Site icon News Gujarat

પત્નીએ આપઘાત કરતાં પતિ હૈયાફાટ રુદન કરી 7 વર્ષની પુત્રીને લઈને તાપીમાં કૂદ્યો; પુત્રીનું મોત, પિતા સારવાર હેઠળ

એક નાના ઝગડાએ મોટું સ્વરૂપ લીધો. પતિ-પત્ની વચ્ચે ચાલતા કોઈને કોઈ વાતો પર ઝગડા થતા જ હોય છે, પણ શું ક્યારેક એવું વિચાર્યું હોય કે આ નાના ઝગડાઓ જીવ પણ લઈ શકે છે. જી હા, આવી જ એક ઘટના સુરત ગામમાં બની. જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝગડાએ ખુબ જ ભયાનક સ્વરૂપ લીધું. શહેરના સરથાણા વિસ્તારમાં સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચેના ઝઘડામાં પત્નીએ ઝેર પી લેતાં ગભરાઈ ગયેલા પતિએ જેલ થશે એવું માનીને પુત્રી સાથે કાપોદ્રા નજીક તાપીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માછીમારોએ યુવકને બચાવી લીધો હતો, પરંતુ માસૂમ બાળકીનું મોત થયું હતું. બીજી તરફ પત્નીનું પણ મોત થયું હતું.

પતિના અગાઉ ડિવોર્સ થયા હતા

મૂળ જૂનાગઢના લીલવા ગામના વતની અને હાલ સરથાણા વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર સંજય ભાણજીભાઈ તળાવિયાની પહેલી પત્ની જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. જલ્પાથી તેને 7 વર્ષીય જિયા નામની દીકરી હતી, જે પિતા સાથે રહેતી હતી. સંજયે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા બાદ જિયાના મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝગડો થતો હતો, તેથી રેખાબેને બુધવારે અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. જેથી સંજય ગભરાઈ ગયો હતો કે પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને જેલ થશે એવું માનીને તે પણ આત્મહત્યા કરવા જિયાને લઈને સવજી કોરાટ બ્રિજ પાસે ભવાની સોસાયટી નજીક ગયો હતો. ત્યાં સંજયે હૈયાફાટ રુદન કર્યા બાદ દીકરી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું.

માછીમારોએ સંજયને બચાવી લીધો

આ દરમિયાન માછલી પકડવાની કામગીરી કરતા રાજેશ ઉગ્રેજીયા સહિત લોકોએ નદીમાં ડૂબતા સંજયને બચાવી લીધો હતો. સંજયને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ત્યાં તેણે કાપોદ્રા પોલીસને જણાવ્યું હતું કે રેખા જીયાને મારતી હતી તેથી તેમની વચ્ચે ઝગડા થતા હતા.રેખાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોડી સાંજે ફાયર બ્રિગેડને જીયાની લાશ મળી હતી. કાપોદ્રા પોલીસે રેખાબેનનાં મોત મામલે અકસ્માત મોત અને સંજય તળાવીયા વિરુદ્ધ જીયાની હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

મૃતક રેખાબેનના અગાઉ ડિવોર્સ થયાં હતા

image socure

35 વર્ષીય રત્નકલાકાર સંજય તળાવિયાના 2018માં જલ્પા સાથે ડિવોર્સ થયા હતા. જ્યારે સંજયની 32 વર્ષીય બીજી પત્ની રેખાના પણ અગાઉ છૂટાછેડા થયા હતા અને તેને પહેલા લગ્નથી એક પુત્ર હતો. બીજી તરફ સંજયની સાત વર્ષીય માસૂમ બાળકી જિયા બીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.

સંજય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

પોલીસે જણાવ્યું હતું કે રેખાબેને ઘરકંકાસથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. પત્નીના વિરહમાં સંજયભાઈએ તેની પુત્રીને સાથે લઈને નદીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બનાવને પગલે પુત્રીનું મોત નીપજ્યું છે. હાલ સંજયભાઈની સરથાણામાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે માતા-પુત્રીનાં મોત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version