એક પછી એક ડેરી વધારી રહી છે દૂધનો ભાવ, અમુલ બાદ મધર ડેરીએ પણ ઝીંકી દીધો સીધો આટલો વધારો

અમૂલ બાદ હવે મધર ડેરીનું દૂધ પણ મોંઘુ થયું છે. હવે ગ્રાહકોએ મધર ડેરીનું દૂધ ખરીદવા માટે વધેલી કિંમત ચૂકવવી પડશે. મધર ડેરીએ દિલ્હી-NCRમાં દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધેલી કિંમત રવિવારથી જ લાગુ થશે. ડેરીએ જણાવ્યું હતું કે ખર્ચમાં વધારાને કારણે દૂધના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. અમૂલ અને પરાગ મિલ્ક ફૂડ દ્વારા ભાવ વધાર્યાના થોડા દિવસો બાદ મધર ડેરીએ ભાવ વધારવા માટે આ નિર્ણય લીધો છે. અમૂલ અને પરાગ મિલ્ક ફૂડ્સે પણ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.

આ રહ્યા નવા ભાવ

મધર ડેરીના એક કિલો ટોકન દૂધની કિંમત દિલ્હી-એનસીઆરમાં 46 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 44 રૂપિયા હતી. એ જ રીતે, ફુલ ક્રીમ દૂધનો ભાવ એક કિલોના પેક માટે રૂ. 57 થી વધીને રૂ. 59, ટોન્ડ દૂધ રૂ. 47 થી રૂ. 49, ડબલ ટોન્ડ દૂધ રૂ. 41 થી વધીને રૂ. 43 અને ગાયના દૂધનો ભાવ રૂ. 49 થી વધીને રૂ. 51 થયો છે. તે જ સમયે, સુપર-ટી દૂધના અડધા લિટરની કિંમત 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થઈ ગઈ છે.

image source

આ શહેરોમાં કિંમતો વધશે

મધર ડેરીએ કહ્યું કે દિલ્હી સિવાય હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવશે. આ સાથે અન્ય સ્થળોએ પણ તબક્કાવાર ભાવમાં વધારો કરવામાં આવશે. ડેરીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ચૂકવણીમાં વધારો કરવાની સાથે તેલ અને પેકેજિંગ મટિરિયલની કિંમતમાં વધારો થતાં ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે જુલાઈ 2021 થી અત્યાર સુધીમાં ખેડૂતોને આપવામાં આવતી રકમમાં 8-9 ટકાનો વધારો થયો છે, પરંતુ તેનો માત્ર 4 ટકા જ ઉપભોક્તાઓએ ઉઠાવવો પડશે.

image source

અમૂલે 1 માર્ચથી ભાવ વધાર્યા હતા

અગાઉ અમૂલ અને ગોવર્ધનએ 1 માર્ચથી દૂધના ભાવમાં વધારો કર્યો હતો. દેશની અગ્રણી FMCG ડેરી કંપની પરાગ મિલ્ક ફૂડ્સ લિમિટેડે ગોવર્ધન બ્રાન્ડ ગાયના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ વધારા બાદ ગોવર્ધન ગોલ્ડ મિલ્કની કિંમત 48 રૂપિયાથી વધીને 50 રૂપિયા થઈ ગઈ છે. એ જ રીતે ગોવર્ધન ફ્રેશનો ભાવ રૂ. 46 થી વધીને રૂ. 48 થયો છે

અમૂલ બ્રાન્ડનું સંચાલન કરતી સહકારી કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાવર, પેકેજિંગ, લોજિસ્ટિક્સ અને પ્રાણીઓના વધતા ખર્ચને કારણે તેની પાસે કિંમત વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.