Site icon News Gujarat

જો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું કર્યું હોય પ્લાનિંગ તો ચેતી જજો

ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત મોટી સંખ્યામાં લોકો લેવા લાગ્યા છે. તહેવારોની રજા, શનિવાર, રવિવાર માં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં ફરવા લોકો આવે છે. તેમાં પણ આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર અને રજાઓ આવતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે અનેક લોકો બુકિંગ કરી ચૂક્યા હશે. જો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું પ્લાનિંગ કર્યું હોય તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પાંચ દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે તો આ પાંચ દિવસ દરમિયાન જ તમે ત્યાં પહોંચશો તો તમને ધરમનો ધક્કો થશે.

image soucre

જણાવી દઈએ કે આગામી 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી માટે વડાપ્રધાન મોદી ગુજરાત અને ખાસ કરીને કેવડીયા ની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં હાજર રહેવાના હોવાથી ત્રણ દિવસ માટે પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. પ્રવાસન સ્થળ અંગે કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી કેવડિયામાં તમામ પ્રવાસન સ્થળ બંધ રહેશે. આ અંગેની સત્તાવાર નોટિસ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ફરવાના સ્થળોએ લગાડી દેવામાં આવી છે. આ ઉપરાંત પ્રોટોકોલ અનુસાર ટિકિટ ઓનલાઇન બુકિંગ પણ આ દિવસો માટે બંધ કરી દેવાયું છે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

image socure

મહત્વનું છે કે દિલ્હીથી વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે કેવડીયા પહોંચશે. તેઓ 30 ઓક્ટોબરના રોજ નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને રાત્રિ રોકાણ પણ કેવડિયા ખાતે જ કરશે. ત્યારબાદ 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપશે. જણાવી દઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવનાર છે. આ વખત ની ઉજવણી ની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ રાખવામાં આવી છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.

image soucre

જોકે આ પહેલી વખત નથી કે જ્યારે વડાપ્રધાન મોદીના આગમન સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળ લોકો માટે બંધ કરી દેવાયા હોય. આ પહેલા પણ પ્રોટોકોલ અનુસાર જ્યારે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે પણ પ્રવાસીઓ માટે અહીં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. આ વખતે પણ વડાપ્રધાન 30 તારીખે કેવડીયા પહોંચવાના છે ત્યારે 28 તારીખ થી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર જાહેરાત વેબસાઈટ પર પણ કરી દેવામાં આવી છે.

image soucre

ઉલ્લેખનીય છે કે ન્યુયોર્કમાં આવેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊંચું હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવતા હોય છે . કોરોના કાળ પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા આવનાર પ્રવાસીઓ ની દૈનિક સંખ્યા 15 હજારથી વધુ હતી જેની સામે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોવા રોજ દસ હજાર જેટલા પ્રવાસીઓ આવે છે.

Exit mobile version