પાનેતર – દુનિયામાં આ એક જ એવો મંડપ હશે જયાં મા અને દીકરીના બન્નેના લગ્ન થયા હોય…

“જે સાવ પોતાની નિકટ છે, જે પોતાનુ જ છે,

તેને મળી ન શકવાની વેદના તમને ખબર છે ???”

મીરાએ મોબાઇલ લગભગ હાથમાં જ પકડી રાખ્યો હતો. કામ કરતા કરતા પણ તેનું ધ્યાન મોબાઇલમાં જ હતું. થોડીથોડી વારે ચેક કરતી કે સંગીનો મેસેજ કે ફોન આવ્યો ? થોડીવારે પાછી સેટીંગ જોઇ લેતી કે સાયલન્ટ તો નથી ને ? પણ ના… મોબાઇલ બરાબર હતો. સંગીનો મેસેજ કે કોલ ન હતો. મીરાને ગુસ્સો આવ્યો, કેવી છે આ છોકરી … લગ્નને પંદર દિવસ બાકી છે અને બહેનપણીની સગાઈમાં ગઇ છે. સગાઇમાં પણ પાછી બે દિવસ અમદાવાદ ગઇ છે…. રાજકોટથી અમદાવાદ… મીરાના હાથ ધ્રૃજી ગયા…. અમદાવાદ શબ્દની સાથે જ પગથી માથા સુઘી ધ્રૃજી ગઇ. ગુસ્સો આવી ગયો સંગી ઉપર… શું જરૂર હતી અત્યારે જવાની ?? એમ નહી કે મમ્મી-પપ્પા સાથે રહીએ… કેટલા કામ બાકી છે… ને અત્યારે બે દિવસ ગઇ છે… સમજતી જ નથી ..

image source

ગુસ્સો કરતા કરતા એક ક્ષણ મનમાં કંઇક ઉગી ગયું. શું મારી મમ્મીને પણ આવા જ વિચાર આવ્યા હશે ? છાતીમાં ડુમો ભરાય ગયો, પણ વિચાર ખંખેરીને પાછી કામે વળગી. સંગી આવે એટલે ભાવિ જમાઇ પાર્થને ઘરે બોલાવવો છે… સંગીની બઘી બહેનપણીને પણ બોલાવવી છે, ભલેને એક સાંજ બઘા આનંદથી વિતાવે… પછી તો સંગી સાસરે જ જવાની છે ને…

ફરી પાછું નજર સામે પોતાની મમ્મી આવી ગઇ. તેની મમ્મીને પણ દીકરીના લગ્ન માટે આટલો જ ઉત્સાહ, ઉમંગ હતો અને પોતે…. હમણાંની મીરા વારેવારે રડી પડતી સંગીની સગાઇ થઇ પછી પણ લગ્નની તૈયારીમાં તે વારેવારે વિચારે ચડી જતી. કયાંક દૂરદૂર ભૂતકાળમાં ચાલી ગઇ હોય તેવું લાગતું. સંગી ઘણીવાર પૂછતી, પણ તે જવાબ ટાળી દેતી.

image source

તેને કેટલીવાર વિચાર આવતા. સંગી આ લગ્ન માટે રાજી તો છે ને ??? પાર્થ તેને ગમતો તો હશે ને ? આમ તો સંગીની મરજીથી જ સગાઇ કરી હતી. સંગી ખુશ હતી એટલે તેને શાંતિ હતી. પણ ફરીથી વિચાર આવી જતો… હું પણ ખુશ હોવાનું નાટક કરતી હતી ને … મારી સગાઇ પણ મરજીથી જ થઇ હતી ને …?? છતાં પણ …..

સંગીના વિચારમાં તે 25 વર્ષ પાછળ જતી રહી. તેના લગ્નની તૈયારી કરતી તેની મમ્મીને તેણે કહ્યું હતું કે મારી બહેનપણીની સગાઇ છે, એક દિવસ જવા દે ને… મમ્મીએ પણ એ વિચારીને જવા દીધી હતી કે લગ્ન પછી તો પતિની મરજી મુજબ જીવવાનું છે, તો અત્યારે ભલેને જઇ આવતી…. અને મમ્મીનો વિશ્ર્વાસ તોડીને… બહેનપણીની સગાઇના બહાને તે રોહન સાથે ભાગી ગઇ હતી. રોહન તેને પસંદ હતો, પ્રેમ કરતા હતા બન્ને, પણ મીરા ઘરમાં કહી શકી નહી. અને મમ્મી – પપ્પાની પસંદગીના છોકરા સાથે સગાઇ કરી લીઘી. લગ્નની તૈયારી ચાલતી હતી… મમ્મી-પપ્પા બહુ ખુશ હતા. કપડાંની ખરીદી થઇ ગઇ હતી. સોનાનો સેટ, જમાઇના ચેન-વીંટી, પાનેતર બઘું જ લેવાય ગયું હતું. પણ રોહનના પ્રેમ આગળ મમ્મી પપ્પાનો પ્રેમ હારી ગયો. મમ્મી પપ્પાને દગો દઇને લગ્નના દસ દિવસ પહેલા રોહન સાથે ભાગી ગઇ. ન વિચાર્યું કે મા-બાપની આબરૂ શું રહેશે ..? લગ્ન પછી એકવાર ફોન કર્યો… પણ પપ્પાએ ગુસ્સામાં કહી દીધું કે તું અમારા મારે મરી ગઇ… બસ પછી મીરાની હિંમત જ ન થઇ.

image source

નાનપણમાં જયારે સંગી મોસાળ, મામા, નાના-નાની વિશે પૂછતી ત્યારે મીરા ગુસ્સે થઇ જતી, પછી રડી પડતી. રોહન સાચવી લેતો. પછી તો સંગીએ પણ સવાલ પૂછવાનું બંધ કર્યું. સંગી 23 વર્ષની થઇ અને તેની સગાઇ પાર્થ સાથે થઇ. લગ્નની તૈયારી કરતા કરતા પણ મીરાને ડર લાગતો કે કયાંક સંગી પોતાની જેમ… તેણે સંગીને કેટલીવાર પૂછયું કે પાર્થ તને પસંદ છે ને ? તું પાર્થ સાથે ખુશ છો ને ? સંગીએ પણ હસીને હા જ કહ્યું હતું… બિલકુલ પોતાની જેમ જ….

લગ્નના દસ દિવસ પહેલાં સંગીએ અમદાવાદ જવાની વાત કરી અને તે ધ્રૃજી ગઇ.. રોહન પાસે દોડી ગઇ. રોહને સમજાવી કે… તને સંગી જાય તેનાથી વાંઘો છે કે અમદાવાદ જાય છે તેનાથી વાંધો છે ?? જવા દે ને… સમજું છે આપણી દીકરી… તું ખોટી ચિંતા કરે છે… પણ મીરાના જીવને શાંતિ કયાં હતી?? એમ તો પોતે પણ સમજુ જ હતી ને… પણ પ્રેમની સામે સમજણ હારી ગઇ.. કયાંક સંગી પણ.. મીરા વારેવારે ધ્રૃજી જતી… કારણ વિના રડી પડતી. વારેવારે મોબાઇલ ચેક કરતી.. આમ તો સંગીએ બે-ચાર મેસેજ કર્યા હતા. આજે રાત્રે આવી જશે એવું કહ્યું હતું.

image source

માણસનું મગજ બહુ વિચિત્ર હોય છે.. સારા સમયે જ ખોટું થવાની શંકા જાગે.. સંગી કયારે આવશે? આવશે તો ખરી ને ?? બસ વિચારતી હતી.. વારેવારે મેસેજ કરતી. સંગીએ ગુસ્સામાં ફોનમાં કહી દીધું…, “મમ્મી ચિંતા ન કર, હું નાની નથી, હવે હું જ સામેથી ફોન કરીશ… તું કરીશ તો હું વાત નહી કરું…” અને સાચે જ તેણે મીરાના મેસેજના જવાબ આપ્યા ન હતા.

સાંજ પડતા તે બાલ્કનીમાં ઊભી રહી. તેની આંખમાં આંસુ હતા. દિલ પર બોજ હતો. રોહન નજીક આવ્યો તો તેના ખભા પર માથું નાખીને રડી પડી. ધોધમાર રડી. રોહને રડવા દીધી. દીકરીના લગ્નનું દુ:ખ કે પોતે મા-બાપથી છૂટી પડી ગઇ એ દુ:ખ.. બઘું દુ:ખ આંસુ સાથે વહેતું હતું. રોહને રડવા દીઘી.. પછી આંસુ લૂછતા કહ્યું… , “રડ નહી.. મારે વાત થઇ ગઇ છે… રાતના દસ વાગ્યા સુઘી આવી જશે.”

બે કલાક બાકી હતા દસ વાગવામાં હજી તો… મીરા દરવાજા સામે નજર કરીધે બેસી રહી… અને દસને પંદર મિનિટે ડોરબેલ વાગી.. મીરા દોડી… બારણું ખોલ્યું તો સંગી… હાશ… આવી ગઇ… મીરાએ તેને જોરથી ગળે લગાડી… સંગીની પાછળ ઊભેલા બે વ્યકિતને જોઇને ઝાટકો લાગ્યો… સપનું છે કે હકીકત તે સમજવા આંખો ચોળી… મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો… ‘તમે ???’ “હા… મમ્મી… હું લઇ આવી છું… તારા મમ્મી-પપ્પા… મારા નાના-નાની…”

મીરા દીકરીને છોડીને માબાપને વળગી. કોણ વધારે રડયું તે કહેવું અધરું થઇ ગયું. થોડીવાર રડીને બઘા ઘરમાં આવ્યા. મીરાના મમ્મી પપ્પાએ મીરાના લગ્ન માટે લીઘેલી તમામ વસ્તુ સાચવી રાખી હતી અને તે લઇને આવ્યા હતા. પાનેતર પણ લાવ્યા હતા.. સંગીના લગ્નના આગલા દિવસે મીરા-રોહનના લગ્ન કરાવ્યા, કન્યાદાન કર્યું અને બીજા દિવસે તે જ મંડપમાં તે જ પાનેતર પહેરીને સંગીના પાર્થ સાથે લગ્ન થયા. દુનિયામાં આ એક જ એવો મંડપ હશે જયાં મા અને દીકરીના બન્નેના લગ્ન થયા હોય…

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત