નીતિન પટેલનો ‘આસ્થાવાદ’ બન્યો ચર્ચાનું કેન્દ્ર, ત્રીજી લહેર ન આવે તે માટે બાધા રાખીને કહ્યું-વૈજ્ઞાનિકો ખોટા પડે

હાલમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે અને લોકોમાં પણ રાહતો શ્વાસ અનુભવાય રહ્યો છે. ત્યારે હવે નિયમો પણ હળવા કરાયા છે અને ગુજરાતમાં છુટછાટ મળી રહી છે. જો કે આ બધાની વચ્ચે કોરોનાની ત્રીજી લહેર સામે વૈજ્ઞાનિક અભિગમથી ટકી રહેવા આગોતરા આયોજન કરનારી સરકારનો ‘આસ્થાવાદ’ સામે આવ્યો છે. તમે કદાચ પહેલી દ્રષ્ટિએ નહીં સમજ્યા હોય પણ બન્યું છે એવું કે માણસામાં ઑક્સિજન પ્લાન્ટના લોકાર્પણ ટાણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ત્રીજી લહેર ન આવે, તે માટે પોતે બાધા રાખશે એવું કહ્યું હતું. એટલે થયું એવું કે વૈજ્ઞાનિકો કહે છે કે ત્રીજી લહેર આવશે પણ આપણે DyCMનો આસ્થાવાદ એ બાબતે ના પાડે છે.

image source

આપણે સૌ જાણીએ છીએ કે બીજી લહેરમાં અનેક લોકોને ઓક્સિજન બેડ માટે વલખાં મારવાં પડ્યાં હતાં, હવે ફરીથી એવા દિવસો ન આવે એના માટે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ કરાઈ છે. જેના અનુસંધાનમાં માણસાની જનરલ હોસ્પિટલમાં દાતાઓના સહયોગથી પ્રતિ કલાક વીસ હજાર લિટર ઓક્સિજન આપતા પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. ત્યારે માણસામાં માતા વૈષ્ણોદેવી તીર્થધામ અમદાવાદના આર્થિક સહયોગથી અને સ્થાનિક દાતાઓની મદદથી ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરાયો છે.

image source

જો આ પ્લાન્ટ વિશે વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરવામાં આવે તો 35 લાખના ખર્ચે પ્રતિ કલાક 20 હજાર લિટર ઓક્સિજન વહન કરી શકે તેવા પ્લાન્ટનું નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ત્યારે સંબોધન આપતા કહ્યું કે, ‘ઓક્સિજનની શું જરૂરિયાત પડે તે બીજી લહેર પહેલાં અમે સમજી શક્યા ન હતા છતાં અમે તમામ દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવાનો પ્રયાસ કર્યો હતો. હવેથી ત્રીજી લહેર પહેલાં અમે તમામ તૈયારીઓ પુરી કરી દીધી છે.

image source

આટલી વાત પછી નીતિન પટેલે કહ્યું કે, હું બાધા રાખું છું કે વૈજ્ઞાનિકો ખોટા પડે અને કોરોનાની ત્રીજી લહેર ન આવે. જો આવું થશે તો હું સૌથી વધારે ખુશ થઈશ.’ પ્લાન્ટ શરૂ થતાં હવે આ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓને ઓક્સિજન સાથેના બેડની સગવડ મળી રહેશે. ઓક્સિજન પ્લાન્ટની સાથે સાથે ડાયાલિસિસ સેન્ટરનું અને જનરેટર સેટનું પણ લોકાર્પણ કરાયું હતું. ત્યારે આ રીતે નીતિન પટેલે રાખેલી બાધા હવે લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.

image source

ઉલ્લેખનીય છે કે ભારતમાં ઘટતા કોરોનાના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલયે એકવાર ફરી કોવિશીલ્ડના પહેલા અને બીજા ડોઝની વચ્ચેનું અંતર ઓછું કરી દીધું છે. બીજા ડોઝની ગેપ 2 વાર વધારી દેવામાં આવી, પરંતુ આ વખતે આ ગેપ ઘટાડવામાં આવી છે. આ ફક્ત એમના માટે છે જેઓ વિદેશ યાત્રા કરી રહ્યા છે. નવી ગાઈડલાઈન બાદ હવે કેટલીક શ્રેણી માટે 84 દિવસની રાહ જોવાની જરૂરિયાત નથી. હવે 28 દિવસ બાદ પણ કોવિશીલ્ડનો બીજો ડોઝ લગાવવામાં આવી શકે છે. જો કે કોવેક્સિન માટે બે ડોઝની વચ્ચેનું અંતર અત્યારે પણ 28 દિવસ જ છે. તેમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો.