મુંબઈના રહેણાક વિસ્તારમાં ભભૂકી આગ, એક વ્યક્તિનું મોત, મેયર પહોંચ્યા ઘટનાસ્થળે

મુંબઈમાં કરી રોડ સ્થિત 60 માળના એક એપાર્ટમેંટમાં શુક્રવારે આગ લાગી હતી. જાણવા મળતી માહિતી અનુસાર અવિધ્ના પાર્ક અપાર્ટમેન્ટમાં 12 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. આ વ્યક્તિનું મોત અપાર્ટમેન્ટના 19માં ફ્લોર પરથી નીચે પટકાવાના કારણે થયું છે. આ ઘટનાની જાણ થતા જ મુંબઈના મેયર કિશોરી પેડનેકર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી.

image source

આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યું છે. જેમાં જોવા મળે છે કે આગ લાગ્યા બાદ કેવી રીતે અપાર્ટમેંટમાં અફરાતફરી મચી ગઈ હતી. એક વ્યક્તિ તો પોતાનો જીવ આગથી બચાવવા માટે છત સાથે લટકી ગયો હતો. પરંતુ તેનું સંતુલન ખરાબ થઈ જતાં તે 19માં માળેથી નીચે પટકાયો હતો. આ વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાલકનીમાં લટકેલા વ્યક્તિની ઓળખ અરુણ તિવારી તરીકે થઈ છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર આ ઈમારત 60 માળની છે અને તેના 19માં માળે ભયંકર આગ લાગી હતી. આ ઘટનાનો વીડિયો બિલ્ડીંગની નીચે ઊભેલા વ્યક્તિએ ઉતારી લીધો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે ઈમારતમાં આગ ભભુકી રહી છે. સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે અને તેવામાં 19માં માળેથી એક વ્યક્તિ નીચે પટકાય છે. આ જોઈ નીચે ઊભેલા લોકોની પણ રાડ નીકળી જાય છે અને થોડીવાર માટે અફરાતફરી સર્જાય જાય છે. વ્યક્તિને તુરંત હોસ્પિટલ પણ લઈ જવામાં આવે છે જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ જાણકારી મુંબઈ ફાયર વિભાગે આપી હતી.

image source

આગની ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં પણ લોકોના મનમાં ફફડાટ ફેલાયો હતો. 19માં માળે આગ કયા કારણોસર લાગી અને ત્યાં કેટલાક લોકો હાજર હતા તે અંગે પણ તપાસ શરુ કરવામાં આવી છે. આ આગને કાબૂમાં લેવા માટે 15 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરની ટીમએ 60 માળની બિલ્ડીંગને ખાલી કરાવવાની પણ કામગીરી હાથ ધરી છે. ફાયર વિભાગ અનુસાર આ આગ લેવલ ત્રણની એટલે કે ભીષણ કેટેગરીમાં આવતી આગ છે. તેથી આ આગમાં મોટી નુકસાનીની ભીતી પણ સેવાય રહી છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.