Site icon News Gujarat

શું છે મ્યુકરમાઇકોસિસ રોગ? શું આ ચેપી રોગ છે? જાણો આ વિશે તમામ માહિતી એક ક્લિકે

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીમાં ચિંતા વધારી રહેલ આ ઘાતક બીમારી શું છે?

અંદાજીત છેલ્લા ૧૩ મહિનાથી કોરોના વાયરસ સંક્રમણએ ગુજરાત રાજ્યના આરોગ્ય વ્યવસ્થા માટે ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરી દીધી છે. ત્યાં જ બીજી બાજુ મ્યુકરમાઈકોસીસી નામની આ બીમારી હવે પોતાનું માથું ઉચું કર્યું છે.

સામાન્ય રીતે મ્યુકર માઈકોસીસ એક ફૂગજન્ય બીમારી છે આ કોઈ નવી બીમારી છે નહી. પણ આ બીમારી ભાગ્યે જ જોવા મળે છે. આ બીમારી કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન મોટાપાયે જોવા મળી રહી છે.

મ્યુકરમાઈકોસીસ બીમારી કોરોના વાયરસની સારવાર પદ્ધતિની આડપેદાશ તરીકે જોવા મળી રહી છે. મ્યુકરમાઈકોસીસ બીમારીએ ભારતમાં મોરબી, રાજકોટ, અમદાવાદ, મુંબઈ અને દિલ્લીમાં જોવા મળી રહી છે.

વિશેષજ્ઞોના કહેવા મુજબ, મ્યુકરમાઈકોસીસથી પીડિત દર્દીના નાક, મો, ગળા, આંખ અને દિમાગ પર અસર કરે છે. તેમજ મ્યુકરમાઈકોસીસ બીમારીની જો તાત્કાલિક સારવાર કરાવી લેવામાં આવે છે તો દર્દીનો જીવ બચાવી શકાય છે. સમય રહેતા મ્યુકરમાઈકોસીસની સારવાર આપવામાં નથી આવતી તો દર્દીના જીવન પર જોખમ વધી જાય છે.

જે વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય કે પછી હાલમાં જ કોઈ બીમારી માંથી સ્વસ્થ થયા છો તો આપને મ્યુકરમાઈકોસીસ બીમારીની અસર જોવા મળી શકે છે.

ગુજરાત રાજ્ય સરકારના એક અંદાજ મુજબ, મ્યુકરમાઈકોસીસની બીમારીનો મૃત્યુદર ૫૦% જેટલો વધારે હોઈ શકે છે. એટલે કે, મ્યુકરમાઈકોસીસની બીમારીથી પીડિત દર બે દર્દીઓ માંથી એક દર્દીની મૃત્યુ થવાની શક્યતા છે.

દર્દીઓમાં જોવા મળતા લક્ષણો પ્રમાણે જુદા જુદા નિષ્ણાત તબીબો પાસે કરાવવામાં આવતી હોવાથી અને વહીવટી આંટીઘૂંટીના લીધે મ્યુકરમાઈકોસીસની બીમારીના રાજ્યમાં કેટલા સક્રિય કેસ છે તેના વિષે હજી પણ મૂંઝવણ ભરેલ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

‘મૃત્યુનું મુખ’ છે મ્યુકરમાઈકોસીસ

ગુજરાત રાજ્ય સરકારની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય તથા ડાયાબીટીસની સારવારમાં એક્સપર્ટ ડૉ. વી. એન. શાહના કહેવા મુજબ, ‘ટાઈપ- વન ડાયાબીટીસના દર્દીઓ જેમનું બ્લડસુગર લેવલ અનિયંત્રિત અને અનિયમિત રહેતું હોય તેવા દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસ બીમારીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી જાય છે.’

‘એના સિવાય જે વ્યક્તિઓની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોય કે પછી હાલમાં જ કોરોના વાયરસના સંક્રમણ માંથી મુક્ત થયા હોય તેવા દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસ બીમારી જોવા મળી જાય છે. આ બીમારી દર્દીના મુખ, નાક, ગળું અને આંખને પ્રભાવિત કરે છે.

જેવી રીતે લાકડાના કોઈ એક ભાગમાં ઉધઈ થઈ જાય અને ત્યાર બાદ આ ઉધઈ આખા ફર્નીચરમાં ફેલાઈ જાય છે તેવી જ રીતે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગજન્ય બીમારી દર્દીના શરીરના એક ભાગમાં થઈ જાય છે તો ત્યાર બાદ તે આખા શરીરમાં પ્રસરી શકે છે.

