશ પરમાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ ભારતીય ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓ તેમના રૂમમાં જ રહ્યા હતા અને ગુરુવારે કોઈએ પ્રેક્ટિસ કરી ન હતી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓના બે RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ ખેલાડીઓ નેગેટિવ મળ્યા છે.

image source

જણાવી દઈએ કે ભારતીય ટીમના સ્ટાફમાં કોરોનાના કેસ મળી આવ્યા બાદ ઈસીબી અને બીસીસીઆઈ વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને કહ્યું હતું કે જો તેઓ ઈચ્છે તો તેઓ આ મેચમાં ઈંગ્લેન્ડને વોકઓવર આપી શકે છે, પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માએ તેની ના પાડી દીધી હતી. કારણ કે ભારતીય ખેલાડીઓ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવા માંગે છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે અને માન્ચેસ્ટરમાં પણ જીતવાની સંભાવના પ્રબળ છે. જોકે ટીમનો અત્યાર સુધીનો ત્યાંનો રેકોર્ડ ખાસ નથી. ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં રમાયેલી 9 ટેસ્ટ મેચ જીતી શકી નથી. ભારત 4 ટેસ્ટ હાર્યું છે અને 5 મેચ ડ્રો રહી છે.

image source

જો કે જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા છે ત્યારથી બીસીસીઆઈ ચિંતામાં છે. કારણે કે માન્ચેસ્ટર ટેસ્ટ પછી ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ યુએઇ પહોંચવું પડશે જ્યાં તેઓ IPL માં ભાગ લેશે. તેવામાં જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હોત તો આઈપીએલ 2021 ના બીજા ભાગ માટે પણ તે ખૂબ જ માઠા સમાચાર સાબિત થયા હોત.