અમદાવાદની સ્થિતિ ગંભીર, હોસ્પિટલના 19 ડોક્ટર્સ કોરોના પોઝીટીવ
અમદાવાદની એલ જી હોસ્પિટલના કુલ 19 ડોક્ટર્સને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. આ કારણે હોસ્પિટલની ઓપીડીને 27 એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. મંગળવારે અહીં વધુ 5 ડોક્ટર્સનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ સિવાય 40 ડોક્ટર્સ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

એલજીના ડોક્ટર્સ અને સ્ટાફમાં પણ સંક્રમણ ફેલાવા લાગ્યું છે. તેથી તેમના સંપર્કમાં રહ્યા હોય તેવા 120 કર્મચારીઓને પણ કોરોન્ટાઈન કરાયા છે. હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર આ અગાઉ મંગળવારે અહીં 5 રેસીડેંટ ડોક્ટરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેમાં 2 સર્જરી, 1 ઓર્થોપેડિક અને એક ગાયનેક ડોક્ટરનો સમાવેશ થાય છે. તેના કારણે સરકારની ગાઈડ લાઈન અનુસાર તે પાંચ ડોક્ટર્સના નજીકના સંપર્કમાં આવેલા 40 લોકોને કોરોન્ટાઈન કરાયા હતા.
તાજેતરમાં જ એલ હોસ્પિટલમાં નર્સ, પેરામેડિકલ અને સફાઈકર્મી સહિત કુલ 23 પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. તે 23 દર્દીના સંપર્કમાં આવેલા 140 લોકોને અને હોસ્પિટલ સ્ટાફને કોરોન્ટાઈન કરાયા હતા. કેસની ગંભીરતા જોઈ અને હોસ્પિટલના અન્ય કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ કરવા માંગ કરવામાં આવી હતી. હોસ્પિટલની 300 નર્સ ભય વચ્ચે કામ કરી રહી છે.

એલજી હોસ્પિટલની નર્સોનો એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં અપીલ કરવામાં આવી હતી કે હોસ્પિટલમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. તેમજ તેના અનેક સાથી કોરોન્ટાઈન કરાયા છે. તેમાંથી પણ કેટલાકના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેવામાં હોસ્પિટલના દરેક વ્યક્તિના ટેસ્ટ થાય તે જરૂરી છે.
સિવિલ કેન્સર હોસ્પિટલમાં સુરક્ષા સાધનોનો પણ અભાવ છે. અહીં રેડિયોથેરાપી વિભાગની એક નર્સ કોરોના પોઝીટીવ થઈ ગઈ છે. ત્યારબાદ પણ ત્યાંથી કોઈ વસ્તુ દૂર કરવામાં નથી આવી કે નથી એ જગ્યાને સેનિટાઈઝ કરવામાં આવી.

આ અંગે કેન્સર હોસ્પિટલના ડો શશાંક પટેલનું કહેવું તો એવું છે કે આ આરોપ પાયાવિહોણા છે. તેમને ત્યાં પુરતી તકેદારી રાખવામાં આવી છે. દરેક કર્મચારીને માસ્ક, સેનિટાઈઝર અને પીપીઈ કિટ જેવી જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે અને હોસ્પિટલમાં પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.