Site icon News Gujarat

મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલના કોલેજના મિત્રોએ કર્યું સન્માન, જાણો કેવા છે મિત્રોના પ્રતિભાવ

આપણી સાથે અભ્યાસ કરતો કોઇ વ્યક્તિ જો કોઇ ઉંચા હોદ્દા પર બિરાજમાન થઇ જાય તો પણ આપણને ગર્વ થાય છે.. થોડા સમય પહેલા ઇરફાન ખાન અને કિંગ ખાન શાહરૂખની એક ફિલ્મ આવી હતી બિલ્લુ બાર્બર.. જેમાં શાહરૂખ અને ઇરફાન એક સાથે અભ્યાસ કરતા હોય છે અને શાહરૂખ ફિલ્મ અભિનય ક્ષેત્રે સફળતાના શિખરો સર કરે છે.. જ્યારે ઇરફાન ખાન એક નાનકડા ગામમાં પોતાની હેર કટિંગ સલૂન ચલાવતો હોય છે.. તે પોતાના પરિવારને ગર્વની સાથે કહેતો હોય છે કે શાહરૂખ તેનો મિત્ર છે.. પરંતુ કોઇ તેની વાતનો ખાસ વિશ્વાસ નથી કરતું.. પરંતુ જ્યારે શાહરૂખ પોતે આ વાત કહે છે ત્યારે માત્ર ઇરફાનનો પરિવાર જ નહીં આખું ગામ આશ્ચર્ય ચકિત થઇ જાય છે.. ગુરૂવારે પણ અમદાવાદમાં કંઇક આવુ જ થયું.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમની સાથે એન્જિનયરીંગ ભણ્યા હતા તે કૉલેજના મિત્રોએ તેમનુ અભિવાદન કર્યું.. અને કૉલેજ કાળના તે દિવસોને વાગોળ્યા..

image source

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની સાદગી અને સરળતા સાથે આગવા અંદાજમાં પોતાની વાતને રજૂ કરવા માટે જાણીતા છે, જે તેમના કોલેજકાળથી જ યથાવત્ છે. કોલેજના સમયમાં તેઓ સાંસ્કૃતિક સમિતિના મંત્રી પણ બન્યા હતા. આવી જ કેટલીક રોચક બાબતો અંગે કોલેજકાળ દરમિયાન તેમના મિત્રો સાથે વાત કરી હતી. જાણો મુખ્યમંત્રીના ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાનના મિત્રો સાથેની ખાસ વાત.

ભૂપેન્દ્રભાઈ તમામની સાથે હળીમળીને રહેતા

image source

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોલેજકાળના મિત્ર ઉમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કોલેજના સમયમાં પણ તેમનો સ્વભાવ એકદમ સરળ અને મિલનસાર હતો. તમામની સાથે હળી-મળીને રહેતા. માત્ર કોલેજમાં નહીં, પરંતુ કોલેજકાળ બાદ પણ તેમની સાથે કામ કરવાની તક મળી હતી. તેમની સાથે વર્ષ 2005-6માં કોર્પોરેશનમાં ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કામ કર્યું હતું. એ સમયે ભૂપેન્દ્રભાઈ પ્રમુખ તરીકે હતા, પરંતુ એ વિસ્તાર કોર્પોરેશનમાં ભળી ગયો. તેઓ મેમનગર પાલિકામાં પ્રમુખની ચેમ્બરમાં બેસવાનું ટાળતા અને બહાર જ આવતા તથા સ્થાનિકોને મળતા. આ પ્રકારના પ્રસંગો તેમની સાદગીની પ્રતીતિ કરાવતા.

તેમના પિતાજી પણ કોલેજમાં પ્રોફેસર હતા

image source

કોલેજના અન્ય એક મિત્ર વિજય રાવલે પોતાના અનુભવ વર્ણવતાં કહ્યું હતું કે વિદ્યાર્થીકાળમાં તેમનામાં નેતૃત્વના ગુણ હતા, કારણ કે કોલેજની ચૂંટણીમાં તેઓ ભાગ લેતા અને કલ્ચરલ કમિટીના મંત્રી બન્યા હતા. એ સમયે કોલેજમાં વિદ્યાર્થીઓ માટે અધ્યાપકો સાથે સીધી વાત કરવી એટલું સરળ નહોતું ત્યારે તેઓ આગળ રહેતા અને અધ્યાપકો-વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં તેમનો રોલ મહત્ત્વનો રહેતો. જ્યારે તેઓ અમદાવાદની સરકારી પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના પિતાજી પણ કોલેજમાં પ્રોફેસર હતા, પરંતુ એ અંગેની જાણ મર્યાદિત લોકોને જ હતી અને તેઓ સામાન્ય વિદ્યાર્થીની જેમ જ અભ્યાસ માટે આવતા.

આજે પણ તેમનો સ્વભાવ એકદમ સરળ છે

મુખ્યમંત્રીના અન્ય એક મિત્ર ઉપેન્દ્ર બારોટ, જેમણે માત્ર કોલેજ નહીં, પણ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ મુખ્યમંત્રી સાથે અભ્યાસ કર્યો હતો. એ સમયને યાદ કરતાં ઉપેન્દ્ર બારોટનું કહેવું છે કે ભૂપેન્દ્ર ભાઈને મૂવી જોવાનો ખૂબ શોખ હતો. કેટલીક એવી પણ મૂવી હતી, જેને તેમણે સાથે 20થી 25 વાર થિયેટરમાં જોઈ હતી. સ્કૂલ અને કોલેજ લાઈફમાં પણ તેમનો સ્વભાવ એકદમ સરળ હતો અને આજે પણ મુખ્યમંત્રી બન્યા પછી કાયમ છે.

અમદાવાદની સરકારી પોલિટેક્નિકમાં સીએમ ભણ્યા હતા

image source

વર્ષ 1979થી 1982 સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સરકારી પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ કર્યો હતો. એ દરમિયાન આ બેચના સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓએ સન્માન કાર્યક્રમ યોજ્યો હતો. અભિવાદન કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે મારે મૂવી જોવાનું થાય ત્યારે આખા ક્લાસને બહાર કાઢતો હતો. હજુ નથી લાગતું કે હું સીએમ છું.

Exit mobile version