સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઇંદીરા ગાંધીએ જાહેર કરેલી કટોકટીને સૌથી કાળા સમય માટે ઓળખવામાં આવે છે, જાણો બીજું શું શું થયું હતું કટોકટી દરમિયાન

25 જૂન 1975માં કયા કારણસર ઇંદીરા ગાંધીએ લાદી હતી કટોકટી – જાણો 1975ની કટોકટીની જાણી અજાણી વાતો, 21 મહિનામાં 11 લાખ લોકોને કરવામાં આવ્યા હતા જેલ ભેગા – જાણો બીજું શું શું થયું હતું કટોકટી દરમિયાન, ભારતના ઇતિહાસમાં 25 જૂનનો દિવસ એક વિવાદાસ્પદ નિર્ણયને કારણે યાદ રાખવામાં આવ્યો છે. આ જ તે દિવસ હતો જ્યારે દેશમાં ઇમર્જન્સી એટલે કે કટોકટી લાદવાની જાહેરાત કરી હતી. અને તે વખતના વડાપ્રધાન ઇંદીરા ગાંધીએ વગર કારણોસર પ્રજાને મુશ્કેલીમાં ધકેલી દીધી હતી.

25 જૂન 1975ના દિવસે કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી અને 26 જૂન 1975થી 21 – માર્ચ 1977 એટલે કે સતત 21 મહિના સુધી આ કટોકટી ચાલુ રહી હતી. ઇમર્જન્સીના નિર્ણયને લઈને ઇંદિરા ગાંધી દ્વારા કેટલીએ દલીલો કરવામાં આવી હતી. દેશને ગંભીર જોખમ બતાવવામાં આવી રહ્યું હતું પણ પરદા પાછળની હકીકતો કંઈક ઓર જ હતી.

image source

કહેવામાં આવે છે કે ઇમર્જન્સીનો પાયો 12 જૂન 1975ના રોજ નાખવામાં આવ્યો હતો. 1971માં ઇંદિરા ગાંધી રાયબરેલીથી સાંસદ તરીકે ચુંટાયા હતા. ઇંદિરા ગાંધી વિરુદ્ધ સંયુક્સ સોશલિસ્ટ પાર્ટીના ઉમેદવાર રાજનારાયણે ઇલાહાબાદ હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. રાજનારાયણે પોતાની અરજીમાં ઇંદિરા ગાંધી પર કુલ છ આરોપ મૂક્યા હતા. પહેલો આરોપ હતો – ઇંદિરા ગાંધીએ ચુંટણીમાં ભારત સરકારના અધિકારીઓ અને પોતાના અંગત સચિવ યશપાલ કપૂરને પોતાના ઇલેક્શન એજન્ટ બનાવ્યા અને યશપાલ કપૂરનું રેઝિગ્નેશન રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું હતું. બીજો આરોપ હતો – રાયબરેલીની ચુંટણી લડવા માટે ઇંદિરા ગાંધીએ જ સ્વામી અદ્વૈતાનંદને રિશ્વત રૂપે 50,000 રૂપિયા આપ્યા હતા જેથી કરીને રાજનારાયણના વોટ કપાય.

ત્રીજો આરોપ એ મુકવામાં આવ્યો હતો – ઇંદિરા ગાંધીએ ચુંટણી પ્રચાર માટે વાયુસેનાના વિમાનોનો દુરુઉપયોગ કર્યો. ચોથો આરોપ હતો – ઇલાહાબાદના ડીએમ અને એસપીની મદદ ચુંટણી જીતવા માટે લેવામાં આવી હતી. પાંચમો આરોપ હતો – કે મતદાતાઓને લલચાવવા માટે ઇંદિરા ગાંધી તરફથી મતદાતાઓને દારૂ તેમજ ધાબળા વહેંચવામાં આવ્યા હતા. અને છઠ્ઠો આરોપ એ હતો કે ઇંદિરા ગાંધીએ ચુંટણીમાં નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ખર્ચો કર્યો હતો.

image source

12 જૂન 1975ના રોજ રાજનારાયણની આ અરજી પર ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહન લાલ સિન્હાએ નિર્ણય સંભળાવ્યો હતો. ઇંદિરા ગાંધીને ચુંટણીમાં સરકારી મશીનરીના દુરુપયોગના દોષી માનવામાં આવ્યા હતા. જો કે, અન્ય આરોપ કાઢી નાખવામાં આવ્યા હતા. જસ્ટિસ સિન્હાએ ઇંદિરા ગાંધીના નિર્વાચનને રદ કરી દીધું અને છ વર્ષ સુધી તેમના ચુંટણી લડવા પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો. આ મામલામાં રાજનારાયણના વકિલ હતા શાંતિ ભૂષણ જે પછીથી દેશના કાયદા મંત્રી પણ બન્યા હતા.

