એક જ સ્થળ પર હિંદુ, મુસ્લીમ, શીખ અને ઈસાઈ ધર્મની દીકરીઓના કરાવાયા લગ્ન, લગ્નસ્થળ પર સર્જાયા અદ્ભુત દ્રશ્યો

સુરત શહેર હાલ ખૂબ ચર્ચામાં છે. અહીં થતી ચર્ચાનું કારણ છે પીપી સવાણી ગૃપ દ્વારા આયોજિત ભવ્ય લગ્નોત્સવ. ચુંદડી મહિયરની નામથી યોજાયેલા આ સમુહ લગ્નોત્સવમાં 100થી વધુ કન્યાઓના લગ્ન યોજયા હતા. આ લગ્નોત્સવમાં પહેલા દિવસે સવારે 65 અને સાંજે 70 કન્યાઓના લગ્ન થયા હતા. આ લગ્ન ચેતન્ય વિદ્યાસંકુલના કેમ્પસમાં યોજાયા હતા. આ લગ્નોત્સમાં બે દિવસની અંદર 300 કન્યાઓ લગ્નના બંધનમાં બંધાશે. અને તેમના લગ્નમાં માવતર બનશે પીપી સવાણી ગૃપ…

મહત્વનું છે કે અગાઉથી આ લગ્નોત્સવનું આયોજન થઈ ચુક્યું હતું પરંતુ છેલ્લા 2 દિવસમાં બદલાયેલા વાતાવરણના કારણે લગ્ન ખુલ્લા મેદાનમાં નહીં પણ શાળા સંકુલમાં કરવામાં આવ્યા હતા. આ તકે એક અનોખો સંયોગ રચાયો હતો. અહીં એક તરફ હિંદી વિધિથી લગ્ન થતા હતા અને મંત્રોચ્ચાર ચાલતા હતા અને બીજી તરફ મુસ્લીમ દીકરીના નિકાહ થઈ રહ્યા હતા. જ્યારે ત્રીજી તરફ ઈસાઈ વિધિથી લગ્ન થઈ રહ્યા હતા અને એટલું જ નહીં અહીં શીખ વિધિથી પણ લગ્ન થઈ રહ્યા હતા. આ પ્રકારના દ્રશ્યો જોઈ લોકોના મન પણ ગદગદ થઈ ગયા હતા.

આ લગ્નોત્સવમાં વિવિધ સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. આ લગ્નોત્સવમાં પહેલીવાર એક સાથે ચાર અલગ અલગ ધર્મની દીકરીઓના વિધિ અનુસાર લગ્ન થયા હતા. ખાસ વાત એ પણ છે કે અહીં ખાસ દીકરી પુજન કરવામાં આવ્યું હતું જેની શરુઆત આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ કરી હતી. તેણએ પોતાની પુત્રવધુ અને દીકરીનું પૂજન કરી દીકરીઓનો મહિમા જણાવ્યો હતો. ત્યારબાદ તમામ મહેમાનો અને દીકરીઓના સાસુ-સસરાએ પણ દીકરી પૂજન કર્યું હતું.

લગ્નમાં 300 એવી દીકરીઓના કન્યાદાન થયા તેમના માથે પિતાનો હાથ ન હતો. આ લગ્નોત્સવને ચાર તબક્કામાં યોજવામાં આવ્યો હતો. 300 દીકરીઓના પિતા બની મહેશ સવાણીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટું પુણ્યનું કામ કર્યું હતું.

આ સાથે જ તેમણે કહ્યું હતું કે સાસરે જતી દીકરીઓને સાસરીવાળઆ દીકરાનું જ સ્થાન આપે તેવી પ્રાર્થના છે. તેમણે દીકરાના માતાપિતાને વિનંતી કરી હતી કે તેઓ જે દીકરીને ઘરે લઈ જાય છે તેનું જતન કરે.

દીકરીઓને પણ તેમણે પાલક પિતા તરીકે કહ્યું હતું કે તેઓ સાસુ-સસરાને માતાપિતા, નણંદ, દેરાણી, જેઠાણીને બહેન માની સાસરીમાં રહે અને પરિવારને એક તાંતણે બાંધી રાખે. તેઓ ભવિષ્યમાં ઉત્તમ માતા બને તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.

મહત્વનું છે કે આ ભવ્ય લગ્નોત્સવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કોંગ્રેસના નેતાઓ પણ હાજરી આપવા પહોંચ્યા હતા.