Site icon News Gujarat

રાજકોટમાં લોકોના રસોડા બંધ, ભાજપનાં ભજિયાં, કોંગ્રેસનું ચાપડી-શાક અને આપનાં ગાંઠિયા-છાશ માટે લોકોની પડાપડી

આપણે ઘણી વાર સાંભળ્યું જ હશે કે ચૂંટણી ટાણે બધા જ નેતા લોકોને રીઝવવા માટે નીકળી પડે છે અને પછી 5 વર્ષ સુધી તેઓ ક્યાંય દેખાતા જ નથી. એમાં પણ વાત આવે સૌરાષ્ટ્રની ચૂંટણીની તો રાજકીય પક્ષો મતદારોની તાસીર ઓળખી જાય છે અને કોને શેની જરૂર છે એ વિશે પહેલાંથી જ બંદોબસ્ત કરી લે છે.

આ માટેના ફોટો અને વીડિયો પણ વાયરલ થતાં રહે છે. મતદારોને રીઝવવા રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર રસોડા શરૂ કરી દેવામાં આવે છે. ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કંઈક આવો જ માહોલ જામ્યો છે અને ઠેર ઠેર લોકોને જમવાની સુવિધા પુરી પાડવામાં આવી છે.

image source

ત્યારે જો આજે વાત કરીએ રાજકોટના વોર્ડ નં.18માં ચાલતા રસોડાની તો ત્યાં કંઈક અલગ જ પ્રકારનો માહોલ જામ્યો છે અને રાજકારણીઓ પહોંચી ગયા છે. અલગ અલગ પક્ષો લોકોને પોતાની રીતે રીઝવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને જમવાનું આપી રહ્યા છે. જેમાં જોવા મળ્યું હતું કે ભાજપ ભજિયાં, એ જ રીતે કોંગ્રેસ ચાપડી-શાક અને આપ ગાંઠિયા-છાશનો જમણવાર કરાવી રહ્યા છે.

અને એટલા મોટાપાયે આ આયોજન છે કે રાજકીય પક્ષોના જમણવારમાં સોસાયટીઓમાં લોકોએ સાંજના રસોડા પણ બંધ કરી દીધા છે. રાજકીય પક્ષોના આ જમણવારમાં કોના બાપની દિવાળી જેવાં દૃશ્યો પણ જોવા મળ્યાં હોવાની વાત થઈ રહી છે.

image source

આ સાથે જ મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો લોકો ભજિયાં, ગાંઠિયા, ચાપડી-શાકની જિયાફત ઉડાવવા માટે કાયદેસર પડાપડી કરતાં પણ જોવા મળ્યા હતા. લોકો રસ્તા પર જ બેસીને જમી રહ્યા હતા. જો કે આ સીન કોઈ પહેલીવાર નથી જોવા મળ્યા. રાજકોટમાં જ્યારે પણ વિધાનસભા, લોકસભા કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે એટલે લોકોનો સાંજના જમણવારનો ખર્ચ બચી જ જાય છે અને રાજકીય પક્ષોના જમણવારનો જલસો જોવા મળે છે. ત્યારે આજના ભોજન અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આજે કોંગ્રેસનું ચાપડી-શાક આરોગ્યું અને કાલે ભાજપનાં ભજિયાંની મજા પણ લઈશું.

પણ આ બધાની વચ્ચે જ્યારે લોકોને એમ પૂછવામાં આવ્યું કે મત કોને આપશો તો લોકોએ મૌન સેવી લીધું હતું. હાલ તો લોકો મત ક્યા પક્ષને આપશે એનું વિચાર્યા વગર જમણવારનો આનંદ લેતા જોવા મળ્યા હતા. રાજકીય પક્ષોના જમણવારમાં કોરોનાની ગાઇડલાઇન્સનો પણ ભંગ થયો દેખાયો હતો. જમણવારમાં નાનાં બાળકોથી માંડી વૃદ્ધ લોકો પણ તૂટી પડ્યા હતા.

image source

જમણવારની લાલચ આપી આટલી ભીડ એકત્રિત કરી રાજકીય પક્ષો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એમ લોકો માસ્ક વગર જ આંટાફેરા કરી રહ્યા હતા. આ સાથે જ વાત કરીએ તો ઉમેદવારના કાર્યાલય પર ચા-પાણીની કીટલી ફરતી રહે છે. રોજ સેંકડો કપ ચા પીવાય છે.

આ સાથે જ પરિસ્થિતિની વાત કરીએ તો રાજકોટમાં ચૂંટણી લડી રહેલાઓના કાર્યાલયમાં દરરોજ રાતે વાનગીઓની મહેફિલો શરૂ થઈ ગઈ છે. તાવા પાર્ટીઓનું પણ જોરદાર આકર્ષણ કાર્યકરોને રહે છે. રાજકોટના ભદ્ર વિસ્તારોની 100થી 200 પરિવારોના રહેણાક ધરાવતી સોસાયટીઓમાં પણ સિસ્ટમથી ડિનર ચાલી રહ્યું છે. ઉમેદવારના કોઈ ટેકેદાર આવીને પાર્ટીનું નક્કી કરી જાય અને રાત પડે કે તરત કેટરિંગ સર્વિસવાળા આવીને ફટાફટ વાનગીઓ બનાવી નાખે છે.

image source

જમણવાર શરૂ થાય કે થોડીવારમાં ઉમેદવાર પ્રચાર માટે આવી જાય અને થોડી ભાષણબાજી પછી કાર્યક્રમ પૂરો થઈ જાય છે. જો કે હા ડિનર પાર્ટીમાં દેશી વાનગીઓની સાથે સાથે ચાઈનીઝ અને પંજાબી આઈટમો પણ લોકો વચ્ચે ચર્ચાતી રહે છે. હાલ પ્રથમ તબક્કે માત્ર મુખ્ય કાર્યાલય પર તાવડા મંડાયેલા રહે છે, પણ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય તેમ જેટલા કાર્યાલય ખૂલે ત્યાં તાવડા મંડાશે અને જલસો વધતો જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version