ગુજરાત સરકારે ફરી એક વખત શરૂ કરી આંકડા છુપાવવાની રમત, કોરોનાની જેમ દૈનિક બુલેટિન જાહેર કરે તો વિસ્ફોટની ખબર પડે

ગુજરાત સરકારને એકની એક વાત પુનરાવર્તન કરવાની જાણે ટેવ પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે, કોરોનામાં સામાન્ય જનતા પણ ચર્ચા કરતી હતી કે સરકાર સાચા આકડા નથી આપતી. ત્યારે હવે મ્યુકોરમાઈકોસિસના મહારોગમાં પણ ફરી એકવાર રાજ્ય સરકારે આ ભૂલ કરી હોય એવું જાણવા મળી રહ્યું છે. કારણ કે હાલમાં એક મોટો સવાલ એ છે કે ગુજરાત સરકાર જે રીતે રોજ સાંજે કોરોનાનું બુલેટિન બહાર પાડે છે તે રીતે મ્યુકોરમાઈકોસિસનું કેમ ડેઈલી બુલેટિન બહાર નથી પાડતી? કારણ કે હવે કોરોનામાંથી સાજા થયેલાને ચપેટમાં લેતા મ્યુકોરમાઈકોસિસના મહારોગ સમગ્ર રાજ્યમાં ભરડો લઈ ગયો છે અને લોકોના મોત પણ થઈ રહ્યાં છે. ડાયાબિટીસ હોય અને કોરોના ઈન્ફેક્શન લાગે તેવા દર્દીઓને મોટાભાગે શિકાર બનાવતા આ ફંગલ ઈન્ફેક્શનને ગુજરાત સરકારે મહામારી પણ ઘોષિત કરી છે.

image source

જો કે હવે સવાલ એ છે કે શું ખાલી મહામારી ઘોષિત કરી દેવાથી શું થવાનું છે. આટલું કરીને સરકાર જાણે પોતાની ફરજ પૂરી કરી દીધી હોય એ રીતે ભૂલનું પુનરાવર્તન કરી રહી છે. અગાઉ કોરોના વખતે પણ જે રીતે આંકડાઓ છુપાવવાની રમત ચાલી રહી તે રીતે જ મ્યુકોરમાઈકોસિસમાં પણ આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. જો ખાસ વાત કરીએ અમદાવાદની તો શહેરના લોકો હજુ કોરોનાની મહામારીની વ્યથામાથી બહાર પણ નીકળ્યા નથી ત્યાં જ મ્યુકોરમાઇકોસિસ નામની બીજી મહામારી ઘુસી આવી છે. અમદાવાદ સિવિલમાં અત્યારે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માટે ઉભા કરાયેલા તમામ આઠ વોર્ડ લગભગ ફૂલ થવાના આરે છે. જેથી હવે તાત્કાલિક નવાં વોર્ડ ઉભા કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

image source

જો આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની યાદી અનુસાર ગુજરાતમાં અત્યારે 2281 કેસ છે પરંતુ રાજ્ય સરકારની સત્તાવાર યાદીની અનુપસ્થિતિમાં નિષ્ણાત તબીબોના મતે આ આંક 3000 અથવા તેથી પણ વધુ હોય તો પણ નવાઈ ન પામી શકાય, હવે તમે વિચારો કે આ આંકડામાં કેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. વાત તો ત્યાં સુધી કરવામાં આવી રહી છે કે એકલા અમદાવાદમાં જ 1000થી વધુ કેસ હોવાનું ખુદ રાજ્યના એક આરોગ્ય ઉચ્ચાધિકારી જ નામ ન આપવાની શરતે કબૂલી ચૂક્યા છે. અસારવા સિવિલની જ વાત કરીએ તો અમદાવાદ સિવિલ સુપરિટેન્ડન્ટ જે પી મોદીએ જણાવ્યું હતું કે, અત્યારે સિવિલ હોસ્પિટલ બિલ્ડીંગમાં 371 દર્દી દાખલ છે જ્યારે અત્યારસુધીમાં 717 દર્દી અહીં સારવાર લઈ ચૂક્યા છે. સિવિલ સંકુલની જ કોવિડ 1200 બેડ હોસ્પિટલમાં 50 અને ડેન્ટલ વિભાગમાં 70 એવા દર્દીઓ દાખલ છે જેમને ફંગલ ઈન્ફેક્શન છે.

