સાવધાન! પોરબંદરથી મહુવા વચ્ચે રાતે 8 વાગ્યે તાઉ તે વાવાઝોડું ટકારશે

ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત 7 રાજ્યો પર અરબી સમુદ્રમાંથી ઉઠેલા ચક્રવાત ‘તાઉ તે’ નો ખતરો યથાવત છે. 5 રાજ્યોમાં અત્યાર સુધી 11 લોકોનાં મોત નીપજ્યાં છે. આ વાવાઝોડું ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે સોમવારે રાત્રે 9 થી 10 વાગ્યા સુધીમાં ટકરાઈ શકે છે. આ પછી પોરબંદર અને મહુવા (ભાવનગર) વચ્ચે મંગળવારે સવારે વાવાઝોડું પસાર થશે. આ સમય દરમિયાન તોફાનની ગતિ પ્રતિ કલાક 185 કિલોમીટર સુધી હોઇ શકે છે. તે જ સમયે, મહારાષ્ટ્રના મુંબઇ સહિતનાઘણા દરિયાકાંઠાના જિલ્લાઓમાં તોફાનના કારણે રસીકરણ બંધ કરવું પડ્યું છે. અહીં મુંબઇ સહીત ઘણા શહેરોમાં એલર્ટ અપાયું છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આશરે 1.5 લાખ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ કાંઠેથી હજારો મકાનો ખાલી કરાવવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના ડાયરેક્ટર જનરલ (ડીજી) મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે રાજ્યના 17 જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ આ ચક્રવાત દીવ નજીકથી પસાર થવાની શક્યતા છે. રાત્રે 8-20ની સ્થિતિએ આ ચક્રવાત અરબી સમુદ્રમાં વેરાવળથી દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ 510 કિલોમીટરે અને દીવથી દક્ષિણ-દક્ષિણપૂર્વ તરફ દરિયામાં 470 કિલોમીટર દૂર હતુ.

આ અંગે કેન્દ્રીય કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ રવિવારે સવારે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત પડોશી રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક યોજી કેન્દ્ર તરફથી આર્મી, નેવી, એરફોર્સ તેમજ કોસ્ટ ગાર્ડ્સની મદદની તૈયારી બતાવી છે અને આ ટુકડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું આશ્વાસન આપ્યું હતું.

image source

તમને જણાવી દઈએ કે રવિવારે સવારે સમીક્ષાર્થે ભાવનગર પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નવી દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી અને કેન્દ્ર તરફથી ગુજરાતને તમામ મદદની ખાતરી આપી હતી. આ ઉપરાંત કોવિડ હોસ્પિટલોની ખાસ કાળજી લેવા પણ તાકીદ કરી હતી.

તો બીજી તરફ આ વીડિયો કોન્ફરન્સમાં દીવ-દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તથા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ જોડાયા હતા. નોંધનિય છે કે, સીએમ રૂપાણીએ ભાવનગરથી ગાંધીનગર પરત આવી લગભગ સાડા ત્રણ વાગ્યે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર ખાતેથી દરિયાકાંઠાના 15 જિલ્લા ઉપરાંત બોટાદ અને રાજકોટ જિલ્લાના કલેક્ટરો- ડીડીઓ-એસપી-મ્યુનિસિપલ કમિશનરો- પોલીસ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા તંત્રો દ્વારા વાવાઝોડા સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

image source

તો બીજી તરફ ઊર્જા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, અમરેલી, કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 391 કોવિડ હોસ્પિટલોને જનરેટર સેટ પહોંચાડાયા છે, આ ઉપરાંત દરિયાકાંઠાના કુલ 8 હજાર અને એમાં સેન્સિટિવ ગણાતા 800 ફીડર્સ તેમજ પાણી ભરાઈ જવાની શક્યતા ધરાવતા 66 કેવીના 150 જેટલા સબસ્ટેશને અલગ કરી 585 જેટલી ગેન્ગ તૈયાર રખાઈ છે. વાવાઝોડા સામે લડવા રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના ડાયરેક્ટર જનરલ એસ.એન.પ્રધાને માહિતી આપી છે કે 7 જિલ્લામાં એનડીઆરએફની 100થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર ગુજરાતમાં થઈ શકે છે, તેથી એકલા ગુજરાતમાં 50 ટીમો તૈનાત છે.

image source

કયા રાજ્યમાં કેટલા મોત

  • કર્ણાટકના જુદા જુદા જિલ્લાઓમાં તોફાનને કારણે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે.
  • રવિવારે બપોરે 3 વાગ્યે મહારાષ્ટ્રના જલગાંવમાં એક ઝાડ ઝૂંપડી પર પડતાં 17 અને 12 વર્ષની બે બહેનોનું મોત નીપજ્યું હતું. તેની માતાની હાલત નાજુક છે.
  • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે વાવાઝોડાને કારણે રાજ્યમાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે.
  • તમિલનાડુના કન્યાકુમારીમાં દિવાલ ધરાશાયી થતાં 2 લોકોનાં મોત નીપજ્યાં. તેમાં 2 વર્ષના બાળક અને બીજા 36 વર્ષીય વ્યક્તિનો સમાવેશ થાય છે.

સૌથી વધુ અસર ગુજરાત પર

હવામાન વિભાગ કહે છે કે આ ચક્રવાતથી ગુજરાતને સૌથી વધુ અસર થશે. દ્વારકા, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં ઘાસ અને લાકડાથી બનેલા મકાનો સંપૂર્ણ નાશ પામશે, માટીનાં મકાનોને પણ ભારે નુકસાન થશે, પાકા ઘરોને પણ થોડું નુકસાન થઈ શકે છે. ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. વાવાઝોડાના ભયને જોતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને તૈયારીઓની સમિક્ષા કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!