હિંમતનગરમાં ટાયફોઈડની સ્થિતિ વકરી 30 મેડિકલ વિદ્યાર્થીઓ ઝપેટમાં આવ્યા બાદ 800 પર સંકટ વધ્યું

કોરોના વાયરસની બીજી લહેરમાં જે ફટકો લોકોને પડ્યો છે અને જે ભયંકર દ્રશ્યો જોવા મળ્યા હતા તે હજુ તો ભુલાયા નથી ત્યાં ત્રીજી લહેરની ભીતિ સર્જાય છે. કોરોનાના કેસ ફરીથી ન વધે તે વાતનું ધ્યાન સતત રાખવામાં આવી રહ્યું છે કારણ કે કોરોના હજુ આપણી વચ્ચેથી ગયો નથી. તેવામાં રાજ્યભરમાં રોગચાળો વકરી રહ્યો છે.

image source

સ્થિતિ એવી છે કે રાજ્યમાં પાણીજન્ય, મચ્છરજન્ય અને સીઝનલ રોગોના કેસ ભયંકર રીતે વધી રહ્યા છે અને દર્દીઓથી હોસ્પિટલો ઉભરાવા લાગી છે. તેવામાં હિંમતનગરથી એક ચિંતાજનક ખબર સામે આવી છે. અહીં એક સાથે 30 વિદ્યાર્થીઓ ટાયફોઈડની ચપેટમાં આવી ગયા છે.

image source

જાણવા મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં આવેલી મેડિકલ કોલેજના જ એકસાથે 30 વિદ્યાર્થીઓ હોસ્પિટલના બીછાને પહોંચી ગયા છે. આમ થવાનું કારણ એક ગંભીર બેદરકારી છે. એક સાથે 30 જેટલા વિદ્યાર્થીઓને ટાયફોઈડ થઈ જતાં સ્થાનિક વહિવટી તંત્ર પણ દોડતું થયું છે. આ સાથે જ એક સાથે આટલા વિદ્યાર્થીઓને ટાયફોઈડ કેમ થયો તે અંગે તપાસ કરવામાં આવતા એક ગંભીર બાબત સામે આવી હતી. અહીં પીવાના પાણીમાં ગંદુ પાણી ભળી જતા બાળકો બીમાર પડ્યા છે.

image source

મેડિકલ કોલેજના 30 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે પેટમાં દુખાવા ફરિયાદ થતાં પ્રાથમિક તપાસ બાદ દરેક વિદ્યાર્થીનો ટાયફોઈડના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. એક સાથે મેડિકલ કોલેજના જ 30 વિદ્યાર્થીઓને ટાયફોઈડ હોવાનું રિપોર્ટમાં આવતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે તંત્ર દ્વારા વિગતે તપાસ કરતાં સામે આવ્યું કે સિવિલ સંકુલમાં ગટરના પાણીની લાઈન અને પીવાના પાણીની લાઈન એક થઈ જવાના કારણે આ રોગચાળો ફાટી નિકળ્યો છે. જો કે સિવિલના તંત્ર દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી હતી. પરંતુ એક પછી એક એમ 30 વિદ્યાર્થીઓ બીમાર થવાથી દાળમાં કંઈક કાળું હોય તે વાત સ્પષ્ટ થઈ છે.

image source

આ અંગે વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેટલાક દિવસથી સંકુલમાં આરઓ બંધ છે અને ગટરનું પાણી અને પીવાના પાણીની લાઈનમાં મિક્સ થઈ જવાથી આમ થયું છે. એકસાથે કુલ 30 જેટલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 10 વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી અને 20 વિદ્યાર્થીઓ હજુ સારવાર હેઠળ છે. જો કે ચિંતાની વાત એ છે કે હોસ્ટેલમાં 800 વિદ્યાર્થીઓ રહે તેમના પર પણ હવે જોખમ તોળાઈ શકે છે.