ધંધાર્થીની આપવીતી: ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો કરોડોનો ધંધો ઠપ, 50 બસ ભંગારમાં કાઢી, વાંચો તો ખરા કોરોનાએ કેવી કરી નાખી લોકોની હાલત

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી લોકડાઉન જેવો જ માહોલ ચાલી રહ્યો છે જેના કારણે કેટલાય લોકોના વેપાર ધંધા પડી ભાંગ્યા છે. જેમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા લોકોની સ્થિતિ ખૂબ જ દયાજનક બની ગઈ છે. ત્યારે શહેરમાં રહેતા જૈન પરિવારનાં એક યુવકે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કરોડોનું ટર્નઓવર ઠપ્પ થતા પોતાના ગ્રુપમાં 40થી 50 જેટલી બસ અને નાની ગાડીઓ ભંગારના ભાવે વેચી કાઢી છે.

image source

આ યુવકે હવે પરિવારનું ગુજરાન ચલાવવા કેરીનો વેપાર કરવાનું શરૂ કર્યો છે. જેમાં એનો પરિવાર પણ એની મદદ કરી રહ્યો છે. જો કે હવે કેરીની સિઝન પણ થોડા વખતમાં પુરી થઈ જશે. એ પછી ફરી એકવાર આ યુવકને નવા ધંધા વિશે વિચારવું પડશે.

પ્રભાવ ટ્રાવેલ્સ એન્ડ હોલીડેઝ નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા અમિષભાઇ દફ્તરીએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી ટુરિઝમનાં વ્યવસાય સાથે જોડાયેલો છું. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષથી ટુરિઝમનો વ્યવસાય સાવ ઠપ થઈ ગયો છે. જેના કારણે અમે હાલ કેરીની સિઝન હોવાથી તેનો વેપાર શરૂ કરી દીધો છે. જેમાં રત્નાગીરી હાફૂસ તેમજ તાલાલા અને કચ્છની કેસર કેરી ઘરે-ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું છે.

અમિષભાઇ દફ્તરીએ આ વિશે આગળ જણાવ્યું હતું કે, કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરી આવક મેળવવા કંઇક કરવું જરૂરી હતું. જેને લઈને જૈન વાણીયાને અમુક વસ્તુનો વેપાર કરવાની મનાઈ હોવા છતાં તેમણે કેરીનો વેપાર શરૂ કર્યો છે. કારણ કે આ મજબૂરી છે. આત્મનિર્ભર રહી સ્વાભિમાન સાથે જીવવા માટે ન છૂટકે આ વ્યવસાય સ્વીકાર્યો છે. આ કામમાં મારી પત્ની તેમજ દીકરી સહિતનાં પરિવારજનો પણ મદદરૂપ થાય છે.

image source

અમિષભાઈ પોતાના કેરીના નવા વેપાર વિશે જણાવે છે કે, ટુરિઝમ અને કેરીનાં વેપારમાં હાથીઘોડાનો ફરક છે. કારણ કે, ટુરિઝમ માટે ખાસ કોઈ રોકાણની જરૂર પડતી નથી. માત્ર અનુભવ, આવડત અને સંબંધોનાં આધારે કામ કરી શકાય છે. જ્યારે કેરીના વેપાર માટે રોકાણ તો કરવું જ પડે છે અને તેમાં પણ ભાવ ઘટી જવા ઉપરાંત ફળ બગડી જવા જેવી વિવિધ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. જો કે મહેનત અને ગ્રુપનાં કારણે હાલ ગુજરાન ચાલી રહ્યું છે.

image source

તેમને આગળ જણાવ્યું હતું કે કોરોનાની બીક અને લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર પણ જતા નથી. તો બહારગામ તો ક્યાંથી જાય? એ કારણે ટુરિઝમ માટે રાખેલી બસો પડતર રહેતા ટેક્સ સહિતનાં ખર્ચાઓ વધી ગયા હતા. જેને પગલે તેને ભંગારમાં કાઢી નાખવાની સ્થિતિ ઉભી થઇ હતી. જેમાં 40 કરતા વધારે બસ અને નાની ગાડીઓ સામેલ હતી.

image source

તેમને આ વિશે આગળ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અમારી જ નહીં પરંતુ આ વ્યવસાય સાથે સંકળાયેલા બધા લોકોની સ્થિતિ કફોડી થઈ છે. ત્યારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકારે આ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ પણ તેમણે કરી છે.