જાણી લો ફટાફટ અને સમયસર લઈ લો ઓફરનો લાભ

નવરાત્રી પર્વ હાલ ચાલી રહ્યો છે. બે વર્ષ બાદ કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી રાજ્ય સરકારે આ વખતે નવરાત્રી રમવા માટે કેટલીક છૂટછાટો આપી છે. તેવામાં હવે લોકોએ પણ રાહત અનુભવી છે અને નવરાત્રી બાદ દિવાળીના તહેવારને પણ બંધન વિના માણી શકાશે તેવી આશા જન્મી છે. લોકોના આ ઉત્સાહ અને આગામી સમયમાં આવનાર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી પર્યટન સ્થળોએ પહોંચવા માટે જરૂરી એવી બસને લઈને પણ ખાસ આયોજન કરી લેવામાં આવ્યું છે.

image source

દિવાળી સમયે બાળકોને શાળામાં વેકેશન હોય છે અને ઓફિસોમાં પણ રજા હોય છે ત્યારે વર્ષમાં એકવાર લોકો ફરવા નીકળી જતા હોય છે. આ સમયે સૌથી વધુ ભીડ એસટીમાં જોવા મળે છે. સામાન્ય રીતે એક કે બે દિવસની રજાઓમાં અને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે લોકો આસપાસના શહેરોમાં રહેતા પરીજનોને મળવા અથવા તો પોતાના વતનની મુલાકાત લેવા નીકળતા હોય છે. ત્યારે આ સમય દરમિયાન એસટી બસોમાં ભીડ વધારે જોવા મળે છે.

દિવાળીના પર્વ પર મુસાફરોની થતી ભીડને ધ્યાનમાં રાખી અને રાજ્યના એસટી વિભાગે અત્યારથી જ તૈયારીઓ કરી લીધી છે. એસટી નિગમ દ્વારા વેકેશનમાં વધનારી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખી અને વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

image source

એસટી નિગમે દિવાળીના તહેવાર પર રાજ્યના વિવિધ રુટ પર 200 જેટલી વધારાની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. આ સિવાય મુસાફરો માટે એક ખાસ ઓફર પણ એસટી નિગમ લાવ્યું છે. આ વર્ષે દિવાળીના તહેવારમાં એસ ટી નિગમે જાહેર કર્યું છે કે જો કોઈ તરફથી ગૃપ બુકિંગ થાય અને 52 લોકોની ટિકિટ બુક થાય તો એસટીની સેવા લોકોને તેમના ઘર આંગણે મળશે. આ રીતે જાહેરાત થયા બાદ બસના બુકિંગની શરૂઆત પણ થઈ ચુકી છે.

image source

એક સાથે આખી બસ બુક કરવાની શરૂઆત સુરત શહેરથી થઈ છે. સુરત ખાતે આ રીતે 32 બસનું બુકીંગ થયું છે. ભાવનગર જવા માટે સુરતથી એસ ટી બસ બુક કરવામાં આવી છે. આ તકે એસટી નિગમના સચિવનું જણાવવું છે કે આ નવી સર્વિસને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતના કોઈપણ શહેરમાંથી કોઈ ગૃપ બુકિંગ કરાવશે તો તેમને ઘણા ફાયદા થશે. જેમકે એક તો એસટીની બસ તેમના ઘર, સોસાયટીથી તેમને લઈ જશે અને મુકવા આવશે.

image source

આ સિવાય આ વર્ષે એસ ટીમાં એક જ પરિવારના 4 કરતા વધુ લોકો માટે ટિકિટ બુક કરાવવા પર 5 ટકા ડિસ્કાઉન્ટ અને સાથે જો તેઓ રિટર્ન ટિકિટ પણ બુક કરાવે તો તેમને 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તહેવારોમાં આ ખાસ ઓફર સાથે લોકો સૌરાષ્ટ્ર, પંચમહાલ સહિત ગુજરાતના કોઈ પણ શહેરમાંથી ગૃપ બસ બુક કરાવી શકે છે.

આ ઓફર આગામી 29 ઓક્ટોબરથી શરુ થશે અને 4 નવેમ્બર સુધી તેનો લાભ લઈ શકાશે. આ પ્રકારે બુકિંગ લોકો વેબસાઈટ www.gsrtc.in અથવા તો gsrtcની એપ પરથી કરાવી શકે છે.