હાય રે કરૂણતા, સ્મશાનના મેનેજર કહે છે-હે ઇશ્વર બચાવી લે, પહેલા રોજ 5 થી 6 મૃતદેહ આવતા, હવે 30-35 આવે છે

હાલમાં ભારત માથે ઘાત હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આપણે સૌ માંડ માંડ કોરોનામાંથી ઉગરી રહ્યા હતા ત્યાં તો કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શનિવારે દેશમાં 1 લાખ 52 હજાર 565 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. મહામારી શરૂ થયા પછી એક દિવસમાં પહેલીવાર આટલા વધુ સંક્રમિત લોકો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 90,328 લોકો સાજા થયા અને 838 લોકો મૃત્યુ પામ્યા. તો આ સાથે જ ગુજરાતમાં પણ હાલત બદથી બદતર છે અને લોકો ટપટપ મરી રહ્યા છે. તો આજે એક સ્મશાનના માણસની વ્યથા વિશે વાત કરવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા મુક્તિધામ- 80 ફૂટમાં મૃતકોને અગ્નિદાહ આપતા નિર્મળભાઇ ભગવાનજીભાઇ ભંડેરી વિશે આજે વાત કરવી છે.

image source

સમગ્ર માહોલ વિશે વાત કરતાં નિર્મળભાઈ કહે છે કે, આ સ્મશાન છે, અહીં ખાલીપો જ હોય છે, હા માત્ર રોકકળના અવાજો આવતા હોય છે, પણ હવે તો અહીં મારા સિવાય કોઇ રડનાર પણ નથી. આ કોરોનાએ જાણે બધું જ છીનવી લીધું હોય એવું લાગી રહ્યું છે, હવે તો આ ભાર સ્મશાન પણ ઉપાડી શકતું નથી એવા માહોલ થઈ ગયો છે. આવા દિવસો જોવા પડશે એ કલ્પના સપનામાં પણ નહોતી કરી, હું હાલમાં રોજ રડું છું, એક એક મૃતદેહને અગ્નિદાહ આપતી વખતે હું મને મારી રહ્યો હોય એવો આભાસ થઈ રહ્યો છે. પણ વિચાર આવે છે કે આ બધું ક્યાં જઇને અટકશે? હે ઇશ્વર બચાવી લે, પહેલા રોજ 5 થી 6 મૃતદેહ આવતા, હવે 30-35 મૃતદેહને આ હાથે જ અગ્નિદાહ આપવા પડે છે.

દરરોજ 30થી વધુ ચિતાને અગ્નિદાહ આપે છે - Divya Bhaskar
image source

આ સાથે જ આગળ વાત કરતાં તેઓ કહે છે કે 24 કલાકે એક વખત જમું છું, અને માંડ 3 કલાકની ઉંઘ કરી શકું છું, મારી આ તકલીફ કરતા પણ જ્યારે મૃતદેહ પાસે જાઉ છું ને ત્યારે જે હૃદય હચમચી જાય છે તે તકલીફ મને ઊંઘવા પણ દેતી નથી. આ સાથે જ વાત કરી કે જય સરદાર યુવા ગ્રૂપ સંચાલિત બાપુનગર મુક્તિધામમાં છેલ્લા છ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવું છું, સ્મશાનમાં મૃતદેહો જ આવે અને રોકકળ જ હોય, અહીંનું વાતાવરણ વૈરાગ્યવાળું જ હોય, આ બધી સ્થિતિ સ્વીકૃત હતી અને મારા જીવનમાં વણાઇ ગઇ હતી. પરંતુ હાલમાં માહોલ બદલાયો છે.

image source

તેઓ સ્મશાનના માહોલ વિશે વાત કરે છે કે, લોકો પોતાના સ્વજનની અંતિમવિધિ કરતા ત્યારે રડતા, અને હું તથા મારો સાથી સ્ટાફ આને પ્રક્રિયા સમજતા હતા, એ વખતે એવો પણ વિચાર આવતો કે, રોજની આ કામગીરીને કારણે અંદરનો માનવી અને લાગણી મરી પરવારી તો નથી ને?, પરંતુ આ કોરોનાએ મને ઝંઝોડી દીધો છે. છેલ્લા છ-સાત દિવસથી એક પણ ખાટલો ખાલી રહ્યો હોય એવું મને યાદ નથી, 24 કલાક અહીં અગ્નિદાહનો પ્રકાશ અમારા સ્મશાનમાં ફેલાયો રહે છે, આ સળગતી ચિતાની અગ્નિ જેટલો જ અંતરાત્મા પણ સળગી રહ્યો છે, શું થશે?, કેટલા દિવસ આ ચાલશે?, એક સાથે ચાર ખાટલા અને એક વિદ્યુત મળી પાંચ પાંચ મૃતદેહની અંતિમવિધિ કરું છું. આ બધાએ મારી અંદર વલોપાત ઉભો કરી દીધો છે.

image source

દુખની વાત કરતાં તેઓ કહે છે કે રોજિંદી પ્રક્રિયાથી મરી પરવારેલી આ મારી લાગણી 24 કલાક સળગતી ચિતાએ જાણે ફરીથી પ્રજ્વલિત કરી દીધી હોય એવો આભાસ થઈ રહ્યો છે. દિવસમાં ચાર-પાંચ વખત રડું છું, ક્યારેક તો મારો સ્ટાફ મારી પાસે આવી જાય છે અને મને સાંત્વના આપે છે અને સમજાવે છે. ત્યારે જઈને મારું મગજ શાંત થાય છે. નોકરીનો સમય કે ઘરે જવાનો સમય નિશ્ચિત નથી રહ્યો, રાત્રે 3 કે વહેલી સવારે 5 વાગ્યે જ્યારે પણ ઘરે જાઉં છું ત્યારે જમી લઉ છું, માત્ર 3 કલાકની નીંદર થાય છે, મને પડી રહેલી મુશ્કેલીની મને ચિંતા નથી પરંતુ લોકો જે રીતે મૃત્યુ પામી રહ્યા છે. એ જોઈને અંદરથી કંઈ જ સૂઝતુ નથી. ત્યારે હવે આખા વિશ્વને એક જ વિચાર આવે છે કે ક્યારે આ કોરોના લોકોને આબાદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!