કોરોના ઓવનમાં આ-આ વસ્તુઓ થઇ શકે છે સેનિટાઇઝ, જાણો આ ઓવન વિશે વધુમાં…
ગ્રોસરી વિગેરે વસ્તુઓને કોરોના ફ્રી કરતું ઓવન વિકસાવવામાં આવ્યું

આ ઓવન માત્ર 10 જ મિનિટમાં વસ્તુઓને કરે છે કોરોનામુક્ત
કોરોના વાયરસ છેલ્લા લગભગ અઢિ ત્રણ મહિનાથી લોકોના જીવનનો જાણે એક ભાગ બની ગયો છે. અને તેનું સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાતું હોવાથી દીવસેને દીવસે કોરોના સંક્રમીતોની સંખ્યા સમગ્ર વિશ્વમાં વધતી જ જઈ રહી છે. અને આ વાયરસના ફેલાવાને અટકાવવા માટે લોકો તેમજ તંત્ર તરફથી અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
અને માટે જ છેલ્લા ડોઢ મહિનાથી લોકડાઉનની સ્થિતિ છે. તેમ છતાં સંક્રમીતોની સંખ્યમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે. માટે જ માત્ર મનુષ્યને જ નહીં પણ જીવનજરૂરીયાતની જે વસ્તુઓ ઘરમાં પ્રવેશી રહી છે તેને પણ સંક્રમિત ગણીને તેને યોગ્ય રીતે સાફ કર્યા બાદ જ તેને વાપરવાનો આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

હાથને વીસ સેકન્ડ સાબુથી બરાબર ધોયા બાદ હાથ પરના જીવાણુંઓ નાશ પામે છે, તો વળી શાકભાજીને સોડાના પાણીમાં ધોવાથી તેના પરના જીવાણુઓ નાશ પામે છે. આજે દરેકે દરેક વસ્તુઓને સ્વચ્છ કરીને જ વાપરવામાં આવી રહી છે જેથી કરીને સંક્રમણથી બચી શકાય. જો કે આ વાયરસ કોઈ વસ્તુને અડવાથી ફેલાય છે કે નહીં તેની નક્કર સાબિતી મળવા પામી નથી પણ ચેતતા રહેવું જ યોગ્ય છે. અને માટે જ આપણે જે નવી વસ્તુને અડીએ છે તેને ડીસઇન્ફેક્ટ કરવાનું જ યોગ્ય સમજીએ છીએ.
અને આ બાબતને ધ્યાનમાં રાખીને જ બેંગલુરુની એક કંપનીએ એક નવું જ ઓવન વિકસાવ્યું છે.આ સ્ટાર્ટઅપનું નામ છે Log9 Materials. તેમણે એક ખાસ પ્રકારનું ‘કોરોના ઓવન’ વિકસાવ્યું છે. આ ઓવન બહારથી આવતા ખાદ્યપદાર્થો તેમજ ઘરમાં રહેલી કોઈપણ વસ્તુને કોરોના વાયરસ કે અન્ય કોઈપણ નુકસાનકારક વિષાણુઓથી મુક્ત બનાવે છે.

‘કોરોના ઓવન’ આ રીતે કરે છે કામ
આ કોરોના ઓવન વસ્તુને ચોખ્ખી કરવા અથવા કહો કે વિષાણું મુક્ત કરવા માટે અલ્ટ્રા વાયોલેટ વિકિરણોનો ઉપયોગ કરે છે. વસ્તુઓને ડીસઇન્ફેક્ટ કરવા માટે અલ્ટ્રા વાયોલેટ જર્મિસાઇડલ ઇરેડિક્શન પદ્ધતિનો અત્યાર સુધી ઉપયોગ થતો આવ્યો છે અહીં પણ તેમજ કરવામાં આવ્યું છે. આ ઓવનમાં તમે વસ્તુઓએ મુકીને તેને તેમાં દસ મિનિટ રાખશો તો તે દરમિયાન તે વસ્તુ પર ચોંટેલા વિવિધ વિષાણુઓ, વાયરસ વિગેરે નાશ પામશે.
આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર છે અક્ષય સિંઘલ તેમણે એક મિડિયા ઇન્ટરેક્શનમાં વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમણે આ ઓવન ખાસ કોરોના ફેમિલિના વાયરસના સેલ સ્ટ્રક્ચર અને તેના લક્ષણોને ધ્યાનમાં રાખીને જ બનાવ્યું છે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આ ઓવન માત્ર બે જ અઠવાડિયામાં તૈયાર કરવામાં આવ્યું છે.

