7 ચોપડી ભણીને 15 વર્ષ હિરા ઘસ્યાં, હવે ગુજરાતી સોંગ ડિરેક્ટર બનીને પ્રણવ જેઠવા આખા ગુજરાતમાં ધૂમ મચાવે છે

સિદ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય, ત્યારે આજે એક એવા જ સોંગ ડિરેક્ટરની વાત કરવી છે કે જેનો સંઘર્ષ છાતી ચીરી નાખે એવો છે. કારણ કે જો આપણું બેકગ્રાઉન્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું હોય અને આપણે એ ફિલ્ડમાં હોશિંયાર હોઈએ તો સમજી શકાય એવી વાત છે.

પરંતુ વિચારો કે જેઓ માત્ર 7 ધોરણ જ ભણ્યા અને 15 વર્ષ સુરતમાં હિરા ઘસ્યા. છતાં આજે ગુજરાતી ગીતોમાં ડાયરેક્ટર તરીકે એમનો દબદબો છે. તો આવો જાણીએ ડિરેક્ટર પ્રવણ જેઠવાની સક્સેસ સ્ટોરી.

પરિવાર વિશે વાત કરીએ તો પ્રણવભાઈને એ 3 બહેનો અને એકના એક ભાઈ. પરિવારની પરિસ્તિથિ પણ એકદમ સામાન્ય. કામ કરવા સિવાય કોઈ છુટકો ન હતો. જેથી 7 ધોરણ ભણ્યા બાદ તેઓ આર્થિક ઉપાર્જન માટે સુરત આવી ગયા અને હિરા ઘસવાનું શરૂ કર્યું.

11 વર્ષની ઉમરે જ હિરા ઘસવા લાગ્યા. પરંતુ હિરાની સાથે સાથે તે પણ ઘસાયા અને આજે એટલા ઉજળા થયા કે હવે આખું ગુજરાત તેમને ઓળખે છે.

ગુજરાતનો એક એક ખ્યાતનામ કલાકાર પ્રણવભાઈના કામને વખાણે છે. તેઓ ગુજરાતી સોંગના ડિરેક્શનનું કામ કરે છે અને અત્યાપ સુધીમાં તેણે લગભગ 100થી વધારે ગુજરાતી ગીત ડાયરેક્ટર કરી લીધા છે.

પ્રણવભાઈએ સતત 15 વર્ષ સુધી હિરા ઘસ્યા. તેઓ જ્યારે હિરા ઘસતા ત્યારે એમ થયાં કરતું કે જીવનમાં કંઈક નવું કરવું છે. તેથી જ્યારે જ્યારે પણ કોઈ ગુજરાતી ફિલ્મમાં કે ગીતમાં નાના નાના ઓડિશન આવે તો એ પહોંચી જતા અને કામ મળે તો કરતાં. એ રીતે ધીરે ધીરે આ ફિલ્ડનું જ્ઞાન મેળવતા થયા.

ફોટોગ્રાફી અને ફિલ્મ લાઈનમાં પહેલાંથી જ શોખ હતો. પરંતુ સાથે સાથે કામ શરૂ હોવાથી તેઓ વધારે સમય આપી શકતા ન હતા અને ત્યારબાદ 2017થી ડિરેક્ટર તરીકે ફુલ સમય આપ્યો અને આજે પરિણામ આખા ગુજરાત સામે છે.

ગુજરાતના દરેક ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, જિજ્ઞેશ બારોટ, ગીતાબેન રબારી, ઉમેશ બારોટ, અલ્પા પટેલથી રાકેશ બારોટ, વિજય સુવાડા, ગમન સાંથલ, રસ્મિતા રબારી, દિવ્યા ચૌધરી વગેરે કલાકારો સાથે પણ પ્રણવભાઈએ કામ કરેલું છે..

હાલમાં તેઓ સુરતમાં જ રહે છે અને કામગીરી સરસ રીતે કરી રહ્યા છે. પ્રણવભાઈ હવે આ વર્ષે ગુજરાતી ફિલ્મમાં પણ ડાયરેક્શન કરવા જઈ રહ્યા છે. તેથી હવે તેઓ સોંગ ડિરેક્ટર સાથે સાથે ફિલ્મ ડાયરેક્ટર તરીકે પણ ઓળખાશે.