નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદના એક પરિવારમાં માતાજીના કંકુવાળા પગલાં પડ્યા

નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદના એક પરિવારમાં કંકુવાળા માતાજી ના પગલાં પડતા કુતુહલ સર્જાયુ હતું. અમદાવાદ ના નવાવાડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટી ના મકાનમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. ગુજરાતમાં નવરાત્રી નો પાવન પર્વ ગઈકાલે પૂર્ણ થઇ ગયો છે. આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે. તેમજ દશેરા ના દિવસે તો જલેબી ફાફડા ખાઈ ને તહેવારનો આનંદ બમણો કરી નાખ્યો છે.

ગઈકાલે અમદાવાદ ની એક સોસાયટીમાં એવું કુતૂહલ જોવા મળ્યું છે કે લોકો જોઈને દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. હકીકતમાં અમદાવાદ ના નવા વાડજ વિસ્તારમાં આરાસુરી સોસાયટી આવેલી છે. જેમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહ વસવાટ કરે છે. કામિનીબેન ના ઘરે મંદિર પાસે કંકુ વાળા માતાજી ના પગલા દેખાયા હતા. શરૂઆતમાં તેઓ ને લોહીના પગલાં છે તેવું લાગ્યું હતું જે જોતાં જ તેઓ ડરી ગયા હતા. પરંતુ ત્યારબાદ નજીક જઈને જોયું તો તે પગલાં કંકુના હતા.

છેલ્લા ત્રીસ વર્ષથી શ્રી આરાસુરી સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ શાહ અને તેમના ધર્મપત્ની કામિનીબેન શાહના ઘરે નવરાત્રિના અંતિમ દિવસે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. કામિનીબેન ના ઘરે તેમના મંદિર પાસે કુંકુવાળા નવ પગલાં દેખાતા આસપાસ ના લોકોના ટોળા દર્શન માટે ઉમટી પડ્યા હતા. નવરાત્રીના નવમા દિવસની રાત્રે ગરબો વળાવી કામિનીબેન સૂઈ ગયા અને સવારે જ્યારે ચિરાગભાઈ ઉઠ્યા ત્યારે ઘરના મંદિર પાસે કંકુવાળા પગલાં જોવા મળતા આશ્ચર્યચકિત થઈ ઉઠ્યા હતા.

કંકુવાળા પગલાં જોતા જ ચિરાગભાઈએ તેમના પત્નીને બોલાવી કંકુ ઢોળાયા અંગે પૂછ્યું ત્યારે એમણે ના પાડી હતી. ત્યારે પાડોશમાં રહેતા બેનને બોલાવતા માતાજી બાળ પગલાં હોવાનું કહ્યુ હતું. ચિરાગભાઈએ તરત જ ડભોળાના મહારાજને વીડિયો કોલ કરીને કંકુવાળા નવ બાળ પગલાં તેમના મંદિર પાસે જોવા મળી રહ્યા હોવાની જાણ કરી હતી. ત્યારે મહારાજે તમને કહ્યું કે માતાજીની આપને ત્યાં પધરામણી થઈ છે, એક દિવસ સુધી આસપાસના લોકોને દર્શન કરવા દો.

કામિનીબેન ના ઘરે ડભોળાના મહારાજ દ્વારા મંદિરમાં જુદા જુદા દેવી – દેવતા ની પ્રતિમાની સ્થાપના કરાય છે. કામિનીબેને આ ચમત્કાર વિશે કહ્યું કે, છેલ્લા દસ વર્ષથી અપાર શ્રદ્ધા સાથે માતાજી ની પૂજા – અર્ચના કરું છું. આ વખતે જ્યારે અંતિમ દિવસ હતો ત્યારે માતાજી ને પ્રાર્થના કરી હતી કે સ્વપ્નમાં અમને દર્શન આપો, અને માતાજીના કંકુવાળા પગલાં જોવા મળ્યા, જેથી પોતે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે.

ચિરાગભાઈ એડવોકેટ છે. તેમણે ઝી ચોવીસ કલાક સાથે વાત કરતા કહ્યું કે ડભોળાવાળા મહારાજે એક દિવસ કંકુવાળા માતાજી ના બાળ પગલાં લોકોને દર્શન માટે રાખવા કહ્યું હતું, અને શનિવારે સવારે સાડા સાત થી સાડા નવ વચ્ચેના મુહૂર્તમાં કંકુ ડબ્બીમાં રાખી સફાઈ કરવા માટે કહ્યું હતું. ચિરાગભાઈ એ પોતે કંકુવાળા માતાજીના બાળ પગલાંના તેમના ઘરના મંદિર પાસે પડ્યા હોવા અંગેના વીડિયો શેર કર્યા હતા.