image source

એ જ રીતે રાજકોટના સિવિલ સર્જન આર એસ ત્રિવેદીએ પણ જણાવ્યું હતું કે, મ્યુકરમાયકોસિસને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 500 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. હાલના દિવસે પણ અહીં દરરોજ 30થી વધુ દર્દીઓ દાખલ થાય છે અને હાલ 492 દર્દી દાખલ છે. આ ઉપરાંત મ્યુકોરમાઈકોસિસના 19 દર્દીને સમરસમાં ખસેડાયા છે અને હજુ પણ 50 દર્દીને લઇ જવાશે એવી વાત સામે આવી રહી છે. આર એસ ત્રિવેદીએ આગળ વાત કરી કે રાજકોટ સિવિલમાં કુલ પાંચ ઓપરેશન થિએટર હાલમાં શરૂ છે અને હવે સમરસ હોસ્ટેલમાં કોરોનાને બદલે મ્યુકોરમાઈકોસિસના દર્દીને દાખલ કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ સિવિલમાં અત્યારસુધીમાં મ્યુકોરમાઈકોસિસના 650થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યાનો એક અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે તો વળી આ તરફ ખાનગીમાં બીજા 200 મળીને અત્યારસુધીમાં 850 કેસ સામે આવ્યા છે.

image source

જો કે, ચેપી રોગના નિષ્ણાત એવા એક ખાનગી સર્જને તો ત્યાં સુધી કહ્યું હતું કે, રાજકોટમાં અત્યારસુધીમાં મ્યુકોરમાઈકોસિસના 1000થી વધુ કેસ પણ હોઈ શકે છે. આ ઉપરાંત વડોદરા અને રાજકોટમાં પણ તેનો ખાસ્સો ઉપદ્રવ જોવા મળ્યો હતો. હવે સરકારની આ કમિટી સારવારના પ્રોટોકોલ તૈયાર કરી રહી છે. કેટલાંક દર્દીઓને તાત્કાલિક સર્જરીની જરૂર છે. આ માટે સિવિલમાં ઓપરેશન થિયેટર રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રખાયા છે. સિવિલમાં ઉભા કરવામાં આવેલા તમામ આઠેય વોર્ડ અત્યારે ફૂલ થવાના આરે છે. આ કારણે હવે મ્યુકોરમાઈકોસિસના નવા વોર્ડ ઉભા કરવા પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે વિચારો કે કેવી હાલત હશે અને આપણી સરકાર આવી ભૂલો કરવામાં વ્યસ્ત જોવા મળી રહી છે.

image source

આ સાથે જ વાત કરીએ વડોદરાની તો ત્યાં ખાનગી હોસ્પિટલ સહિત મ્યુકોરમાઈકોસિસનાના 325 કેસો અત્યાર સુધી આવ્યા હોવાનું જણાવી સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને ઇએનટી વિભાગના વડા ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં દાખલ મ્યુકોરમાયકોસિસના દર્દીઓની સંખ્યા 168 ઉપર પહોંચી છે. જ્યારે ગોત્રી જનરલ હોસ્પિટલના નોડેલ ઓફિસર ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતુ કે, આ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસના કુલ દર્દીઓની સંખ્યા 57 ઉપર પહોંચી છે. એવી જ કઈક હાલત સુરતની છે કે સુરતમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાગીની વર્માએ જણાવ્યું કે હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 4 વોર્ડ અલાયદા તૈયાર કરાયા છે. અહીં આંખ, કાન, નાક તથા ગળાના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ખડેપગે છે. અત્યારે 104 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમને તમામ પ્રકારની સારવાર નિષ્ણાત ડોકટરો દ્વારા આપવામાં આવી રહી છે. સુરતમાં મ્યુકોરમાઇકોસિસના અત્યારસુધીમાં 700 કરતાં વધારે કેસ નોંધાયા છે જેમાં 17નાં મોત સત્તાવાર રીતે નોંધાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!