ભર ભાદરવે મેઘો મહેરબાન, સમગ્ર રાજ્યમાં બોલાવી જબરદસ્ત ધબધબાટી

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. સમગ્ર ગુજરાતના દરેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક નદી તળાવો ઉભરાઈ ગયા છે. તો ચાલો જાણી લઈએ ગુજરાતના કયા ક્યાં જિલ્લામાં મેઘરાજાએ શુ દશા કરી છે.

રાજકોટ

ભારે વરસાદને પગલે રાજકોટ અને જામનગરમાં ભારે તારાજી સર્જાઈ છે. સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. રાજકોટના લોધિકા તાલુકાના છાપરા ગામે કાર તણાઇ છે. જેનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

જામનગર

જામનગરમાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદે અનેક ગામને બેટમાં ફેરવાઈ ગયા છે. જેમા બાંગા ગામમાં તો ભારે વરસાદને કારણે હેલિકોપ્ટરથી લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું.જામજોધપુર પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક ગામડાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. સીદસર ગામનું ખ્યાતનામ ઉમિયાધામ પણ બેટમાં ફેરવાઇ ગયું છે

વડોદરા

વડોદરામાં ગણેશ મહોત્સવના પ્રથમ દિવસે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. મેઘરાજા મન મૂકીને વરસતા શહેરમાં વિવિધ સ્વરૂપે બિરાજમાન થયેલા શ્રીજીને દર્શન કરવા માટે શહેરીજનો જઈ શક્યા ન હતા. ગણેશ મંડળો દ્વારા પણ શ્રીજીની આરતી પતાવીને પંડાલો બંધ કરી દીધા હતા અને ઘરભેગા થઇ ગયા હતા.

શહેરના મોટાભાગના માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઇ જતા વડોદરા મહાનગર સેવા સદનની સ્માર્ટ સિટીની પોલ ખૂલ્લી પડી ગઇ હતી. એક જ કલાકમાં મેઘરાજાએ પાલિકાની વિકાસની વાતોના ધજાગરા ઉડાવી દીધાં હતા.

પંચમહાલ

પંચમહાલમાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. જેના કારણે ઘોઘંબાનો હાથણી ધોધ જીવંત થયો. ધોધ શરૂ થતા સહેલાણીઓ ઉમટ્યા હતા. કારણકે વનરાજીન વચ્ચે ધોધ જીવંત થતા સુંદર દ્રશ્યો સર્જાયા હતા અને તેજ કારણે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.

ડાંગ

image source

ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.સતત ભારે વરસાદના કારણે અંબિકા નદી ગાંડીતૂર થઈ છે.પાણીની ભારે આવકના કારણે અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ગીરા ધોધના વેગીલા પ્રવાહને લઈને પણ સ્થાનિકોમાં આકર્ષણ જોવા મળી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે ડાંગમાં વરસાદ થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

જૂનાગઢ

image source

ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારો અને રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.સવારથી અત્યાર સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ફસાયેલા લોકોને બચાવવા હેલિકોપ્ટરથી કરાયું રેસ્ક્યુ.

અમદાવાદ

અમદાવાદીઓને છેલ્લાં ઘણા દિવસથી વરસાદી ઝાપટાં પડીને છેતરી રહ્યો છે. પરંતુ આજે સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે.વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે.

image source

તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ત્યારે અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે.