સો સો સલામ તમારી ઈમાનદારીને, કોરોના કાળમાં પ્રતિક સાવજ સાબિત થયો ગુજરાતનો અસલી ‘સાવજ’

જામનગર જિલ્લાના ડાંગરવાડા નામના નાનકડા ગામમાં ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા મોહનભાઇ અને રૂડીબેન કાકડીયાનો દીકરો ધીરજ બાળપણથી જ ભણવામાં બહુ હોશિયાર. ધો.7 સુધીનો અભ્યાસ ગામની જ સરકારી શાળામાં પૂરો કર્યો. હંમેશા પહેલો નંબર જાળવી રાખ્યો.

મોહનબાપા પોતે ભણેલા નહીં પણ દીકરાને ભણાવી ગણાવીને આગળ વધારવાની એમની અનેરી ઈચ્છા હતી. આગળના અભ્યાસ માટે ધીરજને રાજકોટના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં બેસાડ્યો. સખત પરિશ્રમના પ્રતાપે ગામડાની શાળામાં ભણેલો સામાન્ય પરિવારનો આ છોકરો 1984માં ધો.10ની બોર્ડની પરીક્ષામાં શહેરના છોકરાઓને પણ પાછળ રાખીને સમગ્ર રાજકોટ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આઠમા ક્રમે આવ્યો.

11-12 સાયન્સનો અભ્યાસ કરવા એ અમદાવાદ ગયો. 16 વર્ષની ઉંમરે ધીરજ કાકડિયાએ પહેલી વખત અમદાવાદ જોયું. અમદાવાદના આધુનિક છોકરાઓ સામે ગામડીયા ધીરુએ એવું કાંઠું કાઢ્યું કે ધો.12ની બોર્ડની પરીક્ષામાં પણ એ સમગ્ર અમદાવાદ જિલ્લામાં પ્રથમ અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યો.

image source

બોર્ડ રેન્કર તરીકે રાજ્યની શ્રેષ્ઠ મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હોવા છતાં ધીરજ કાકડીયાએ એન્જીનીયરીંગ પસંદ કર્યું અને ડિસ્ટિંગશન સાથે એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજમાંથી ઇલેક્ટ્રોનિકસ અને કોમ્યુનિકેશન બ્રાન્ચમાં સ્નાતક કર્યું. કોલેજના આ અભ્યાસ દરમિયાન આ છોકરાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી ભારત સરકારના ઉચ્ચ અધિકારી બનવાનું સપનું જોયું અને કોલેજ પૂરી થતાં સપનું સાકાર કરવા માટે સખત મહેનત કરી પરીક્ષાની તૈયારી કરી.

1992માં જ્યારે યુપીએસસી વિશે શહેરના છોકરાઓને પણ પૂરતી જાણકારી નહોતી ત્યારે ગામડાના ખેડૂત પરિવારના આ છોકરાએ ભારત દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરી લીધી અને દૂરદર્શન કેન્દ્ર દિલ્હી ખાતે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક મેળવી. કોઈ કલ્પના પણ ન કરી શકે કે ગુજરાતના એક અંતરિયાળ ગામમાં જ્યાં માંડ એકાદ ઘરે ટેલિવિઝનની સુવિધા હોય એવા ગામનો છોકરો દૂરદર્શન કેન્દ્રનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પણ બની જાય !

2001ના ભૂકંપ વખતે અને 2002ના કોમી રમખાણો વખતે ધીરજ કાકડીયાએ દૂરદર્શનના માધ્યમથી એવું અદભૂત કામ કર્યું કે ભારત સરકારે તેની નોંધ લેવી પડી અને મુંબઇ ખાતે રાષ્ટ્રિય એવોર્ડથી એનું સન્માન થયું. ડાંગરવાડાના આ દીકરાએ એવો તો ડંકો વગાડ્યો કે ભારતના વડાપ્રધાનશ્રી અને રાષ્ટ્રપતિશ્રીએ પણ એની નોંધ લીધી અને એમના વિદેશપ્રવાસને કવરેજ કરવા માટે ડો. ધીરજ કાકડીયાને એમની ટીમમાં સામેલ કર્યા.


16 વર્ષની ઉંમરે પહેલીવાર અમદાવાદ જોનારો ધીરુ 2002માં વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાથે કઝાકિસ્તાન, 2007માં વડાપ્રધાનશ્રી ડો.મનમોહનસિંઘ સાથે કોલંબો, 2007માં રાષ્ટ્રપતિ શ્રી પ્રતિભાદેવી પાટીલ સાથે ઇન્ડોનેશિયા અને 2014માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે અમેરિકાની યાત્રામાં વિદેશ સરકારની મહેમાનગતિ માણી આવ્યા.

ડો. ધીરજ કાકડીયા અત્યારે ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના એડિશનલ ડાયરેક્ટર જનરલ પદે ગુજરાતના હેડ તરીકે એમની સેવાઓ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલું મોટું પદ અને સન્માન પ્રાપ્ત કર્યા પછી પણ પોતાના ગ્રામીણ વિસ્તારના સગા-સંબંધીઓ અને મિત્રો માટે ધીરુ બનીને જ જીવે છે!!

સાધનો અને સુવિધાઓના અભાવ વચ્ચે ઉછરી રહેલા તમામ યુવાનો માટે ડો.ધીરજ કાકડીયા દીવાદાંડી સમાન છે. તમારી જાત પર વિશ્વાસ રાખજો. જો તમારે આગળ વધવું જ હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે.

સૌજન્ય: શૈલેષ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!