ડૉ. શાહના કહેવા મુજબ, ‘મારા ૩૫ વર્ષના ડોકટરી કરિયર દરમિયાન મ્યુકરમાઈકોસીસના જેટલા કેસ નથી જોયા એના કરતા વધારે કેસ છેલ્લા ત્રણ મહિના દરમિયાન જોવા મળ્યા છે. મ્યુકરમાઈકોસીસના કેસની સંખ્યા ઘણી વધારે છે.’

ડૉ. શાહ વધુ જણાવતા કહે છે કે, કોરોના વાયરસના લીધે વધારે સંખ્યામાં થતા મૃત્યુ માટે મ્યુકરમાઈકોસીસી બીમારી પણ જવાબદાર હોઈ શકે છે.

મ્યુકરમાઈકોસીસ શું છે?

મ્યુકરમાઈકોસીસ એક ફૂગજન્ય બીમારી છે, જો કે, તબીબીજગત માટે આ બીમારી નવી નથી. આ બીમારીને પહેલા ઝિગોમિકોસીસ નામથી ઓળખવામાં આવતો હતો.

મ્યુકરમાઈકોસીસી ફૂગ તકવાદી છે. આ ફૂગ આપણા વાતાવરણમાં જ હાજર હોય છે, જેમ કે, સડી ગયેલ પાંદડા, પ્રાણીઓના મળ, બગડી ગયેલ શાકભાજી અને ફલોમાં આ ફૂગ ઉત્પન્ન થતી હોય છે.

નાકના નસકોરા દ્વારા ફૂગના બીજકણ:

મ્યુકરમાઈકોસીસ બીમારીની ફૂગ આપની ચામડી પર પડી ગયેલ ઘાવ, ઈજા, વાઢીયા, દાઝી ગયેલ ભાગ કે પછી અલ્સર દ્વારા આપના શરીરમાં પ્રવેશ કરી શકે છે. મ્યુકરમાઈકોસીસ આપના શરીરના કોઈ પણ જગ્યાએથી પ્રવેશ કરી શકે છે.

આ બીમારી દર્દીની નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે તો તેમને વધારે પ્રભાવિત કરે છે, જયારે સાધારણ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓને મ્યુકરમાઈકોસીસ બીમારી વધારે પ્રભાવિત કરી શકતી નથી.

કોરોના વાયરસ સંક્રમણ માંથી હાલમાં જ મુક્ત થયેલ દર્દીઓની રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે, જે દર્દીએ હાલમાં જ અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય, જે વ્યક્તિને કીડની કે પછી કેન્સરની ટ્રીટમેન્ટ લઈ રહ્યા હોય, કીમોથેરપી ચાલી રહી હોય, વ્યક્તિનું ડાયાબીટીસ અનિયંત્રિત રહેતું હોય, આવી વ્યક્તિઓ પર મ્યુકરમાઈકોસીસની બીમારી પ્રભાવિત કરી શકે છે.

જે વ્યક્તિના લોહીમાં શ્વેતકણ ખુબ જ ઘટી ગયા હોય, જેઓ લાંબા સમયથી સ્ટેરોઈડયુક્ત સ્કિનની બીમારીની દવા લઈ રહ્યા હોય, જે વ્યક્તિના શરીરમાં લોહતત્વનું પ્રમાણ વધારે હોય, જે બાળકનો જન્મ સમય કરતા પહેલો થયો હોય કે પછી જન્મ સમયે ઓછું વજન ધરાવતા હોય તેવા બાળકને મ્યુકરમાઈકોસીસ બીમારી થવાનો ભય રહે છે.

ઇન્જેકશનની મદદથી નશીલા પદાર્થો લેવાનું વ્યસન ધરાવતા હોય, HIV (હ્યુમન ઈમ્યુનો ડેફીસ્ન્સી વાયરસ) કે પછી AIDS (એક્વાયર્ડ ઈમ્યુનોડેફીસ્ન્સી સિન્ડ્રોમ)ની ટ્રીટમેંટ લઈ રહ્યા હોય આવી વ્યક્તિઓને ચેપ લાગી જવાની શક્યતા વધી જાય છે.

મ્યુકરમાઈકોસીસ બીમારી પ્રમાણમાં એક રાહતની વાત એ છે કે, આ બીમારી ચેપી નથી તે મનુષ્યથી મનુષ્ય કે પછી મનુષ્યથી પ્રાણીઓમાં ફેલાતી નથી. આ બીમારીને તેની અસરના આધારે જુદા જુદા ભાગમાં વિભાજન કરવામાં આવી છે.

રિનોસેલેબ્રલ મ્યુકરમાઈકોસીસ:

આ પ્રકારની બીમારીમાં નસકોરા અને દિમાગને પ્રભાવિત કરે છે. નાક દ્વારા મ્યુકરમાઈકોસીસ આપના શરીરમાં પ્રવેશ કરીને આંખ અને દિમાગને પ્રભાવિત કરી શકે છે.

જે વ્યક્તિનું ડાયાબીટીસ અનિયંત્રિત રહેતું હોય કે પછી જેમણે હાલમાં જ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય તેવા દર્દીઓને આ બીમારી વધારે પ્રમાણમાં જોવા મળી જાય છે.

એક્સપર્ટસ દ્વારા કોરોના વાયરસની ટ્રીટમેંટ લેવા દરમિયાન ડાયાબીટીસ ધરાવતા દર્દીઓનું બ્લડસુગર પ્રતિદિન ચાર વાર, જયારે અન્ય દર્દીઓનું નિયમિત રીતે તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. જો દર્દીનું બ્લડસુગર લેવલ વધી જાય છે તો તેને ઇન્સ્યુલીનની મદદથી નિયંત્રણ કરવાની સલાહ આપવામાં આવે છે.

એક અંદાજ પ્રમાણે, ભારતમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા ૭.૭૦ કરોડ જેટલા છે જે વિશ્વમાં બીજા સ્થાને છે.

ચીન દેશમાં અંદાજીત ૧૧.૬૦ કરોડ દર્દીઓ હોવાથી પહેલું સ્થાન ધરાવે છે. આવનાર ૨૫ વર્ષના સમયગાળામાં ભારત દેશમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા ૧૩.૪૦ કરોડ સુધી પહોચી જવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

પલ્મોનરી મ્યુકરમાઈકોસીસ:

આ પ્રકારના ફેફસાને મ્યુકરમાઈકોસીસ સૌથી વધારે પ્રભાવિત કરે છે. જે દર્દીઓને કેન્સરથી પીડાઈ રહ્યા હોય, જેઓ કીમોથેરપી લઈ રહ્યા હોય, જેમનું હાલમાં જ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હોય કે પછી સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યા હોય તેવા દર્દીઓને મ્યુકરમાઈકોસીસ પ્રભાવિત કરી શકે છે.
આ બીમારીમાં ખાંસી થવી, છાતીમાં દુઃખાવો, તાવ કે પછી શ્વાસ લેવામાં મુશ્કેલી થવી એવા લક્ષણો જોવા મળી શકે છે.

ગેસટ્રોઈનટેસ્ટીનાઈનલ મ્યુકરમાઈકોસીસ:

મ્યુકરમાઈકોસીસ બીમારી પુખ્ત વયની વ્યક્તિઓ કરતા સગીર અને બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

જે બાળકોનો જન્મ નિશ્ચિત સમય કરતા પહેલા એટલે કે, (અધૂરા મહીને) થયો હોય કે પછી જે નવજાત બાળકનું જન્મસમયે વજન ઓછું હોય, તેવા બાળકોમાં મ્યુકરમાઈકોસીસ બીમારીનો શિકાર થઈ શકે છે.

જે વ્યક્તિની સર્જરી કરવામાં આવી હોય, બીમારી કે પછી જીવાણુંની સામે લડતા સમયે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી થઈ ગઈ હોય (કે તેની વિપરીત અસર કરે તેવી કોઈ દવાઓ લેવામાં આવી રહી હોય), સર્જરી કરવામાં આવી હોય તો તેવી વ્યક્તિને મ્યુકરમાઈકોસીસ બીમારી થવાની સંભાવના વધી જાય છે.

જેમાં દર્દીને આંતરિક રક્તસ્ત્રાવ, ઉલ્ટી જેવું લાગવું, ઊલટી થવી કે પછી પેટમાં દુઃખાવો થવો જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે.

ક્યુટેનસ મ્યુકરમાઈકોસીસ:

સાધારણ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવનાર વ્યક્તિને પણ આ બીમારી વિપરીત અસર કરી શકે છે. આ બીમારી આપના શરીરમાં ઘા, ઈજા, ચીરા, વાઢીયા, કાપા વગેરે મારફતે પ્રવેશ કરી શકે છે.

ડીસેમિનેટેડ મ્યુકરમાઈકોસીસ:

આવા પ્રકારની બીમારી શરીરમાં લોહી દ્વારા ફેલાઈ શકે છે. આ બીમારી આપના દિમાગ, ત્વચા, હ્રદય કે પછી બરોળને પ્રભાવિત કરી શકે છે.

મ્યુકરમાઈકોસીસના લક્ષણો શું છે?

ડૉ. શાહના કહેવા મુજબ, ‘કોરોના વાયરસના સંક્રમણ માંથી હાલમાં જ મુક્ત થયેલ દર્દીને માથાનો દુઃખાવો થવો, વારંવાર તાવ આવવો, દાંતમાં દુઃખાવો થવો, કોઈપણ પ્રકારની ગંધનો અનુભવ ના થવો, ગળામાં દુઃખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી આવવી, નાક માંથી લોહીનું આવવું કે પછી નાક માંથી સ્ત્રાવનું વહેવું, વાસ આવવી, અવાજ બદલાઈ જવો આવા લક્ષણો જોવા મળે છે તો આપે સાવધાન થઈ જવું અને તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ’.

ડૉ. શાહ વધુ જણાવતા કહે છે કે, મ્યુકરમાઈકોસીસ બીમારી આપના માટે આર્થિક, શારીરિક અને માનસિક ભાર ખુબ જ વધારી દે છે. આ બીમારીની સારવાર કેટલાક મહિનાઓ સુધી ચાલી શકે છે ઉપરાંત દર્દીએ હોસ્પિટલમાં એડમિટ પણ થવું જરૂરી થઈ જાય છે.

કેટલીક પરિસ્થિતિમાં પાછળથી ચહેરાને થયેલ નુકસાનને છુપાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવવાની જરૂરિયાત પડે છે, પ્લાસ્ટિક સર્જરી ખુબ જ ખર્ચાળ હોય છે. એટલા માટે આપે કોરોના વાયરસ સંક્રમણ માંથી મુક્ત થયા બાદ ગમે તેવી નાની બીમારીને પણ નજરઅંદાજ કરવી જોઈએ નહી અને તેની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ કેમ કે, સારવાર કરતા સાવધાની’ વધારે યોગ્ય છે. આ નીતિ અપનાવવી જોઈએ.

મોરબી શહેરના ઓપ્થેમોલોજીસ્ટ (આંખના નિષ્ણાંત) ડૉ. શૈલેશ પટેલના જણાવ્યા મુજબ, ‘દર્દીની આંખો લાલ થઈ જવી, આંખના ડોળા બહાર આવવા લાગે, આંખમાં ઉપરની તરફ કે પછી આસપાસના ભાગમાં અસહ્ય દુઃખાવો થાય, માથામાં સતત અસહ્ય દુઃખાવો થવો, આંખોને ખોલબંધ કરવામાં મુશ્કેલી આવવી, એક વસ્તુના બદલે બે વસ્તુ દેખાવી જેવા લક્ષણો જોવા મળે છે અને જો તે વ્યક્તિ પહેલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હોય તો તેમણે તાત્કાલિક મ્યુકર માઈકોસીસની તપાસ કરાવી લેવી જોઈએ.’ ‘જો આ બીમારીની સારવાર સમયસર કરાવી લેવામાં આવે અને આવશ્યક સર્જરી કરાવી લેવામાં આવે છે તો આ બીમારીના લીધે થતા વધારે નુકસાનથી પોતાને બચાવી શકાય છે.’

ડૉ. પટેલ વધુ જણાવતા કહે છે કે, આની પહેલા જોવા ના મળ્યા હોય એટલા પ્રમાણમાં મ્યુકરમાઈકોસીસના કેસ હાલના સમયમાં જોવા મળી રહ્યા છે. રોજીંદા સરેરાશ એક કેસ ઓપીડીમાં આવે છે.

આ સિવાય આ બીમારીમાં ચહેરાનો કોઈ એક ભાગ ફૂલી જવો, નાક કે પછી ચામડી પર કાળા ચકામાં જોવા મળવાઆવા લક્ષણો પણ જોવા મળી શકે છે.

મ્યુકરમાઈકોસીસ બીમારી જો આપના શરીરમાં જડબા સુધી પ્રસરી ગઈ છે તો આપના દાંત કાઢી નાખવા પડે છે. તેમજ જો આ બીમારીનો ચેપ આંખ સુધી ફેલાઈ જાય છે તો આપની આંખોને દુર કરી દેવી પડે છે. તેમજ જો આપના પરિવારના સભ્યો આ બધા માટે તૈયાર નથી હોતા તો તેનું સંક્રમણ દિમાગ સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે જે આપના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

સાવધાની એ જ સલામતી

આપે નાક અને મુખને એન-૯૫ માસ્કની મદદથી ઢાંકી દેવું જોઈએ. પાણીથી નુકસાન થયું હોય કે પછી નિર્માણ સ્થળ પર ધૂળ અને રજ સાથે સીધા સંપર્કમાં આવવાનું આપે ટાળતા રહેવું જોઈએ.

બહારની તરફ કામ કરતા સમયે બુટ-મોજા પહેરવા, શોર્ટ્સ પહેરવાને બદલે પગને ઢાંકી શકાય તેટલા પેન્ટ પહેરવા, લાંબી બાયના શર્ટ પહેરવા, ટૂંકા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ.

આપે ખેતીકામ કે પછી બાગકામ કરતા સમયે ખાસ સાવધાની રાખવી જોઈએ અને કામ પૂરું કરી લીધા બાદ હાથને સારી રીતે સાબુની મદદથી ધોઈ લેવા જોઈએ.

આપે ભેજવાળી પોચી જમીન, કળણ, લીલ કે પછી શેવાળની સાફસફાઈ કરતા સમયે હાથમાં મોજા જરૂરથી પહેરવા જોઈએ.

જો આપને ત્વચા પર ઈજા થઈ હોય તો આપે તે જગ્યાએ માટી, ધૂળ કે પછી રજકણના સંપર્કમાં આવી જાય છે તો તે જગ્યાને સાબુ, એંટીસેપ્ટિક કે પછી આલ્કોહોલયુક્ત લિક્વિડની મદદથી સાફ કરી લેવી જોઈએ, જેથી કરીને ત્યાંથી આપને કોઈ ઇન્ફેકશન ફેલાઈ નહી.

ગુજરાત સરકાર તરફથી ડીસેમ્બર, ૨૦૨૦માં જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમાં ઉપરોક્ત તમામ ઉપાયો જણાવવામાં આવ્યા છે. પરંતુ આ ગાઈડલાઈનમાં એવું નિશ્ચિતપણે જણાવવામાં આવ્યું છે કે, આ ફક્ત ભલામણ છે તેમજ તેનાથી મ્યુકરમાઈકોસીસ બીમારીને ફેલાતા અટકાવી જ શકાશે તેવું નિશ્ચિતપણે કહી શકાયું નથી.

નિદાન અને સારવાર:

શરીરના પ્રભાવિત ભાગનું સેમ્પલ લઈને તેનું લેબોરેટરીમાં વિશ્લેષણ કરવામાં આવે છે, તેના પરથી જાણી શકાય છે કે, મ્યુકરમાઈકોસીસની હાજરીને નોંધી શકાય છે.

જો મ્યુકરમાઈકોસીસનો ફેલાવો શરીરમાં વધારે ના થયો હોય અને તે શરુઆતના તબક્કામાં જ હોય તો આપે અસરગ્રસ્ત ભાગની સર્જરી કરાવીને દુર કરી દેવો જોઈએ. પરંતુ જો ચેપ વધારે પ્રમાણમાં શરીરને પ્રભાવિત કરી દીધું હોય તો દર્દીનો જીવ બચાવવા માટે અસરગ્રસ્ત અંગને સર્જરી કરીને શરીરથી જુદું કરું દેવું આવશ્યક થઈ જાય છે.

મ્યુકરમાઈકોસીસ બીમારીથી પીડાઈ રહેલ દર્દીઓનો મૃત્યુદર ૫૦% જેટલો ઉંચો જોવા મળતો હોવાથી એક્સપર્ટ સાવધાની રાખવા માટે ખાસ સલાહ આપે છે.

કોરોના વાયરસની આડપેદાશ.

કોરોના વાયરસની સારવાર માટે જે ઇન્જેક્શન કે પછી ડીકસામેથાસોન નામનું સ્ટેરોઈડ આપવામાં આવે છે. આ સ્ટેરોઈડ ઘણું સસ્તું છે એટલા માટે તેની અછત સર્જાઈ શકે તેમ નથી, પરંતુ આ સ્ટેરોઈડથી થતી આડઅસર મ્યુકરમાઈકોસીસની બીમારીને શરીરમાં વિકસવા માટે આદર્શ વાતાવરણની જરૂરિયાત પૂરી પાડે છે.

ડૉ. શાહના કહેવા મુજબ, ‘આઈસીએમઆર (ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ) અને ગુજરાત સરકારની કોરોના વાયરસની સારવારને સંબંધિત ગાઈડલાઈન્સમાં ડીકસામેથાસોન નામના સ્ટેરોઈડનો સમાવેશ કરવામાં આવ્યો છે.’

‘કોરોના વાયરસને સૌથી પહેલા શરીરની રોગ પ્રતિકારક શક્તિ લડત આપે છે તેમ છતાં પણ જો દર્દીને સારું નથી થતું તો ચોથા કે પાંચમાં દિવસે સ્ટેરોઈડનું ઈજેક્શન આપવામાં આવે છે. જયારે કેટલાક કેસમાં ડોક્ટર્સ દ્વારા પહેલા દિવસથી દર્દીને સ્ટેરોઈડ આપી દેવામાં આવે છે જેના લીધે દર્દીના શરીરની ઈમ્યુનીટી સિસ્ટમ સક્રિય થતી નથી.’

‘સાધારણ રીતે ટાઈપ- વન ડાયાબીટીસના દર્દીનું સુગર લેવલ અનિયંત્રિત થઈ જાય છે. જેમના સુગર લેવલને દવા કે પછી ઇન્જેકશનની મદદથી ૧૦૦- ૧૫૦ની નજીક કે પછી બોર્ડરલાઈન ર રહેતું હોય તો તે વધીને ૪૦૦- ૫૦૦ કરતા પણ વધી જાય છે.’

ડૉ. શાહ વધુ જણાવતા કહે છે કે, ‘આજના સમયમાં હજારો- લાખોની સંખ્યામાં કોરોના વાયરસના દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે.’ ‘સારવાર કરનાર ડોક્ટર દ્વારા શરુઆતના તબક્કે જ સ્ટેરોઈડ આપી દેવામાં આવ્યું તેવી સંભાવનાને નકારી શકાય નહી, જેના પરિણામ સ્વરૂપ આ બીમારી આવનાર સમયમાં વધારે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ પરિસ્થિતિ હાલના સમયમાં આવી રહેલ કેસમાં જોવા મળી રહી છે, તે ‘હિમશીલાની ટોચમાત્ર’ હોય તેવી સંભાવનાને નકારી શકાય નહી.’

જાણકારોના કહેવા મુજબ, જયારે દર્દીને સ્ટેરોઈડ આપવામાં આવે છે તે સમયે મ્યુકરમાઈકોસીસ ફૂગને વિકસવા માટે ભરપુર પ્રમાણમાં સુગર મળી રહે છે જેના લીધે તે ફૂગનો વિકાસ ઝડપથી થવા લાગે છે.

આની પહેલા ૧૫- ૨૦ દિવસે જેટલો ફેલાવો જોવા મળતો હતો હાલમાં તેટલો જ ફેલાવો ફક્ત ચાર કે પાંચ દિવસમાં જ જોવા મળી જાય છે.
ફક્ત ડાયાબીટીસ જ નહી પણ સામાન્ય દર્દીઓમાં પણ સુગર લેવલ વધી શકે છે જે મ્યુકરમાઈકોસીસ ફૂગને વિકસવા માટે અનુકુળ વાતાવરણ પૂરું પાડે છે.

મ્યુકરમાઈકોસીસના દર્દીઓ કેટલા?

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા મુજબ, ‘મ્યુકરમાઈકોસીસ બીમારી મોરબી, રાજકોટ કે પછી અમદાવાદ પુરતી સીમિત નહી રહેતા આખા રાજ્યમાં વ્યાપી ગઈ છે. જેના વિષે તંત્રને જાણકારી છે, તેમ છતાં હાલમાં તેના વિષે કોઈ ચર્ચા કરવા ઇચ્છતું નથી.’ ‘કોરોના વાયરસ સંક્રમણ માંથી મુક્ત થનાર દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસનું સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. તેમ છતાં તેને કોરોના વાયરસ અંતર્ગત ક્લાસિફાય કરી શકાય તેમ છે નહી.’

