28 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના આટલા જિલ્લા પર તોળાતું વરસાદી સંકટ, દક્ષિણ ગુજરાત પણ વરસાદની રડારમાં

ચોમાસું આ વખતે રહી રહીને બઘડાટી બોલાવી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભર ભાદરવે જ્યારે સામાન્ય રીતે તડકા તપતા હોય તેના બદલે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે અને મેઘરાજાએ ધોધમાર વરસવાનું યથાવત રાખ્યું છે. તેવામાં આ વાતાવરણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતમાં વધારે દિવસો સુધી જોવા મળે તેવી સંભાવના છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી કેટલાક દિવસો સાર્વત્રિક વરસાદ થશે તેવી આગાહી કરી છે.

image soucre

રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે ત્યારે હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે. રાજ્યમાં ઘણા દિવસોથી વરસાદ થઈ રહ્યો છે જેના કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે અને નદીઓ ગાંડીતૂર થઈ રહી છે. સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહી શકે છે.

image soucre

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું જણાવવું છે કે આ વખતનો વરસાદ રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે થઈ શકે છે.

image soucre

ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરુઆત સુધી લોકોને પાણીની ઘટની ચિંતા સતાવતી હતી. પરંતુ ગત સપ્તાહમાં થયેલા ધોધમાર વરસાદને પગલે પાણીની ઘટ દૂર થઈ છે. જો કે ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સ્થિતિ ચિંતાજનક પણ બની હતી. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર માટે આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં મોરબી, ગીર સોમનાથ, જામનગરમાં અને ગુજરાતમાં વાપી, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 28 સપ્ટેમ્બર સુધી વરસાદી વાતાવરણ રહેશે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

image soucre

રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આ વખતે હવામાન વિભાગે જેટલી વખતે વરસાદની આગાહી કરી છે તેટલી વખત વરસાદ થયો છે. ત્યારે આ વખતે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સતર્ક છે.