પતિ અને પત્નીની જીવન જીવવાની યોગ્ય રીત…..

રાહુલે હીનાને કહ્યું, તું મારુ કઈ જ ખરાબ નહીં કરી શકે, કારણ કે તારા પિતામાં તને અને તારા 3 બાળકોને સંભાળવાની હિમ્મત નથી. તું કઈ ભણી તો નથી, મારા વગર તારું થશે શું ? હિના રડતી હતી અને એક હાથમાં તેની છોકરીને લઈને એને શાંત કરતી હતી. તેનો પાંચ વર્ષનો છોકરો તેની સાડીનો છેડો પકડીને ઉભો હતો અને હીનાને શાંત થવા માટે કહેતો હતો. બાળકો રાહુલના આ સ્વભાવને જોઈને ડરી ગયા હતા અને તેની માં પાસેથી દૂર જવા તૈયાર ન હતા. હિનાએ તેના બાળકોને રસોડામાં બેસાડ્યા અને રસોઈ બનાવવાની તૈયારી કરવા લાગી. આવું પહેલી વાર નહોતું થયું કે રાહુલે દારૂ પીને હિના પર હાથ ઉપાડ્યો હતો, આવું તો દર અઠવાડિયામાં એકવાર થતું જ હતું.

જયારે હીના કોલેજના બીજા વર્ષમાં હતી ત્યારે જ તેના પિતાએ તેના લગ્ન કરાવી દીધા હતા. હિનાના પિતા નિવૃત થઈ ગયા હતા અને હીનાની બે નાની બહેનો પણ હતી. તેથી જ હિનાના લગ્ન વહેલા કરવા પડ્યા, કારણ કે તેના પિતાની જવાબદારી થોડી ઓછી થાય. હીનાએ ક્યારેય પણ તેના પિતાને રાહુલના ખરાબ વર્તન વિષે કંઈપણ વાત નહોતી કરી. આ ઝગડાના 2 દિવસ પછી હિનાના કાકા થોડા કામથી શહેર આવ્યા અને હિનાના ઘરે પણ ગયા.

જયારે હીનાએ તેના કાકા જોયા તો તરત જ તે રાહુલે મારેલા નિશાનો છુપાવા લાગી. ત્યાં તરત જ હીનાનો છોકરો બોલ્યો મમ્મી તમે દવા લગાવી લો, તમને દુખતું હશે. હિનાના કાકા બધું સમજી ગયા, પરંતુ કઈ બોલ્યા નહીં, કારણ કે રાહુલ પણ ત્યાં જ બેઠો હતો. થોડીવાર પછી હિનાના કાકા નીકળી ગયા, ત્યારે રાહુલ તેના છોકરાને મારવા લાગ્યો. ત્યારે હિના વચ્ચે આવી અને છોકરાને બચાવ્યો, તેણીએ કહ્યું કે માફ કરી દો, બાળક છે, હવે આવી ભૂલ નહીં કરે. રાહુલે હિના અને તેના છોકરાને ઘણી બહાર કાઢી મુક્યા. આખી રાત બંને માં દીકરો બહાર રડતા રહ્યા અને બંને દીકરીઓ અંદર રડતી હતી. રાહુલ તો ફરીથી દારૂ પીને સુઈ ગયો. હિનાના પાડોશીઓ આવ્યા, તેમણે દરવાજો તોડી નાખ્યો અને અંદરનો નજારો જોઈને બધા આશ્ચ્ર્યચકિત થઈ ગયા. કારણ કે અંદર રહેલી હીનાની બંને છોકરીઓ રડી-રડીને બેભાન થઈ હતી અને રાહુલ દારૂ પીને બેભાન સૂતો હતો.

આ બધું જોઈને હિનામાં હિમ્મત આવી અને તેણે પાણીની ડોલ લઈને રાહુલ પર પાણી ફેંક્યું. તે ગુસ્સામાં ઉઠ્યો અને હીનાને મારવા દોડ્યો. એ સમયે હિનામાં ખુબ જ હિમ્મત આવી ગઈ, કહેવાય છે ને કે માં પોતાના બાળકો માટે કોઈપણનું ખૂન પણ કરી શકે છે. હીનાએ રાહુલને જોરથી ધક્કો માર્યો અને પોતાના ત્રણેય બાળકોને લઈને બીજા રૂમમાં પોતાને બંધ કરી લીધી. રાહુલ હજી નશામાં જ હતો અને પહેલાની જેમ બોલવાનું શરુ કરી દીધું કે મારા વગર તું કઈ જ નહીં અને તું શું કરી શકીશ. મારા વગર ભૂખી મારી જઈશ. ત્યારે હિના જોરથી બૂમ પાડીને બોલી કે ભૂખ્યા મરશું એ ચાલશે, પણ તારા હાથે મરશું નહીં.

બીજા દિવસે સવારે રાહુલના ઉઠતા પહેલા જ હિના ત્રણેય છોકરાને લઈને પોતાના પિતાના ઘરે જવા માટે નીકળી ગઈ. હિનાના કાકાએ તો પહેલાથી જ હિનાના પિતાજીને હીનાની હાલત વિષે વાત કરી હતી, ઘરે પહોંચીને હિના તેના પિતાના ગળે મળીને ખુબ જ રડી. ત્યારે હિનાના પિતાજીએ કહ્યું કે બેટા, મને માફ કરી દે, ખબર નહીં, કેટલા વર્ષોથી તું આ બધું સહન કરે છે, પણ હવે બસ. ભલે હું ગરીબ છું, પણ મારી દીકરીને આવી ખરાબ હાલતમાં પછી નહીં મોકલું. રાહુલ સવારે ઉઠ્યો અને ચા માટે રાડો નાખવા લાગ્યો

જયારે તેણે જોયું કે કોઈનો અવાજ નથી આવતો, તો તે ઉભો થયો અને આખા ઘરમાં હિના અને છોકરાઓને ગોતવા લાગ્યો. પછી તેણે ખબર પડી કે ઘરમાં તો કોઈ નથી. હિના છોકરાઓને લઈને તેના પિતાના ઘરે ગઈ છે. ત્યારે રાહુલ હિનાના પિતાના ઘરે ગયો અને બહારથી જ રાડો નાખવા લાગ્યો કે હવે ક્યારેય પાછી ન આવતી. તારા જેવી મને ઘણી મળશે, તું મારા વગર છે જ શું ? હીનાએ તેના પિતાનો હાથ પકડીને તેમણે રોકી લીધા. હીનાએ કહ્યું કે પપ્પા એને બોલવા દો, એમને કોઈ જવાબ ન આપો, એ પોતે બોલીને અહિયાંથી નીકળી જશે.

રાહુલ આવું બોલીને ગુસ્સામાંથી ત્યાંથી નીકળી ગયો. હીનાએ કહ્યું કે “મમ્મી હવે હું ક્યારેય ત્યાં નહીં જાઉં, એ મને અને મારા છોકરાઓને મારી નાખશે.” તેની માટે કહ્યું કે ચિંતા ન કર બેટા, અત્યારે તું અને બાળકો કંઈક ખાઈ લો અને આરામ કરો. આપણે પછી વિચારસું કે શું કરવું છે. હીનાની નાની બહેન તેના પતિને લઈને આવી ગઈ અને પોતાની બહેનની હાલત જોઈ ના શકી અને કહ્યું કે દીદી તમે હિમ્મત રાખજો, અમારા માટે તમે તમારું ભણતર છોડીને લગ્ન કર્યા હતા. આપણે ભાઈ નથી તો શું થયું, તમે અમારા માટે ભાઈથી પણ મોટું બલિદાન આપ્યું છે, હું એ રાહુલની હાલત ખરાબ કરી નાખીશ.

હીનાની બહેને અને તેના પતિએ મહિલા કોર્ટમાં કેસ કર્યો અને રાહુલને મજબુર કર્યો કે તે હિના અને બાળકોને એમનો ખર્ચો આપે. રાહુલ દર મહિને હીનાને ખર્ચો મોકલાવ લાગ્યો અને સામે રાહુલ અને તેના ઘરની હાલત ખુબ જ ખરાબ થઈ ગઈ. કારણ કે મહિલા વગરના ઘરમાં કોઈ કામવાળી આવવા પણ તૈયાર નહોતી. રાહુલને એક કામવાળી મળી, પરંતુ રાહુલના દારૂ વિષે જાણ થતા જ તેણે કામ છોડી દીધું. હિના તે પૈસા દ્વારા સિલાઈ કામ કરવા લાગી.

થોડા સમય પછી તેમના કોર્ટની તારીખ આવી. કોર્ટમાં સામે મળતા જ રાહુલએ હીનાને કહ્યું, અત્યારે પણ તું મારા વગર કઈ જ નથી, ભલે અલગ રહે છે, પણ ખોરાક તો મારા પૈસાનું જ ખાઈ છે ને. હીનાને આ વાત ખુબ મનમાં લાગી આવી અને તેણે આ ખર્ચ ના કર્યા, પણ એક-એક પૈસા ભેગા કરવાનું શરુ કર્યું. ધીમે-ધીરે હીનાએ પોતાનું એક બુટિક ખોલ્યું અને તે બુટિક સંભાળવા લાગી. હિનાના છોકરાઓ પણ નાના-નાની સાથે ઘરે ખુબ ખુશીથી રહેતા હતા.

એક દિવસ રાહુલ હિના પાસે આવ્યો અને કહ્યું મને માફ કરી દે હિના, ભગવાને મને મારા ખરાબ કર્મોની સજા આપી દીધી છે, મારુ લીવર ખરાબ થઈ ગયું છે અને મારી પાસે લીવર ટ્રાંસપ્લાંટના પૈસા પણ નથી. ત્યારે હીનાએ કહ્યું કે તું શું લેવા આવ્યો છે મારી પાસે ? હું તો તારા વગર કઈ જ નથી ને. રાહુલએ કહ્યું મને માફ કરી દે. સત્ય તો એ છે કે હું તારા વગર કઈ જ નથી. તારા વગર ઘર ઘર જેવું નથી લાગતું અને ઘરમાં કોઈ કામવાળી પણ નથી આવતી. તમારા વગર મારા ચરિત્રને પ્રમાણપત્રની જરૂર પડી ગઈ. કોઈ મને એક કપ ચા પણ નથી પીવડાવતું અને અત્યારે આ લીવરની સમસ્યા, તારા વગર મારી પાસે કઈ જ નથી બચ્યું, ખબર નહીં મારો જીવ પણ બચશે કે નહીં. મારતા પહેલા એકવાર માફી માંગવા આવ્યો છું, તને અને મારા છોકરાને જોવા આવ્યો છું.

ત્યારે હીનાએ કહ્યું ભૂલથી પણ મારા છોકરા પાસે ન જતો અને આ તમારો ચેક પકડો, તમારો એક પણ રૂપિયો મારા અને મારા બાળકો પર ખર્ચ નથી થયો. આ પૈસાથી તમારો ઈલાજ કરાવો અને હવે ક્યારેય તમારું મોં મને ના બતાવતા. રાહુલ ખુબ આશ્ચ્ર્યચકિત થઈને બોલ્યો, આ ચેક ? તો તે છોકરાઓને કેવી રીતે સાચવ્યા. ત્યારે હીનાએ કહ્યું આવી ચિંતા તમારે કરવાની જરૂર નથી, હું તમારો આભાર માનું છું કે તમે મને જણાવ્યું કે તમારા વગર હું શું છું.

એક મહિલા પોતાનું બધું જ છોડીને આવે છે. તમારા મકાનને એક ઘર બનાવે છે. તમારા ઘરના કામથી લઈને તમારા બાળકોને મોટા કરવા અને તેમણે સાચવવા, આ બધાનો અર્થ એ નથી કે એક મહિલા પુરુષ વગર કઈ જ નથી. એક પુરુષ માત્ર પૈસા કમાવવાને જ બધું માને છે, પણ એ લોકો એ નથી જાણતા કે એક મહિલા પણ પૈસા કમાય શકે છે. સત્ય તો એ છે કે એક સ્ત્રી વગર પણ પુરુષનું કોઈ અસ્તિત્વ નથી. પછી હીનાએ કહ્યું કે તમે આ પૈસા લો અને અહીંથી નીકળો. હીનાએ તેના પિતાજી ને કહ્યું કે પપ્પા આને બહારનો રસ્તો બતાવો. રાહુલે કહ્યું મને માફ કરી દે, મારા ખરાબ કર્મોની આ જ સજા છે અને મેં ભૂલ કરી છે, તો હવે હું પસ્તાવો પણ કરીશ, પણ હું તમારી દીકરીને લાયક નથી. ત્યારે હીનાના પિતાજીએ કહ્યું કે તું જ અને તારો ઈલાજ કરાવ, તે ક્યારેય મારી છોકરીને કઈ જ નથી આપ્યું, પણ અત્યારે મારી છોકરી તને એક નવી જિંદગી આપે છે. ત્યારે રાહુલે ચેક લીધો અને મોં નીચું કરીને ત્યાંથી નીકળી ગયો. આપણે કોઈનું દિલ દુઃખાવીએ, તો આપણે ભવિષ્યમાં એ ભોગવવું જ પડે છે. પતિ અને પત્ની એ ગાડીના બે પૈડાં છે, જે સાથે ચાલે તો જ ગુહસ્થીની ગાડી ચાલી શકે. ક્યારેય એક પૈડું બીજા પૈડાંને એવું ન કહી શકે કે મારા વગર તું છો જ શું…