કેમ કે, આ બીમારી ચેપી નથી તેમજ તેને ‘મહામારી’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી નથી. મ્યુકરમાઈકોસીસની અસર આંખ, નાક, ગળા, દાંત પર જોવા મળે છે એટલા માટે દર્દીને જુદા જુદા નિષ્ણાંતો પાસે પોતાની સારવાર કરાવવી પડે છે.’

‘અન્ય કેટલીક બીમારીઓની જેમ મ્યુકરમાઈકોસીસ કેસને સંબંધિત સંખ્યા આરોગ્ય કચેરીમાં નોંધ કરવા માટે કહેવામાં આવ્યું નથી જેના લીધે ગુજરાત રાજ્યમાં કેટલા દર્દીઓ મ્યુકરમાઈકોસીસથી પીડાઈ રહ્યા છે તેનો ચોક્કસ આંકડો મળવો મુશ્કેલ છે.

મ્યુકરમાઈકોસીસીની જેમ જ ગુલિયન- બારી સિન્ડ્રોમથી પીડાઈ રહેલ દર્દીઓની પણ નોંધ રાખવામાં આવી નથી.

તેઓ વધુ જણાવે છે કે, મ્યુકરમાઈકોસીસ બીમારીની સારવાર માટે મલ્ટી સ્પેશીયાલીટી ડોક્ટર્સની આવશ્યકતા હોય છે. કોરોના વાયરસ સામે લડી રહેલ જાહેર આરોગ્ય વ્યવસ્થામાં અન્ય બીમારીઓ માટે બેડની સંખ્યા ઓછી કરી દેવામાં આવી છે, ત્યારે મેડીકલના અભ્યાસક્રમોમાં જ નોંધાયેલ, તેમ છતાં હકીકતમાં ભાગ્યે જ જોવા મળી રહેલ ‘તકવાદી બીમારીઓ’ સમગ્ર વ્યવસ્થા પર વધારાનો બોજ ઉભો કરી શકે છે.

ડીસેમ્બર મહિનામાં આ વિષે રાજ્ય સરકારના અધિક નિયામક ડૉ. દિનકર રાવલ દ્વારા રાજ્યના તમામ જીલ્લા અને મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી અને જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીઓ માટે ‘જાણવાજોગ પરિપત્ર’ કાઢવામાં આવ્યો હતો.

ત્યાર બાદ કોરોના વાયરસની સારવારની પદ્ધતિમાં સુધાર, મ્યુકરમાઈકોસીસની સારવાર પદ્ધતિને પ્રસ્થાપિત કરવા માટે કે પછી જાગૃતિ લાવવાની દિશામાં કોઈ ખાસ પગલા ભરવામાં આવ્યા નથી.

ઉપરોક્ત બાબતમાં અધિકારી દ્વારા વધુ જણાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ સંક્રમણની પહેલી લહેર દરમિયાન બેડ, હાઈડ્રોક્લોરોકવિન, આલ્કોહોલ યુક્ત હેન્ડ સેનેટાઈઝર, માસ્ક અને પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ) કીટનો અભાવ જોવા મળ્યો હતો. જયારે બીજી લહેર દરમિયાન બેડ, ઓક્સિજન, ઓક્સિજન સિલેંડર, રેમડેસિવિર ઇન્જેક્શન વગેરે વસ્તુઓનો અભાવ જોવા મળ્યો છે.

જો કે, હાલમાં મ્યુકરમાઈકોસીસની બીમારી પણ એક લ્હેરનું સ્વરૂપ ધારણ કરી શકે છે. મ્યુકરમાઈકોસીસ બીમારીની એંટીબાયોટિક દવાઓ પોસકોનાઝોલ, વોરીકોનાઝોલ કે પછી આઈસાવુકોના ઝોલ દવાઓનું સીમિત પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે જેના લીધે તેની કીમત ખુબ જ વધારે છે. સંગ્રહખોરી અને કાળાબજારી થવાના લીધે મ્યુકરમાઈકોસીસ બીમારીની દવાઓની અછત વર્તાઈ શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version