હાઇકોર્ટના નિર્ણય બાદ ઇંદિરા ગાંધીએ પ્રધાનમંત્રી પદ છોડી દીધું. માટે આ લટકતી તલવારથી બચવા માટે પ્રધાનમંત્રીના અધિકૃત આવાસ 1 સફદરજંગ રોડ પર તાત્કાલીક બેઠક બોલાવવામાં આવી. આ દરમિયાન, કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ ડીકે બરુઆએ ઇંદિરા ગાંધીને સલાહ આપી કે અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બની જાય અને પ્રધાનમંત્રીની ખુરશી તે પોતે સંભાળી લેશે. પણ બરુઆની આ સલાહ ઇંદિરા ગાંધીના દીકરા સંજય ગાંધીને પસંદ નહોતી આવી. સંજયની સલાહ પર ઇંદિરા ગાંધીએ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્ધ 23 જૂને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.

સુપ્રીમ કોર્ટના અવકાશ પીઠ જજ જસ્ટિસ બીઆર કૃષ્ણ ઐયરે બીજા દિવસે એટલે કે 24મી જૂન 1975ના દિવસે અરજીની સુનાવણી કરતા કહ્યું કે તેઓ આ નિર્ણય પર સંપૂર્ણ પણે સ્ટે નહીં મુકી શકે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમને પ્રધાનમંત્રી બનેલા રહેવાની મંજુરી આપી દીધી, પણ સાથે સાથે એ પણ કહ્યું કે અઁતિમ નિર્ણય આવવા સુધી સાંસદ તરીકે તેણી મતદાન નહીં કરી શકે. વિપક્ષના નેતા સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ નિર્ણય આવવા સુધી નૈતિક રીતે ઇંદિરા ગાંધીના રાજીનામાની હઠ લઈને બેઠા હતા.

image source

એક બાજુ ઇંદિરા ગાંધી કોર્ટમાં કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા, બીજી તરફ વિપક્ષ તેમને ઘેરી વળી હતી. ગુજરાત અને બિહારમાં વિદ્યાર્થીઓના આંદોલન બાદ વિપક્ષ કોંગ્રેસ વિરુદ્ધ એક થઈ ગયો હતો. લોકનાયક કહેવાતા જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં વિપક્ષ એકધારો કોંગ્રેસ સરકાર પર હૂમલો કરી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયના આગલા દિવસે, 25 જૂન 1975ના રોજ દિલ્લીના રામલીલા મેદાનમાં જયપ્રકાશ નારાયણ (જેપી)એ એક રેલી આયોજિત કરી.

અટલ બિહારી બાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, આચાર્ય જેબી કૃપલાની, મોરારજી દેસાઈ અને ચંદ્રશેકર જેવા દિગ્ગજ નેતાઓ એક સાથે એક જ મંચ પર હાજર હતા. જય પ્રકાશ નારાયણે પોતાના ભાષણની શરૂઆત મધારી સિંહ દિનની જાણીતી કવિતાની એક પંક્તિથી કરી – ‘સિંહાસન ખાલી કરો કે પ્રજા આવે છે.’ જયપ્રકાશ નારાયણે રેલીને સંબોધિત કરતા લોકોને ઇંદિરા ગાંધી સરકારને ઉખાડી ફેંકવાની અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પહેલેથી જ નાજુક સ્થિતિમાં આવી ચુકેલા ઇંદિરા ગાંધીની હાલત વિપક્ષના તેવરને જોઈને ઓર ખરાબ થઈ ગઈ હતી.

જેપીની આ રેલીમાં કેસી ત્યાગી પણ લોકદળના સભ્ય તરીકે મંચ પર હાજર હતા. તેમણે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યુ હતું કે તેમણે આને જનતા સાથેનો ઇંદિરા ગાંધીનો વિશ્વાસઘાત દર્શાવ્યો હતો. વિપક્ષના વધતા પ્રેશર વચ્ચે ઇંદિરા ગાંધીએ 25 જૂન 1975ની અરધી રાતે તે સમયના રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ પાસે ઇમર્જન્સીનો ઘોષણા પત્ર શાઈન કરાવી લીધો. ત્યાર બાદ તરત જ જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી બાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મોરારજી દેસાઈ સહિત બધા જ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી.

image source

26 જૂન 1975ની સવારે 6 વાગે કેબિનેટની એક બેઠક બોલાવવામાં આવી. આ બેઠક બાદ ઇંદિરા ગાંધીએ ઓલ ઇન્ડિયા રેડિયોની ઓફિસે પહોંચીને દેશને સંબોધિત કર્યો. તેમણે ઇમર્જન્સી પાછળ આંતરિક અશાંતીને કારણ તરીકે જણાવ્યું હતું. ઇંદિરા ગાંધીએ જનતાને જણાવ્યું કે સરકારે તેમના હિતમાં કેટલીક પ્રગતિશીલ યોજનાઓની શરૂઆત કરી હતી. પણ તેની વિરુદ્ધ ઉંડું ષડયંત્ર રચવામાં આવ્યું છે માટે ઇમર્જન્સી જેવું આકરું પગલું લેવું પડ્યું. તે સમયે એક સમાચાર પત્રમાં આ ઘટના પર એક કાર્ટૂન પણ પ્રકાશિત કરવામા આવ્યું હતું, જેની ખૂબ ચર્ચા થઈ હતી. કાર્ટૂનમાં ફખરુદ્દીન અલી અહમદને નાહતા નાહતા અધ્યાદેશ પર સઈ કરતા બતાવવામાં આવ્યા હતા.

21 મહિનામાં 11 લાખ લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા હતા

ત્યાર બાદ પ્રેસની સ્વતંત્રતા પણ છીનવી લેવામા આવી, કેટલાએ વરિષ્ઠ પત્રકારોને પણ જેલ ભેગા કરી દેવામાં આવ્યા. સમાચાર પત્રો તો પછીથી છપાવા લાગ્યા, પણ તેમાં શું છાપવામાં આવશે તે સરકારને જણાવવું પડતું હતું. ઇમરજન્સીના વિરોધ કરનારાઓને ઇંદિરા ગાંધી જેલમાં મોકલી દેતા હતા. 21 મહિનામાં 11 લાખ લોકોની ધરપકડ કરીને તેમને જેલ મોકલી દેવામાં આવ્યા હતા. 21મી માર્ચ 1977માં ઇમતરજન્સી પૂરી થઈ હોવાની જાહેરાત કરવામા આવી.

image source

ઇંદિરા ગાંધી અને કોંગ્રેસ કટોકટીને સંવિધાન પ્રમાણે લેવામાં આવેલો નિર્ણય ગણાવતા હતા, પણ વાસ્તવમાં તેમના દ્વારા 1975માં બંધારણ દ્વારા આપવામાં આવેલા આ અધિકારનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હતો. બંધારણના અનુચ્છેદ 352માં રાષ્ટ્રીય કટોકટી લગાવવા પાછળ 2 તર્ક હોઈ શકે છે. પ્રથમ તર્ક – જો યુદ્ધ જેવિ સ્થિતિ ઉભી થાય, જેનાથી તમે બાહ્ય આક્રમણ કરી શકો છો. બીજો તર્ક જો દેશમાં શાંતિનો ભંગ થવાની સ્થિતિ ઉદ્ભવે. આ બન્ને તર્કના આધારે જ ભારતમાં રાષ્ટ્રિય કટોકટી લગાવી શકાય છે. 1975માં જ્યારે ભારતમાં કટોકટી લાદવામાં આવી ત્યારે દેશમાં શાંતિ ભંગ થયાની દલીલ કરવામા આવી હતી.

દેશના બંધારણમાં ત્રણ પ્રકારની કટોકટીનો ઉલ્લેખ છે. પહેલો રાષ્ટ્રીય કટોકટી, બીજું છે રાષ્ટ્રપતિ શાસન અને ત્રીજું છે આર્થિક કટોકટી. અને આ ત્રણે કટોકટી રાષ્ટ્રપતિની મંજૂરી વગર ન લગાવી શકાય. રાષ્ટ્રપતિ પણ આ મંજૂરી સસંદમાંથી આવેલા લેખિત પ્રસ્તાવ પર જ આપી શકે છે. કટોકટી લાગુ પાડ્યા બાદ સંસદના દરેક સદનમાં તેને રજૂ કરવામાં આવે છે, જો ત્યાં તેનો વિરોધ ન થાય તો તેને 6 મહિના માટે ઓર વધારી શકાય છે. 1975માં લાગેલી કટોકટી 21 મહિના સુધી ચાલી હતી, એટલે કે લગભગ 4 વાર કટોકટી આગળ વધારવાની મંજૂરી મળતી રહી હતી.

image source

હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે કટોકટી પૂરી કેવી રીતે થાય છે. જે રીતે કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કરે છે તેવી જ રીતે તેને લેખિત સ્વરૂપે તેને તેઓ જ પૂરી કરે છે. જો કે ન્યાયપાલિકા એટલે કે કોર્ટ દ્વારા કટોકટીની ન્યાયીક સમીક્ષા કરી શકાય છે, પણ કટોકટી લગાવ્યા બાદ ઇંદિરા ગાંધીએ ભારતીય બંધારણમાં 22 જુલાઈ 1975ના રોજ 38મું સંશોધન કરી ન્યાયિક સમીક્ષાનો અધિકાર કોર્ટ પાસેથી છીનવી લીધો. તેના 2 મહીના બાદ સંવિધાનમાં 39મું સંશોધન કરવામાં આવ્યું. તે પ્રમાણે કોર્ટ પ્રધાનમંત્રી પદ પર નિયુક્ત વ્યક્તિની પસંદગીની તપાસ નથી કરી શકતી.

1975માં ઇંદિરા ગાંધીએ 26 જૂનની સવારે જ્યારે કટોકટીની જાહેરાત કરી ત્યારે તેમણે આંતરિક અશાંતીને તેનું કારણ દર્શાવ્યું હતું. જો કે 1977માં મોરારજી દેસાઈની સરકારે ફરી બંધારણમાં સંશોધન કરીને આંતરિક અશાંતીની સાથે સશસ્ત્ર વિદ્રોહ શબ્દ પણ જોડ્યો. જેથી કરીને ફરી ભવિષ્યમાં કોઈ સરકાર તેનો દુરુપયોગ ન કરે.

image source

કટોકટી બાદ જનતા પાર્ટીની સરકાર બની

લગભગ 21 મહિના કટોકટી લાગૂ પાડ્યા બાદ ઇંદિરા ગાંધીએ 1977માં ચૂંટણીની જાહેરાત કરી. પણ તેમના માટે તે ઘાતક સાબિત થયું અને તેઓ પોતના જ ગઢ એવા રાયબરેલીમાં ચૂંટણી હારી ગયા. જનતા પાર્ટીની સરકાર બની અને મોરારજી દેસાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા. આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 153 સીટ મળી. જ્યારે આ પહેલાં કોંગ્રેસ 350 સીટો જીત્યું હતું.

કટોકટી દરમિયાન આટલી હદે બદલાઈ ગઈ હતી સ્થિતિ

image source

કટોકટીમાં પ્રજાના મૌલિક અધિકાર સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. મિડિયા પર પણ અંકુશ લગાવી દેવામાં આવ્યો હતો. વિરોધી દળોના મોટા ભાગના નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. મીસા કાયદાનો લાભ ઉઠાવીને સરકારે તેમ કર્યું હતું. તેમાં ધરપકડ પામેલ વ્યક્તિને રજૂઆત અને જામીનના અધિકાર નહોતા. આ ઉપરાંત પરિવાર નિયોજનના નામે લોકોની બળજબરી પૂર્વક નસબંદી જેવા અત્યાચાર પણ કરવામા આવ્યા હતા.

Source: Zeenews, News18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત