કોરોના વાયરસથી બચવા રીક્ષા ચાલકે બદલી રીક્ષાની ડિઝાઇન, આ જોઈને આનંદ મહિન્દ્રાએ કરી જોબની ઓફર
કોરોના વાયરસથી બચાવવા રીક્ષા ચાલકે બદલી રીક્ષાની ડિઝાઇન, આ જોઈ આનંદ મહિન્દ્રાએ ઓફર કરી જોબ.
કોરોના વાયરસના ચેપને રોકવા માટે 3 મે સુધી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકોને આ વાયરસથી બચવા માટે સામાજિક અંતરની (Social Distancing) અપીલ કરવામાં આવી રહી છે. લોકો સામાજિક અંતરને અનુસરવા માટે નવી નવી રીતો પણ અપનાવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ઇ-રિક્ષાચાલકે તેની રીક્ષાને એવી રીતે ડિઝાઇન કરી હતી કે કોરોના વાયરસથી બચવા માટે સામાજિક અંતરના તમામ નિયમોનું પાલન થતું હતું. આ રીક્ષાની ડિઝાઇન જોઇને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આ રીક્ષા ચાલકને જોબની ઓફર કરી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા એક લોકપ્રિય ઉદ્યોગપતિ છે, તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તેઓ મોટા ભાગે તેમના ટ્વીટ્સ વિશે ચર્ચામાં રહે છે. કોરોના વાયરસના ચેપના ફેલાવાને રોકવા માટે દેશમાં લાગુ લોકડાઉન વચ્ચે આનંદ મહિન્દ્રા એક રીક્ષાચાલકની કામગીરીથી પ્રભાવિત થયા છે અને તેમણે તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. કોરોના વાયરસથી પોતાને અને અન્ય સવારીઓને બચાવવા માટે તેણે આ કેવી અનોખી તરકીબ શોધી કાઢી એ જોઈ આનંદ મહિન્દ્રા આ ચાલકની યુક્તિથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેને જોબની ઓફર પણ કરી છે.
ડિઝાઇન કરેલ આ રીક્ષાનો વીડિયો આનંદ મહિન્દ્રાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
The capabilities of our people to rapidly innovate & adapt to new circumstances never ceases to amaze me. @rajesh664 we need to get him as an advisor to our R&D & product development teams! pic.twitter.com/ssFZUyvMr9
— anand mahindra (@anandmahindra) April 24, 2020
આ રીક્ષાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ પણ સવારી એક બીજાને સ્પર્શ કરી શકશે નહીં. આ રીક્ષામાં રીક્ષા ચાલક સિવાય 4 મુસાફરો આરામથી બેસી શકે છે. દરેક સવારીની બેઠક માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. જેના કારણે કોરોના વાયરસની કટોકટીમાં સામાજિક અંતરના નિયમની સંપૂર્ણ કાળજી લેવામાં આવી છે. તમે પણ આ વિડીયો જોઈ શકો છો.
આનંદ મહિન્દ્રાએ રીક્ષા ચાલકને જોબની ઓફર આપી.

આનંદ મહિન્દ્રાને રીક્ષા ચાલકનો આ વિચાર ખૂબ જ ગમ્યો. તેમણે આ વ્યક્તિને જોબની ઓફર કરી છે. આનંદ મહિન્દ્રાએ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઓટો અને ફાર્મ સેક્ટર) રાજેશ જેજુરિકરને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમમાં એડવાઇઝર તરીકે આ ચાલકની નિમણૂક કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું, ‘આપણા દેશના લોકોની ઝડપી નવું શોધવાની અને નવા સંજોગોમાં અનુકૂલન કરવાની ક્ષમતા જોઈને મને હંમેશાં આશ્ચર્ય થાય છે.’
હાલમાં આ વીડિયો ક્યાંનો છે તે તો જાણી શકાયું નથી. પરંતુ વીડિયો જોતા રીક્ષા ચાલક પશ્ચિમ બંગાળનો હોય એવું લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે વિડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ કહે છે કે તેને કોરોના ઇનોવેશન કહેવામાં આવે છે. રીક્ષા ચાલકે રીક્ષાને ચાર ચેમ્બરમાં વહેંચી દીધી છે.