પંચાત – કોણ જાણે કોણ છે તેનો પતિ બહારગામ જાય ત્યારે જ આવે છે અને પતિ પાછો આવે તે પહેલા ચાલ્યો જાય છે…

“બીજાની માન્યતા પર તું ન તારૂં મુલ્ય આંકી લે,

કે ખુદની જાત ઓળખવા કોઇ દર્પણ નથી જોતું…”

આખી સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી એક જ વાતની ચર્ચા હતી. સોસાયટીની બે સ્ત્રીઓ કે બે પુરુષો સામે મળે એટલે એકબીજાને એક જ સવાલ પૂછતાં કે, “કંઇ ખબર પડી.. ? કોણ છે ?” પણ કોઇને કંઇ ખબર ન હતી. બઘા ભેગા થઇને અંદાજ લગાવતા, પણ પાકકી માહિતી કોઇ પાસે ન હતી.

વાત એમ હતી કે વૃંદાવન સોસાયટીમાં એ, બી, સી, ડી એમ ચાર વિંગ હતી. દરેક વિંગમાં 12-12 ફલેટ હતા. છ મહિના પહેલા વિંગ બી માં ગ્રાઉન્ડ ફલોરના ફલેટમાં એક કુટુંબ રહેવા આવ્યું હતું. પતિ – પત્ની અને બે વર્ષનો દીકરો એમ ત્રણ સભ્યોનું જ કુટુંબ હતું. રહેવા આવ્યાના ત્રણ ચાર દિવસમાં તો સોસાયટીના મહાપંચાતીયા ચંપાકાકી જાણી લાવ્યા કે પતિ પત્નીનું નામ આનંદ અને કેયુરી છે. દીકરાનું નામ દર્શ છે આનંદ કોઇ કંપનીમાં નોકરી કરે છે. કેયુરી પણ ભણેલી છે. પહેલા નોકરી કરતી હતી, પણ દીકરાના જન્મ પછી તેણે નોકરી મૂકી દીધી.

આનંદ અને કેયુરી થોડા ફેશન પરસ્ત હતા, મોર્ડન હતા, સોસાયટીમાં બઘા સાથે બહુ ભળતા નહી. આનંદ તો સવારથી સાંજ સુઘી નોકરીમાં જતો. કેયુરી આખો દિવસ ઘરમાં એકલી હોય. સોસાયટીની પંચાતીયા ટીમે તેને બોલાવવાની કોશિશ કરી, પણ કેયુરી બહુ ભળતી નહી. સોસાયટીમાં બઘા સાંજે ચંપાકાકીના પ્રમુખ પદે ભેગા થઇને બેસતિ અને એકબીજાના ઘરની વાતો કરતાં કેયુરી આ બઘાથી દુર રહેતી. બસ એક-બે વાકયોની આપ-લે કરતી. તેને પંચાત કરવી કે બીજાની વાતો કરવી ગમતી નહી. એટલે તે સાંજે સોસાયટીમાં ચાલતી મહિલા પરીષદમાં જતી નહી. સોસાયટીની બઘી સ્ત્રીઓ તેને અભિમાની માનતી. તેની સામે સારૂં બોલતા અને પાછળથી તેની વાતો કરતાં.

હમણાં છેલ્લા દોઢ મહિનાથી આનંદને દર અઠવાડિયે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ બહારગામ જવાનું હતું. સોમવારે વહેલી સવારે તે જતો અને બુઘવારે સવારે પાછો આવતો. તે જાય ત્યારે કેયુરી તેને ગેઇટ સુઘી તેના દીકરા દર્શ સાથે મુકવા જાય. બુઘવારે તેના આવવાના સમયે તૈયાર થઇને ઊભી રહેતી, પણ પંચાતનો વિષય એ હતો કે આનંદ ઘરે ન હોય ત્યારે સોમવારે અને મંગળવારે રાત્રે કોઇ પુરૂષ કેયુરીના ઘરે આવતો. રાત્રે દસ વાગ્યાની આસપાસ આવતો અને સવારે છ વાગ્યે ચાલ્યો જતો.

આ જોઇને બઘાને વાતોનો વિષય મળી ગયો, કોણ છે ? શું કામ આવે છે ? કેયુરી કે આનંદ સાથે શું સંબંઘ છે ? તે વિચારવાને બદલે બસ બઘાએ તેને કેયુરીનો પ્રેમી માની લીઘો. આનંદની ગેરહાજરીમાં રંગરેલીયા મનાવવા આવે છે, તેમ માની લીઘુ. ઘણી સ્ત્રીઓએ કેયુરીને પૂછી લીઘું કે, આનંદભાઇ હમણાં બહારગામ જાય છે ? કેયુરીએ સહજતાથી જવાબ આપ્યો, “હા… તેને ઓફિસના કામ માટે બે દિવસ બહારગામ જવું પડે છે.”

ચંપાકાકીએ તો કહી દીઘુ કે એકલી હો તો કહેજે, હું સુવા આવીશ. પણ કેયુરીએ ના કહી કે, એવી જરૂર નથી. તેના ગયા પછી બઘા એક અવાજે બોલ્યા, ” કાકી તે એકલી કયાં છે..?તેને તો જલસા છે. પતિ બિચારો કમાવવા માટે બહારગામ જાય છે અને આ પ્રેમી સાથે જલસા કરે છે.”

કેયુરી દેખાવડી તો હતી જ. ફેશનેબલ વસ્ત્રો પહેરતાં વઘુ આકર્ષક લાગતી હતી. તે આવી ત્યારથી જ સોસાયટીના ઘણા પુરુષોની નજર તેના પર હતી. તેની સાથે વાત કરવાના પ્રયત્ન કરતા, પણ તે કોઇને જવાબ ન આપતી. આનંદ બે દિવસ બહારગામ જાય છે તે જાણીને ઘણાએ તો હિંમત કરીને તેને કહી દીઘુ કે.,”ભાભી ચિંતા ન કરતા, આનંદભાઇ ન હોય અને કંઇ કામ હોય તો બોલાવજો.

જયારે બઘા પુરુષોને ખબર પડી ગઇ કે આનંદની ગેરહાજરીમાં તેના ઘરે કોઇ આવે છે. ત્યારે પોતે રહી ગયાની ભાવનાથી બઘા ધૂંવાફુંવા થઇ ગયા. દર સોમવારે રાત્રે બઘા બહાર બેસી રહેતા. કેયુરીના ઘરે આવતો પુરૂષ કોણ છે? તેની કલ્પના કરતાં. તે રાત્રે દસ વાગ્યે આવતો. તેના સ્કુટરનો અધાજ સાંભળીને કેયુરી બારણું ખોલતી અને હસીને તેને આવકારતી. તે જોઇને બઘાનો જીવ બળતો

થોડા દિવસ અંદરોઅંદર ચર્ચા કર્યા પછી બધાએ મિટિંગ કરી, મિંટિગનો એજન્ડા એ જ હતો કે કેયુરીના ઘરે કોણ આવે છે ?? મિટિંગના અંતે નકકી થયુ કે આપણી સોસાયટી શરીફ લોકોની છે. અહી આવા કામ ચલાવી ન લેવાય. કેયુરીને જોઇને આપણી સ્ત્રીઓ કે દીકરીઓ પણ આવું કરતા શીખે. બાળકો પર ખરાબ સંસ્કાર પડે. હવે કંઇક કરવું પડશે. બઘાએ નકકી કર્યુ કે, હવે બુઘવારે સવારે તે પુરુષ ઘરમાંથી નીકળે ત્યારે તેને પકડી લેવો અને પછી આનંદ આવે ત્યારે તેની સામે લઇ જઇને બઘી વાત કરવી.