આ ઓવનમાં શુદ્ધિકરણની પ્રક્રિયા માટે એટલે કે સેનેટાઇઝેશન માટે આલ્ટ્રાવાયોલેટ C પ્રકારના શોર્ટ વેવલેન્થથી સજ્જ વિકિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. જે, જે તે વસ્તુ પર ચોંટેલા વિષાણું તેમજ જીવાણુઓના કોષોમાં પ્રવેશે છે અને તેના RNA સ્ટ્રક્ચરમાં કાયમી ધોરણે પરિવર્તન લાવી દે છે. અને આમ કરવાથી કોઈ પણ જીવંત ઓર્ગેનિઝમ એટલે કે માણસ તેમજ અન્ય પ્રાણીઓના શરીર પર તે ચોંટે તો પણ તે પોતાને રેપ્લિકેટ એટલે કે પોતાની સંખ્યામાં વધારો ન કરી શકે. અને આમ થવાથી માણસને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું.
કંપનીએ આ ઓવન બાબતે જણાવ્યું છે કે આ ઓવન કોઈ પણ વ્યક્તિ માટે વાપરવા યોગ્ય અને સલામત છે. બનાવવામાં આવેલું આ કોરોના ઓવનની અંદર 360 ડિગ્રી ઇલ્યુમિનેશન કરાવવામાં આવ્યું છે. જેથી કરીને બધી જ બાજુએથી અંદર મુકેલી વસ્તુ પર યુવી વિકિરણોનો મારો ચલાવી શકાય અને આમ વસ્તુની કોઈ પણ બાજુએ જંતુઓ કે વિષાણુઓ કે પછી જર્મ્સ બચી જવાની શક્યતાઓ નથી રહેતી. કંપની એવું પણ જણાવે છે કે હાલ હોસ્પિટલોમાં વાપરવામાં આવતા UV બોક્ષ કરતાં આ કોરોના ઓવન વધારે સુરક્ષીત છે.

હાલ આવા 150 કોરોના ઓવન બેંગલુરુના 150 પોલીસ સ્ટેશનમાં પ્રયોગના ધોરણે ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. રોગચાળો જે રીતે ફેલાઈ રહ્યો છે અને દિવસે ને દિવસે વિવિધ બીમારીઓ દેખા દઈ રહી છે તે જોતાં ભવિષ્યમાં ક્યાંક સેનિટાઇઝ કરતાં આ ઓવન ફ્રીઝ, ટેલીવિઝન, આરઓની જેમ આપણા જીવનનો એક હિસ્સો બની જાય તો કોઈજ નવાઈ નહીં રહે.
કોરોના ઓવનમાં આ-આ વસ્તુઓ સેનિટાઇઝ થઈ શકે છે
આ કોરોના ઓવનમાં વાસણો, પાણીની બોટલો, ખાદ્યપદાર્થો, ઘરમાં વપરાતા સાધનો, માસ્ક, પીપીઈ કિટ વિગેરે સેનિટાઇઝ થઈ શકે છે. તેમજ આ ઓવન વિવિધ ધાતુઓ, ચામડુ, કાપડ તેમજ પ્લાસ્ટિક વિગેરે પર સમાન રીતે જ અસર કરે છે.

તેમજ આ ઓવનને તમે પ્લગ ઈન કરીને તેમજ બેટરી ઉપર પણ ચલાવી શકો છો. હાલ કંપનીએ આ ઓવન માટે પેટન્ટ નોંધાવવા માટે અરજી કરી છે. કંપનીનું હવે પછીનું લક્ષ આ ઓવનના જથ્થાબંધ ઉત્પાદનનું છે.
શું છે કોરોના ઓવનની કીંમત ?

આ ઓવન ખરીદનારને 20 લીટરનું ઓવન 9,999 રૂપિયામાં પડશે જ્યારે 33 લીટરની ક્ષમતા ધરાવતું ઓવન ખરીદનારને 12,999 રૂપિયામાં પડશે. અને જો તમારે બેટરી સાથે પણ ચાલી શકે તેવું ઓવન ખરીદવું હોય તો તેવા 20 લિટરના ઓવન માટે તમારે 17,999 રૂપિયા ચૂકવવાના રહેશે. બેટરી પાવર્ડ મોડેલનો ઉપયોગ એમ્બ્યુલન્સ, પોલીસવાન કે પછી ગ્રોસરી ડીલીવરી વાનમાં થઈ શકે છે અને ઇમર્જન્સીના સંજોગોમાં પણ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત