અહીં લોકોના પગ નીચેથી ખસી ગઈ જમીન જ્યારે ઘરની બહાર ઊભેલો જોવા મળ્યો સિંહ

એક શહેરમાં અચાનક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો કારણ કે તેમણે પોતાના ઘરની બહાર સિંહને લટાર મારતો જોયો હતો.

image source

સ્વાભાવિક છે કે સિંહ જેવું ભયંકર પ્રાણી ઘરની બહાર જોવા મળે તો ભલભલાના પરસેવા છૂટી જાય. પરંતુ અહીં ટ્વીસ્ટ એ છે કે સંપૂર્ણ ઘટનામાં સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું.

આ ઘટના સ્પેનની છે. સ્પેનના મોલિના ડે સેગુરા નામના શહેરમાં લોકોએ પોલીસને ફોન કરી જણાવ્યું કે તેમના ઘરની સામે સિંહ ફરી રહ્યો છે. પોલીસ પણ દોડી દોડીને ત્યાં પહોંચી અને જે જોયું તેને જોઈ તે પણ દંગ રહી ગઈ.

પોલીસએ આ મામલે ટ્વીટ કરી સ્પષ્ટતા પણ કરી છે. તેમણે કહ્યું હતું કે તપાસ બાદ જાણવા મળ્યું કે અહીંના લોકોએ એક કુતરાને સિંહ સમજી લીધો હતો જેના કારણે આ ગેરસમજ ઊભી થઈ હતી.

સ્થાનિકોના ફોન આવ્યા બાદ પોલીસએ પણ આ કહેવાતા સિંહને ઝડપી લીધો અને તેના પર લાગેલા માઈક્રોચિપને સ્કેન કરી. માઈક્રોચિપ સ્કેન કરતાં જાણવા મળ્યું કે આ સિંહ નહીં એક પાલતૂ કુતરો છે.

સોશિયલ મીડિયા પર આ સિંહ જેવા દેખાતા કુતરાનો ફોટો પણ વાયરલ થયો છે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. આ કુતરાનું શરીર ખરેખર મોટું છે અને તે દૂરથી સિંહ જેવો લોકોને દેખાયો હતો.

હકીકતમાં આ કુતરાના વાળ એવી રીતે કાપવામાં આવ્યા હતા કે લોકોને તેને જોઈ ગેરસમજ ઊભી થઈ હતી. પોલીસએ કુતરાને ત્યારબાદ સહીસલામત તેના માલિક સુધી પહોંચાડી પણ દીધું.