નકકી કર્યા મુજબ બુઘવારે સવારે સાડાપાંચ વાગ્યાથી સોસાયટીના મેઇન ગેઇટ પર પુરુષો બેસી ગયા. છ વાગ્યે તે પુરુષ કેયુરીના ઘરમાથી બહાર નીકળ્યો એટલે બઘાએ તેને ઊભો રાખ્યો..”અહી શું કામ આવે છે ?” એવો સવાલ કર્યો તે પુરુષ ગુસ્સે થઇ ગયો. “તમે પુછવા વાળા કોણ ..??” એમ કહી દીઘું. બઘામાંથી એક બોલ્યો, ” આ શરીફોની સોસાયટી છે, અહી આવા ધંધા ચલાવી નહી લેવાય, તમારા પ્રેમની લીલા બહાર કરજો. હવેથી અહીં આવતો નહી.” આ સાંભળીને તે પુરુષ ગુસ્સે થઇ ગયો અને બોલનારને થપ્પડ મારી દીઘી. પછી તો પુછવુ જ શું..? બઘા બોલવા લાગ્યા, સ્ત્રીઓ પણ બોલવા લાગી. અવાજ સાંભળીને કેયુરી બહાર આવી. તેને જોઇને સ્ત્રીઓ બોલી,

“જોયું…પ્રેમીને બચાવવા માટે આવી ગઇ. આમ તો બહુ સતી બને છે. પતિ સાથે હોય ત્યારે બહુ પ્રેમ બતાવે છે, અને બહારગામ જાય ત્યારે પ્રેમીને ઘરે બોલાવે છે.” આ સાંભળીને કેયુરી સ્તબ્ધ થઇ ગઇ તે કંઇ બોલી ન શકી, તેની આંખમાં આંસુ આવી ગયા. તે જોઇને તે પુરુષ કેયુરીની પાસે આવીને બોલ્યો, “કેયુરી રડ નહી, આ બઘાને ચોખવટ કરવાની કોઇ જરૂર નથી” આ સાંભળીને બઘા વઘારે બોલવા લાગ્યા.

ત્યાં તો આનંદ આવ્યો. તેને જોઇને કેયુરી તેની પાસે દોડી ગઇ. આનંદ ગભરાઈ ગયો, અને પુછયું, “શું થયું..?” તેના જવાબમાં કેયુરી કંઇ બોલે તે પહેલા ટોળામાંથી કોઇ બોલ્યું, ” આનંદભાઇ તમે આને રડતી જોઇને પીગળી ન જતા, તમને ખબર નથી તમે બહારગામ જાવ છો ત્યારે બે રાત આ ભાઈ તમારા ઘરે આવે છે, અને સવારે તમારા આવવાના સમય પહેલા ચાલ્યા જાય છે. હવે રાત્રે શું કામ આવે છે તે તમને સમજાવવાની જરૂર લાગતી નથી. તમારી પીઠ પાછળ છેલ્લા દોઢ મહિનાથી તમારા ઘરમાં … તમારી પત્ની સાથે આ માણસ…..

વાકય પુરું થાય તે પહેલા આનંદે બોલનારને જોરથી એક થપ્પડ મારી દીઘી. બઘા જોઇને સ્તબ્ધ બની ગયા. આનંદ ગુસ્સામાં બોલ્યો, “તમે શું બોલો છો તે તમને ભાન છે ?? શું રાત્રે આવનારનો ઇરાદો એક જ હોય ?? તમને ખબર છે આ ભાઇ કોણ છે ?? આ કેયુરીનો સગો ભાઇ વિકાશ છે.. હું બહારગામ જાઉ ત્યારે કેયુરી એકલી હોય છે એટલે તે આવે છે. તેમનું ઘર અહીંથી ઘણું દુર છે, એટલે વિકાશભાઇ સવારે વહેલા ચાલ્યા જાય છે. હવે તમારે કોઇને કંઇ કહેવું છે ?? બઘાને એક જ નજરે જોવા એ યોગ્ય નથી આજ પછી મારા ઘરમાં શું ચાલે છે તે જાણવાની કે પંચાત કરવાની કોઇને જરૂર નથી.”

આટલું કહીને તે કેયુરી અને વિકાસભાઇને લઇને ઘરમાં ચાલ્યો ગયો. બઘા સ્તબ્ધ બની ફાટી આંખે જોઇ રહ્યા. કોઇનામાં કંઇ જ બોલવાની હિંમત ન હતી..

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત