જૂનાગઢ જિલ્લાના આ ગામમાં પોલીસને નથી કરવી પડતી કડકાઈ કારણ કે ગ્રામજનો છે સતર્ક
કોરોનાના કેસ રાજ્યમાં સતત વધી રહ્યા છે. લોકોથી લોકો સુધી કોરોનાનો ચેપ વધારે પ્રમાણમાં પ્રસરતો હોવાથી પોલીસને કડકાઈથી લોકડાઉન અને સામાજિક અંતરનું પાલન કરાવવું પડે છે. પરંતુ આ સ્થિતી શહેરોમાં જ જોવા મળે છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની અને પોતાના પરીવારની સુરક્ષા માટે સ્વયં સજાગ છે.

આ ઉદાહરણ જોવા મળ્યું છે જૂનાગઢ જિલ્લાના ચિત્રી ગામે. અહીં લોકો લોકડાઉનનું ચુસ્ત રીતે પાલન કરે છે. અહીં પોલીસને કોઈ કાર્યવાહી કરવી પડતી નથી કારણે કે તમામ કામ ગામલોકો જ કરી લે છે.
ગ્રામજનો દ્વારા ગામમાં 3 ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે. ગામમાં પ્રવેશ કરવા જે પણ આવે તેની અહીં સઘન પુછપરછ થાય છે. તકેદારીના ભાગરુપે આ ગામમાં સરપંચ દ્વારા જ વ્યક્તિ દીઠ 2 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે.
ખાસ વાત તો એ છે કે અહીં તંત્રએ માસ્ક ફરજિયાત પહેરવું એવી કોઈ જાહેરાત નથી કરી પણ તેમ છતાં ગામમાં માસ્ક ફરજિયાત રીતે પહેરવાનું કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ માસ્ક વિના નીકળે છે તેની પાસેથી 100 રૂપિયા વસુલવામાં આવે છે. આ ગામની કોરોના પ્રત્યેની ગંભીરતા અને સતર્કતા જોઈ શહેરીજનોએ પણ બોધ લેવાની જરૂર છે.