આજની પોઝિટિવ સ્ટોરી: ભારત દેશમાં ભલે બધુ થંભી ગયું હોય, પણ રણમાં અગરિયાઓ આપણા માટે મીઠું પકવી રહ્યા છે

20 દિવસથી ભારત દેશ બંધ છે અને હજી 15 કે વધુ દિવસ બંધ રહેવાનો છે. શહેરો-નગરો અને ગામોમાં ભલે બધુ થંભી ગયું

હોય પણ કચ્છના નાના રણમાં અગરિયાઓ (અગરરૂપી ખેતર કરીને મીઠું પકવતા શ્રમિકો) આજે પણ આપણા બધા માટે મીઠું પકવી રહ્યા છે. ધોમધખતા ઉનાળામાં, ખુલ્લા રણમાં, ચામડી તતડાવી નાખે તેવી ગરમીમાં તેઓ મીઠું તૈયાર કરી રહ્યા છે. આપણને મીઠા વગર સહેજે ચાલતું નથી, કોઈ પણ વાનગીમાં આપણે સહજ રીતે તરત મીઠું નાખી દઈએ છીએ, પણ એ મીઠું ખરેખર કેવી યાતનાભરેલી મજૂરી, અનેક આપત્તિઓ, અનેક પડકારો અને તકલીફો વચ્ચે અગરિયાઓ તૈયાર કરે છે તેની આપણને કલ્પના પણ નથી હોતી.

ખારાઘોઢા (પાટડી-સુરેન્દ્રનગર પંથક) વિસ્તારના અગરિયા શ્રી ભરતભાઈ શાંતાભાઈ બામણિયાએ પોઝિટિવ મીડિયાને સેલફોનિક વાતમાં જણાવ્યું કે અત્યારે કચ્છના નાના રણમાં આશરે 2000 પરિવારો હશે, જેઓ મીઠું પકવી રહ્યા છે. અહીં કોરોના નથી કે પછી તેની કોઈ બીક પણ નથી.

ભરતભાઈ કહે છે કે અમને કોરોનાની બીક નથી લાગતી પણ સીધુ-સામાન ખૂટે એટલે ગામમાં તે લેવા જઈએ ત્યારે પોલીસની બીક લાગે છે. તેમણે જણાવ્યું કે સરકારે રેશનિંગમાં બધાને જુદી જુદી વસ્તુઓનો પૂરવઠો આપ્યો છે.

ભરતભાઈએ જણાવ્યું કે ગયા વર્ષે એક થેલા મીઠાના (100 કિલોગ્રામ)ના 26 રૂપિયાનો ભાવ હતો જે આ વર્ષે ત્રણ રૂપિયા ઘટીને 23 રૂપિયા થઈ ગયો છે. અત્યારે અગરિયાના પરિવારો રણમાં જ છે. તેઓ રણમાં કામચલાઉં ઝૂંપડાં બાંધીને રહે છે. સુખદેવભાઈ પટેલના નેજા હેઠળ ગણતર સંસ્થા અગરિયાઓના ઉત્કર્ષ માટે વર્ષોથી અનેકવિધ પ્રવૃતિઓ કરે છે.

ગણતર સંસ્થાનાં ડિરેકટર નિરૂપાબહેન શાહ કહે છે કે શાળાઓમાં અત્યારે રજા હોવાથી કેટલાંક બાળકો પરિવારજનો સાથે રણમાં છે, તો કેટલાંક ગામોમાં છે. અગરિયાઓની નિષ્ઠાને બિરદાવતાં તેઓ કહે છે કે વર્ષોથી તેઓ અનેક પ્રકારની હાડમારીઓ સાથે મીઠું પકવવાનું કાર્ય કરે છે અને આ સ્થિતિમાં પણ કરી રહ્યા છે.

ખરેખર, આવી જોખમી અને કપરી સ્થિતિમાં રણમાં આપણા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા મીઠું પકવતા આ તમામ અગરિયાઓ, તેમને સાથ આપતી મહિલાઓ તથા પરિવારજનોને શત્ શત્ વંદન. તેમના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા ગણતરને સલામ.

(સંપર્કઃ નિરૂપાબહેન શાહ… 9428521201 અને ભરતભાઈ બામણિયા 9714690523) ફોટોસાૈજન્યઃ ગણતર સંસ્થા

આલેખનઃ રમેશ તન્ના

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત