જાણો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કેટલો થયો પાણીનો સંગ્રહ

ગુજરાતમાં મેઘરાજાએ જે ગત સપ્તાહમાં દે ધનાધન કર્યું હતું તેના કારણે ગુજરાત પાણી પાણી થઈ ગયું છે. ગત સપ્તાહ પહેલા સુધી તો સરકાર, ખેડૂતો અને લોકોને પણ પાણીની અછત, દુકાળ જેવા ભણકારા સંભળાતા હતા. પરંતુ શનિવાર અને રવિવાર બે દિવસ જે જોરદાર બેટીંગ મેઘરાજાએ કરી તેના કારણે પાણીની ચિંતા દૂર થઈ ચુકી છે. કારણ કે રાજ્યના મોટાભાગના ડેમ છલોછલ થયા છે.

image soucre

ભાદરવામાં પડેલા ભયંકર વરસાદના પગલે એક સમયે તો રાજ્યના મહાનગરોના રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારમાં ગાંડીતૂર નદીઓ રહેણાક વિસ્તારમાં ફરી વળી હતી. આ સ્થિતિમાં અનેક લોકોને ભારે નુકસાન થયું છે અને ઘરવખરી સહિતની વસ્તુઓ નાશ પામી હતી અને જીવનું જોખમ ઊભું થયું હતું. અનેક ગામ બેટમાં ફેરવાઈ જતા લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.

image socure

રાજ્યમાં થયેલા આ સાર્વત્રિક વરસાદને પગલે નાના મોટા દરેક ડેમમાં પાણીની ભરપુર આવક થઈ હતી. જેના કારણે હાલ મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ ચુક્યા છે તો કેટલાક ડેમને વોર્નિંગ સિગ્નલ પર રાખવામાં આવ્યા છે. રાજ્યના તમામ ડેમમાં પાણીની શું સ્થિતિ છે તેના પર નજર કરીએ તો રાજ્યના 200થી વધુ ડેમોમાંથી 71 ડેમો 90 ટકાથી વધુ ભરાઈ ચુક્યા છે. એટલે કે તેમાં જળસંગ્રહ તેની ક્ષમતાના 90 ટકા થઈ ચુક્યો છે. આ સિવાય રાજ્યના આ તમામ ડેમને એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે જો ઉપરવાસથી પાણીની આવક વધારે થશે તો આ ડેમો પણ ઓવર ફ્લો થઈ શકે છે.

image socure

રાજ્યના 20 ડેમ એવા છે જે 80 ટકા ભરાયા છે. આ ડેમોને પણ પાણીની આવકને લઈને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યના 8 ડેમ એવા છે જે 70 ટકા ભારાય છે. રાજ્યના 50થી વધુ ડેમ 100 ટકા ભરાઈ ચુક્યા છે. રાજ્યના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં 66 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

image soucre

સૌરાષ્ટ્રના ડેમોની વાત કરીએ તો અહીંના 140થી વધુ ડેમમાં 77 ટકા પાણીનો સંગ્રહ થયો છે અને 48 ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થયા છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાંથી 3 ડેમ ઓવરફ્લો થયા છે. જો કે હજુ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છના ડેમોમાં પાણીની આવક થઈ નથી. જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 50 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.