Site icon News Gujarat

અમેરિકાના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 9 કરોડના ખર્ચે ભારત માટે કરેલી ઓક્સિજનની વ્યવસ્થાનો પહેલાં જથ્થો અમદાવાદ પહોંચ્યો

હાલમાં કોરોનાના કાળમાં લોકો જો એક બીજાની મદદ નહીં કરે તો આ મહામારીમાંથી ઉગરી નહીં શકાય એ વાત નક્કી છે. કારણ કે આટલા મોટા રોગચાળામાં એકલી સરકાર પણ ક્યાંક પહોંચી વળે એમ નથી. ત્યારે અનેક નાની મોટી સંસ્થા પણ આ કોરોનાની બીજી લહેરમાં મદદે આવી છે. અને એવામાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટની તાતી જરૂરિયાત ઉભી થઈ છે એ વાતથી હવે દેશ આખો જાણે છે. આવા કપરાં સમયમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી છે અને એવામાં પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે.

હાલમાં મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો 335 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરેથી આજથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આવી ઉમદા પ્રવૃત્તિથી પ્રેરાઈને એશિયન મિલ્સ પ્રા.લીના માલિક ઓમ પ્રકાશ અગ્રવાલજી કે જેમણે અગાઉ પણ રૂપિયા અઢી કરોડનું દાન સંસ્થાને આપેલ છે, તેમણે કોરોનાના દર્દીઓની સારવાર અર્થે ફરી એકવાર રૂપિયા એક કરોડનુ દાન આપેલું છે. આજે સવારે આ જથ્થો આવતાની સાથે જ ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી આર.પી. પટેલે આ વિશે સમ્રગ માહિતી જણાવી હતી કે આજે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. ઉપરાંત 20 જેટલા નિષ્ણાંત ડોક્ટરોની ટીમ વિનામૂલ્યે કોરોનાં કાઉન્સેલિંગ સેવા આપશે. આ સાથે જ બીજી સેવા વિશે જો વાત કરવામાં આવે તચો એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવશે. ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે. જે પૈકી સૌ પ્રથમ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઈન્સ્ટ્યુમેન્ટ અમદાવાદ આવ્યા છે.

કઈ રીતે આ લોકો કામગીરી કરવાના છે એના વિશે પણ માહિતી મળી રહી છે કે દર અઠવાડિયે આવનાર 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સ્ટેપવાઈઝ રાજ્યના વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજ ના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

અમેરિકાથી આવનાર એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે. જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિશુલ્ક અપાઈ રહી છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન સિલિન્ડર નિશુલ્ક હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવી છે.

આ સિવાય પણ કંઈ કેટલી સેવા આપવામાં આવી રહી છે. એના વિશે વાત કરીએ તો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મોરબી જિલ્લા સંગઠન કમિટી દ્વારા મોરબીમાં 600 બેડની સુવિધાસાથે બે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. મોરબી પટેલ કન્યા કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી 300થી વધુ બેડ કોવિડ કેર સેન્ટર કાર્યરત છે. સાથે સાથે મોરબી નજીક આવેલાં જોધપર ગામમાં આવેલી પાટીદાર સમાજની બોયઝ હોસ્ટેલમાં વધરાના 300 બેડનું કોવિડ કેર સેન્ટર 04/04/21થી કાર્યરત છે. આ બંને કોવિડ સેન્ટરમાં સૌરાષ્ટ્રના અનેક દર્દીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version