ગોરખનાથ આશ્રમ પાસે સુતેલા સંતને ઢસડી ગયો દિપડો અને પછી કર્યુ ભક્ષણ

ગત મોડી રાત્રે ફરી એકવાર જૂનાગઢમાં માનવભક્ષી દિપડાએ એક સંતનું ભક્ષણ કર્યું હતું. ગત સપ્તાહમાં ગિરનારના પગથીયા પરથી એક પૂજારી પર હુમલો કરી અને તેને ફાડી ખાધા હતા. ત્યારથી અહીંના લોકોમાં માનવભક્ષી દિપડાને લઈ ફફડાટ છે. તેવામાં આજે વધુ એક ઘટના બની છે જેમાં સંતને દિપડાએ ફાડી ખાધા છે.

image source

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગોરખનાથ ત્રિલોક આશ્રમ ખાતે રાત્રે ભોજન કરી અને આશ્રમની સામેના ડોમમાં સૂતા હતા. તેવામાં મોડી રાત્રે ગિરનાર જંગલમાંથી એક દિપડો ચઢી આવ્યો હતો અને ભરઊંઘમાં સૂતા સંતને ઢસડીને દૂર લઈ ગયો અને સંતને ફાડી ખાધા હતા.

દિપડાએ સંતને ગળામાંથી પકડી અને ઢસડ્યા હતા. મોડી રાત્રે અંધારામાં તેમની મદદે પણ કોઈ આવી શક્યા નહીં. સાધુને માર્યા બાદ દિપડો ફરીથી જંગલમાં નાસી ગયો હતો. આ ઘટનાની જાણ સવાર પડતાં લોકોને થતાં વન વિભાગ અને ભવનાથ પોલીસને જાણ કરવામાં આવી હતી.

image source

મૃતકના ઓળખકાર્ડમાં સાધુ ઓમકારગીરી મૂળ નામ દિનેશભાઈ લખાભાઈ ત્રિવેદી હતું અને તેઓ ભાવનગરના પાલીતાણા આનંદનગરના રહીશ હતા. માનવભક્ષી દિપડાએ આ બીજા વ્યક્તિનો જીવ લેતાં પોલીસએ હાલ ભવનાથ વિસ્તારમાં રહેલા લોકો અને સાધુઓ તેમજ આશ્રમ ધારકોને રાત્રે આઠ કલાક પછી ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. આ ઉપરાંત લોકોએ ખુલ્લામાં કે અગાસીમાં સુવા માટે પણ ન જવું તેમ કહ્યું છે.

image source

આ ઘટના બાદ પોલીસ પણ હવે આ વિસ્તારમાં પેટ્રોલીંગ સઘન કરી દેશે. દિપડા દ્વારા સંતને મારી નાખ્યાની આ બીજી ઘટના બનતા તળેટીમાં વસતાં સંત સમાજમાં રોષ અને ફફડાટ બંને જોવા મળે છે. હાલ વન વિભાગની ટીમ પણ દિપડાને ટ્રેક કરી પડકી પાડવા તજવીજ હાથ ધરી છે.

image source

વન વિભાગની ટીમે સર્ચ પણ કરી છે અને દિપડાના પગના નિશાન મેળવી તેને ટ્રેક કરવામાં આવી રહ્યો છે. વન વિભાગના જણાવ્યાનુસાર તેઓ ટુંક સમયમાં આ માનવભક્ષી દિપડાને પાંજરે પુરી લેશે. પરંતુ ત્યાં સુધી તળેટીમાં અને ભવનાથ વિસ્તારમાં રહેતા લોકોએ સાવધાની જરૂરથી રાખવી પડશે.