રસી લીધા બાદ કોરોના થાય તો લક્ષણો સામાન્ય, સાથે જાણો રસી લીધા પછી શું થાય છે મોટો ફાયદો

કોરોના વાયરસે છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી દેશને જાણે બાનમાં લીધું છે. કોરોનાના લક્ષણો સતત બદલતા રહ્યા અને તેના કારણે લોકોને અલગ અલગ સમસ્યાઓ પણ થઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા છે. બીજી લહેરના તાંડવ વચ્ચે ત્રીજી લહેરની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે દેશમાં રસીકરણ ઝડપભેર શરુ કરવામાં આવ્યું છે.

image source

જો કે રસીને લઈને લોકોના મનમાં હજુ પણ શંકા પ્રવર્તે છે. જો કે નિષ્ણાંતો પણ કહી ચુક્યા છે કે રસી લેનાર લોકો કોરોનાથી સુરક્ષિત રહે છે. રસી લીધા પછી પણ જો કોરોના થાય છે તો દર્દીને સામાન્ય લક્ષણો જ જણાય છે અને મોટાભાગે દર્દી હોમ આઈસોલેશનમાં જ સ્વસ્થ થઈ જાય છે. આ વાતની પુષ્ટી એક રીસર્ચમાં પણ કરવામાં આવી છે.

image source

જીટીયુની બાયોસેફ્ટી લેબ દ્વારા છેલ્લા 3 માસના દર્દીઓના ડેટાના આધારે એક સર્વે કરવામાં આવ્યો છે. જેના આધારે જાણવા મળ્યું છે કે સંક્રમિત થયેલા 86 ટકાથી વધુ સંક્રમિત થયેલા લોકો એવા હતા જેમણે કોરોનાની રસી લીધી હતી. પરંતુ રસી લીધેલી હોવાના કારણે તેમને કોરોનાના સામાન્ય લક્ષણો જ જણાયા હતા. આ સિવાય સૌથી મોટી સારી વાત તો એ છે કે તેઓ કોરોના થયાના પહેલા સપ્તાહમાં જ સ્વસ્થ થઈ ગયા હતા.

image source

આ સર્વેમાં ઉંમર, બ્લડ ગૃપ, રિકવરી રેટ, સ્ત્રી અને પુરુષ, તેમજ રસી લીધા જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. આ સર્વે બાદ જીટીયુના કુલસચિવે પણ લોકોને અપીલ કરી છે કે વધુને વધુ લોકો રસી લે જેથી કોરોના સામે તેઓ વધુ સુરક્ષિત રહે. આ સર્વેમાં મહત્વની વાત એ પણ સામે આવી કે રસી લીધા બાદ સંક્રમિત થયેલા 94 ટકાથી વધુ લોકો ઘરે જ આઈસોલેટ રહી સ્વસ્થ થઈ ગયા છે.

image source

આ સર્વે અનુસાર સૌથી વધુ પોઝિટિવ કેસ 21થી 40 વર્ષની ઉંમરના લોકોમાં જોવા મળ્યું હતું. આ ઉંમરના 44.99 ટકા લોકો સંક્રમિત થયા હતા. જ્યારે 41થી 60 વર્ષના 31.14 ટકા લોકોમાં સંક્રમણ જોવા મળ્યું હતું. બ્લડ ગૃપની વાત કરીએ તો તેમાં એબી પોઝિટિવ, એ પોઝિટિવ, બી પોઝિટિવ, ઓ નેગેટિવ, બી નેગેટિવ બ્લડ ગૃપ ધરાવતા લોકો વધુ સંક્રમિત જોવા મળ્યા હતા. જ્યારે સૌથી ઓછા એબી નેગેટિવ બ્લડ ગૃપ ધરાવતા લોકો સંક્રમિત થયા હતા.