યુનિક મસાલા ઢોસા – હવે આલુ મસાલા ઢોસા બનાવવાનું વિચારો તો આ ટેક્નિકથી બનાવજો..

આજે હું તમને ઢોસામાં નાખવાના સોડાના પરફેક્ટ માપ સાથે જણાવીશ કે ઘરે જ પરફેક્ટ ઢોસા કેવીરીતે બનાવી શકીએ.

થોડા દિવસ પહેલા મેં ઘરે જ પરફેક્ટ ખીરું બનાવવા માટેની રેસિપી જણાવી હતી તેની પણ લિંક તમને અહીંયા આપું છું. ખીરું બનાવવા માટેની રેસિપી જાણવા અહીંયા ક્લિક કરો.

તો હવે ચાલો તમને જણાવી દઉં ઢોસા બનાવવાની પરફેક્ટ રેસિપી. ઢોસા બનાવવા માટે આપણે પહેલા સામગ્રી જોઈ લઈએ.

સામગ્રી

  • ક્રશ કરેલ બટેકા – બે નંગ
  • જીણી સમારેલ ડુંગળી – એક ડુંગળી
  • જીણા સમારેલ ટામેટા – એક નંગ
  • આદુ – નાનો ટુકડો
  • તેલ – વઘાર કરવા અને ઢોસા બનાવવા માટે
  • રાઈ – અડધી ચમચી
  • હિંગ – એક ચપટી
  • લાલ મરચું – બે ચમચી
  • મીઠું – સ્વાદ અનુસાર
  • હળદર – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • સંભાર મસાલો – અડધી ચમચી

ઢોસા બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા આપણે એક પેનમાં વઘાર માટેનું તેલ ગરમ કરવા મુકીશું

2. તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે તેમાં હિંગ ઉમેરો આનાથી સ્મેલ બહુ સરસ આવશે.

3. હવે આ વઘારમાં જીણી સમારેલ ડુંગળી ઉમેરો.

4. હવે આમાં આદુને જીણું છીણી લઈશું (આદુની પેસ્ટ પણ ઉમેરી શકો.)

5. આદુ અને ડુંગળીને બરાબર હલાવીને મિક્સ કરી લો, અને પછી તેમાં જીણું સમારેલું ટામેટું ઉમેરો.

6. હવે ટામેટા ચઢવા આવે એટલે તેમાં આપણે મસાલો કરી લઈશું. મરચું, મીઠું, હળદર, ધાણાજીરું અને સંભાર મસાલો ઉમેરો.

7. હવે બધું બરોબર મિક્સ કરી લો પછી તેમાં ક્રશ કરેલ બટાકા ઉમેરો. (બટાકા બાફ્વાના સમયે મીઠું ઉમેરેલ છે એટલે જરૂર નહિ પડે.)

8. બધું બરાબર મિક્સ કરી લો અને પછી ઉપર ધાણા ઉમેરી લો. હવે મસાલો ઢોસાની અંદર ભરવા માટે તૈયાર છે.

9. હવે વારો આવે છે ઢોસા ઉતારવાનો તો સૌથી પહેલા ઢોસાના ખીરુંમાં મીઠું અને સોડા ઉમેરો. એક કિલોની આસપાસ ખીરું હોય ત્યારે તેમાં આ ફોટોમાં બતાવ્યા પ્રમાણેનો સોડા ઉમેરો. જો તમારી પાસે માપની ચમચી નથી તો ઘરમાં વપરાતી નોર્મલ ચમચીનું માપ લેવું. ખીરુંમાં અડધાની અડધી ચમચી સોડા લેવો. ઘણા મિત્રો ઢોસાના ખીરુંમાં સોડા નથી ઉમેરતા હોતા પણ હું ઉમેરું છું જેનાથી મારા ઢોસા ક્રિસ્પી બને છે.

10. હવે ખીરુંમાં મીઠું અને સોડા ઉમેરો પછી સોડા પર થોડું પાણી ઉમેરો અને પછી ચમચાની મદદથી ખીરુંને બરાબર હલાવી લો. પ્રયત્ન કરો કે ખીરું એક જ દિશામાં હલાવીને ફીણી શકો જેનાથી ખીરુંમાં નાના બબલ્સ થશે અને તમારું ખીરું ઢોસા બનાવવા માટે પરફેક્ટ તૈયાર છે.

11. હવે એક નોનસ્ટિક પેનને ગેસ પર મુકો અને તેના એક કે બે ચમચી પાણી લો.

12. હવે એક કપડાંથી બધું પાણી બરોબર આખી લોઢીમાં ફેરવી લો જેનાથી લોઢી બરાબર ક્લીઅર થઇ જશે અને ઢોસા બનાવવા માટે રેડી થઇ જાય. નોનસ્ટિક લોઢી પર આ પાણી ઉમેરીને લૂછવાની પ્રોસેસ એક એક ઢોસા ઉતરે એટલે તરત કરવાની રહેશે આમ કરવાથી લોઢી ઠંડી પણ પડી જશે અને જયારે તમે બીજા ઢોસા બનાવવા માટે ખીરું લોઢી પર પાથરસો તો ઢોસો સરળ રીતે પથરાશે.

13. હવે તૈયાર થયેલ ખીરુંમાંથી એક કે બે ચમચા ખીરું લોઢી પર લો.

14. હવે એ ખીરુંને લોઢી પર બરોબર ફેલાવી લો. પ્રયત્ન કરો કે ગોળ થાય પણ જો નકશા પણ થશે તોય ખાનારા તો ખાવાના જ છે બસ ફક્ત તેને સ્ટેટ્સ પર નહિ મૂકી શકો.

15. હવે પથરાયેલ ઢોસાની ફરતે તેલ ઉમેરો આમ તો આ ઢોસાને પલટાવીને ચઢવા દેવાની જરૂરત નથી પણ તેમ છતાં તમારાથી ઢોસો વધુ જાડો પથરાઈ ગયો છે તો પલટાવીને પણ ચઢાવી શકો.

16. હવે આ બનેલ ઢોસાની વચ્ચે બનાવેલ મસાલો પાથરો. જો વચ્ચે વચ્ચ પાથરશો તો ઢોસાને બંને તરફથી વાળીને બનશે અને જો એક બાજુ સાઈડમાં મસાલો પાથરશો તો અડધો વાળી લેવાથી પણ ઢોસો સરસ બનશે તમને જે યોગ્ય લાગે તે કરી શકો છો.

17. હવે આ ઢોસો ખાવા માટે તૈયાર છે તો આની સાથે સંભાર અને કોપરાની ચટણી મળે એટલે મોજ પડી જાય.

તો તમને મારી આ ઢોસાની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા આની સાથે શરૂઆતમાં આપેલ ખીરુંની રેસિપી જોવાનું ભૂલતા નહિ. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.