માણાવદરના 2 યુવાનોને એવું તો માવાનું બંધાણ કે ડ્રોનથી મંગાવી ફાકી, ટિકટોક વીડિયોએ કર્યા જેલભેગા

રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરાયું છે તેવામાં મોરબીમાં હાલ રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના માણાવદરના બે યુવાન જેને માવાનું જોરદાર બંધાણ હતું કે ફાકીના કારણે જેલ ભેગા થઈ ગયા છે.

image source

મોરબીમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ પોલીસ સઘન રીતે લોકડાઉનું પાલન કરાવી રહી છે તેવામાં ફાકી લેવા બહાર જવું અશક્ય બનતા બે યુવાનોએ માવા મંગાવવા નવો રસ્તો શોધી કાઢ્યો. જો કે એ વાત અલગ છે કે આ હવાઈ રસ્તો તેમને જેલ સુધી પહોંચાડી ચુક્યો છે.

ઘટનાની વિગતો અનુસાર મોરબીમાં રહેતા 29 વર્ષના હિરેન ગરધરીયા અને 26 વર્ષના રવિ ભડાણીયાએ ગેરકાયદે ડ્રોન ઉડાડી તેમાં ફાકી બાંધી લોકો સુધી પહોંચાડવાનું અને ફાકી મંગાવવાનું ગેરકાયદેસર કામ કર્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસને ત્યારે થઈ જ્યારે એક સ્થાનિક પોલીસ અધિકારીના ફોનમાં આ ઘટનાનો ટિકટોક વીડિયો શેર કરવામાં આવ્યો. પોલીસ અધિકારીએ ત્વરીત તપાસના આદેશ આપ્યા અને પોલીસએ ગણતરીની કલાકોમાં આ બંને કારીગરોને ઝડપી પાડ્યા.

ડ્રોનનો ઉપયોગ કરી અને તમાકુવાળા માવા વહેંચવા અને લોકોને એકત્ર કરવાના ગુના બદલ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે જ પોલીસએ તેમની પાસેથી રુપિયા 25000નું ડ્રોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે.

આ સમગ્ર ઘટના આ યુવાનોએ શેર કરેલા ટિકટોક વિડીયોના કારણે પ્રકાશમાં આવી છે. આ બંનેએ માવાની હોમ ડિલીવરી થતી હોય તેવો વીડિયો ટિકટોક પર શેર કર્યો હતો. આ વીડિયો જોઈ ઉત્સાહમાં આવેલા લોકોએ તેને એટલો શેર કર્યો કે તે પોલીસ અધિકારીઓના ફોનમાં પહોંચી ગયો અને કાયદાનું ભંગ થવાની વાત પોલીસના ધ્યાનમાં આવતા તેમણે કડક કાર્યવાહી કરી.