બોલિવૂડમાં જ નામ બદલવાનો ટ્રેંડ નથી, ગુજરાતી સાહિત્યના આ જાણીતા કલાકારો પણ નામ બદલીને થયા લોકપ્રિય

ફિલ્મ અને મનોરંજનની દુનિયામાં નામના કમાવવા, સફળ થવાનું સપનું હજારો લોકો જુએ છે. જેમાંથી કેટલાક લોકો પોતાના સપના પુરા કરી શકે છે તો કેટલાક કરી શકતા નથી. પરંતુ સફળ થતા સુધીમાં તેમને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. પોતાની કલાને ઓળખનાર મળે તે માટે અનેક ધક્કા લોકો પાસે ખાવા પડે છે. સફળતાના શિખર સર કરવા માટે બોલિવૂડમાં નામ બદલવાનું પણ ચલણ છે. અમિતાભ બચ્ચન, દિલીપ કુમાર, ઈરફાન ખાન સહિતના કલાકારો એવા છે જેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરવા પોતાના નામ પણ બદલ્યા છે. જો કે આવું ફક્ત બોલિવૂડમાં થાય છે એવું નથી હો… આવું આપણા ગુજરાતી લોકસાહિત્યના કલાકાર પણ કરી ચુક્યા છે.

image socure

આ વાત ખૂબ ઓછા લોકો જાણતા હશે કે લોકસાહિત્યની દુનિયામાં ચમકતા સિતારા સમાન મણિરાજ બારોટ અને બિરજુ બારોટ આ ક્ષેત્રમાં સફળ થયા તે પહેલા તેમણે નામ બદલ્યા છે. આ નામ કોણે બદલ્યા અને તેમને કેવી રીતે સફળતા મળી તે તાજેતરમાં એ વ્યક્તિએ જણાવ્યું જેમણે આ બંને કલાકારોના સૂર્યને ઉગતો જોયો છે. આ વ્યક્તિ છે જાણીતા ગીતકાર પ્રશાંત કેદાર જાદવ. તેમણે તાજેતરમાં આ અંગે પહેલીવાર ખુલાસો કર્યો હતો.

image soucre

લોકસાહિત્યની દુનિયામાં જાણીતું નામ છે મણિરાજ બારોટ અને બિરજુ બારોટના નામને કોઈ ઓળખાણની જરૂર પડે તેમ નથી. આ કલાકારોમાંથી મણિરાજ બારોટ હાલ હયાત નથી. તેઓ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા ‘સનેડો’ નામના લોકગીતના એક પ્રકારને વિશ્વભરમાં પ્રખ્યાત અને લોકપ્રિય કરવાનો શ્રેય તેમને જાય છે. તેઓ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની હતા. 42 વર્ષની વયે 30 સપ્ટેમ્બર 2006ના રોજ રાજકોટ પાસે આવેલા એક રિસોર્ટમા હાર્ટએટેક આવતા તેમનું અવસાન થયું હતું.

મણિરાજ બારોટ વિશે વાત કરતાં પ્રશાંત કેદાર જાદવે જણાવ્યું હતું કે તેમની પહેલી મુલાકાત 1991માં પાટણ ખાતે યોજાયેલા બારોટ સમાજના પંચપાઠ દરમિયાન થઈ હતી. આ કાર્યક્રમમાં અનેક યુવાનોએ સ્ટેજ પર ગીત ગાયા હતા જેમાંથી એક મણિરાજ બારોટ પણ હતા. આ કંઠ તેમના મનમાં ઉતરી ગયો અને તેઓ તેમને અમદાવાદ લઈ ગયા. જો કે તે સમયે તેમનું નામ મણિરાજ ન હતું.

image soucre

જેમ દરેક કલાકાર સાથે થાય છે તેમ મણિરાજને પણ ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. શરુઆતના સમયમાં પ્રશાંત કેદાર જાદવ મણિરાજને લુનામાં બેસાડી અલગ અલગ સ્ટુડીયોમાં લઈ જતાં અને તેને એક ચાન્સ આપવા વિનંતી કરતાં. પરંતુ નવોદિત કલાકારેને કોઈ ચાન્સ આપવા તૈયાર થતા નહીં. કોઈ કેસેટ કંપની પણ રીસ્ક લેવા તૈયાર ન હતી. કેસેટ બનાવવા માટે 13 હજારનો ખર્ચ થાય એમ હતો. ત્યારે અમદાવાદ દૂરદર્શનમાં નોકરી કરતાં પ્રશાંત જાદવ જેનો પગાર 2 હજાર હતો તેમણે 13 હજારનું જોખમ લીધું અને મણિરાજ બારોટની બે કેસેટ બહાર પાડી અને સાથે જ મણિરાજને નવું નામ આપ્યું. મણિરાજ બારોટનું સાચું નામ મણિલાલ બારોટ હતું. ત્યારબાદ તો મણિરાજ બારોટ રાતોરાત છવાઈ ગયા અને લોકપ્રિય કલાકાર બની ગયા.

image soucre

જો કે પ્રશાંતભાઈ બીજા એક કલાકારને સફળ બનાવવામાં પણ યોગદાન આપી ચુક્યા છે. તેમણે મણિરાજ બારોટની જેમ બિરજુ બારોટનું પણ નામકરણ કર્યું છે. 16 વર્ષ પહેલા બિરજુ બારોટને લઈ તેના પિતા અને દાદા પ્રશાંતભાઈ પાસે પહોંચ્યા હતા. તે સમયે બિરજુને તેમણે આ નામ આપ્યું. તે પણ આજે લોકપ્રિય કલાકાર બની ચુક્યા છે. જો કે તેમનું સાચું નામ બિરજુ નહીં બિપિન છે.