સૌરાષ્ટ્ર યુનિર્વસિટીના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારા તારણો, 50 ટકા વિદ્યાર્થીઓ ભારતના બદલે વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે

વિદેશોમાં જઈને ભણવા અને આગળ સેટલ થવાના સપના ઘણા ભારતીય વિદ્યાર્થીઓ જોવા લાગ્યા છે, ખાસ કરીને ત્યાંના સારા શિક્ષણ અને ઉચ્ચ જીવનસ્તરની ઘેલછા દરેક ભારતીય યુવાનને ત્યાં જવા માટે મોહી રહી છે, વિદેશોમાં જે આઝાદી ભારતીય યુવાનોને મળી રહી છે તેનો કઈંક અંશનો અભાવ હાલમાં ભારતીય યુવાનો અહીંના વાતાવરણમાં અનુભવી રહ્યા છે, જેને લઈને વિદેશોમાં ભારતીય યુવાનોમાં વિદેશગમનનું પ્રમાણ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી એક મહત્વનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો, કે જેમાં મુખ્ય રીતે એવા કયા પરિબળો છે કે જે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશ જવા ભણી ખેંચી રહ્યા છે. તે બાબતોને લઈને અભ્યાસ કરવામાં આવ્યો હતો.

image soucre

આ સંદર્ભે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ.ધારા આર. દોશી તથા ડૉ. હસમુખ એમ. ચાવડા દ્વારા મનોવિજ્ઞાન ભવન અધ્યક્ષ ડૉ. યોગેશ એ. જોગસણના માર્ગદર્શનમાં 1710 લોકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ચોકાવનારા તારણો સામે આવ્યા છે જે નીચે મુજબ છે.

ઉચ્ચ અભ્યાસ માટે તમે ક્યા દેશને પસંદ કરશો? તેના જવાબમાં 50% લોકોએ ભારત જણાવ્યું, 20.40 % કોરિયા કહ્યું, 10.40% કેનેડા કહ્યું, 10.20% લોકોએ અમેરિકા કહ્યું અને 8.00% લોકોએ ઓસ્ટ્રેલીયા કહ્યું તથા 1.00% લોકોએ દુબઈ કહ્યું.

તમને ક્યાં દેશની સ્ત્રીઓ સૌથી વધુ સ્વતંત્ર હોય છે તેવું લાગે છે.?* તેના જવાબમાં 27.50% લોકોએ અમેરિકા કહ્યું, 39.20% લોકોએ કોરિયા જણાવ્યું, 7.20% લોકોએ ભારત કહ્યું, 14.10% ઓસ્ટ્રેલીયા, 9.00% લોકોએ કેનેડા અને ૩% એ દુબઈ જણાવ્યું.

image soucre

તમને કઈ સંસ્કૃતિ સૌથી વધારે પસંદ છે?* આ પ્રશ્નના જવાબમાં 55.70% લોકોએ પાશ્ચાત્ય સંસ્કૃતિ કહ્યું અને 44.30% લોકોએ ભારતીય સંસ્કૃતિ કહ્યું.

ભારતીય શિક્ષણ અને વિદેશી શિક્ષણમાંથી કયું શિક્ષણ શ્રેષ્ઠ તમને લાગે છે?* આ પ્રશ્નના જવાબમાં 56.70% વિદેશી શિક્ષણ અને 43.30% ભારતીય શિક્ષણ લોકોએ કહ્યું.

જો કે હાલના સર્વેમાં અમુક ખૂબ જ ચોંકાવનારા તારણો સામે આવ્યા, જેમાં જાણવા મળ્યું કે લોકોના વિદેશ જવાના પરિમાણો અને માપદંડો હવે બદલાઈ રહ્યા છે, એના માટે પણ ખાસ કરીને કોરોના કાળમાં બનેલી ઘટનાઓ પણ ઘણી જવાબદાર છે, હવે લોકોમાં પશ્ચિમી યુરોપ કે અમેરિકા અને કેનેડાના આકર્ષણમાં ખાસ વધારો થયો નથી, પણ લોકોને હવે એક એશિયન દેશમાં ઘણો રસ પડ્યો છે, અને તે દેશ કોરિયા છે. આ દેશ વિશે ઈન્ટરનેટ પર ઘણું બધું સર્ચ કરવામાં આવ્યું છે, લોકોમાં કોરિયન સંસ્કૃતિ પ્રત્યે મોહ વધતો જાય છે. ખાસ કરીને કોરિયન કલ્ચરમાં લોકડાઉન દરમિયાન કે-ડ્રામા, કે-પોપ અને કે-મૂવીઝની લોકપ્રિયતા અને વપરાશ વધ્યો છે. કે-નાટકો, કે-પોપ, કે-બ્યુટી અને કે-ભોજનથી માંડીને કોરિયન ભાષા પ્રત્યે ભારતમાં કોરિયન પ્રત્યે ઈન્ટરેસ્ટ વધી રહ્યો છે. દેશભરના યુવા ભારતીયો BTS જેવા K-pop બેન્ડ્સની ડાન્સ મૂવ્સની નકલ કરી રહ્યા છે. લોકો લોકડાઉનના સમયમાં કોરિયન મનોરંજન સામગ્રીની સાથે ગાઢ સંપર્કમાં આવ્યા, અને આ તેમના માટે એક અવિસ્મરણીય અનુભવ રહ્યો. એક નવી ફ્લેવર મળી, લોકોને હવે કોરિયા ઘણું આકર્ષી રહ્યું છે, તેઓ તેની ભાષા શીખી રહ્યા છે. અને તેની સાથે સાંસ્કૃતિક વળગણ અનુભવી રહ્યા છે.

image source

વિદેશ જવાનું વળગણ વિદેશી અને પશ્ચિમ સંસ્કૃતિ હોઈ શકે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં આંતરિક સુખની વાત કરવામાં આવી છે. અને આંતરીક સુખ શાંતીને પ્રાપ્ત કરવા માટે વિવિધ પધ્ધતિ જેવી કે યોગા, ધ્યાન વગેરેનો અભ્યાસ કરવો પડે છે. જ્યારે પશ્ચિમ સંસ્કૃતિ ભૌતિકવાદની વાત કરે છે જેના માટે બાહ્ય વસ્તુઓ જ મહત્વપૂર્ણ છે તે આંતરિક સુખની વાત કરતા નથી. આંતરિક સુખ અને આંનંદ મેળવવામાં સમય લાગે છે અને યુવાનો આ સમયને વેડફવા માંગતા નથી પરિણામે તેઓ વિદેશગમન તરફ આગળ વધી રહ્યાં છે. જો કે હવે જે રીતે ભારતમાં કોરિયન સંસ્કૃતિનું વળગણ વધ્યું છે તેને લઈને એવું પણ માની શકાય કે યુવાનોને માત્ર એક પશ્ચિમી દેશોના વળગણ સમજીને તોલી શકાય નહીં

આની સાથે જ વિદેશી પ્રચાર પ્રસરા માધ્યમોની અસર પણ ભારતીય યુવાનોના મન મસ્તિષ્ક પર વધી રહ્યા છે, ખાસ કરીને હાલના ઓટીટીના જમાનામાં વિદેશી સીરીઝ અને ડ્રા્મા જેવી ઘણી મનોરંજન સામગ્રી સાવ સસ્તામાં અથવા તો ઘણા પ્લેટફોર્મ પર મફતમાં પીરસાઈ રહી છે, એમાં લોકડાઉન ખુલ્યા બાદ જે મૂવીઝ સિનેમાના બારણે સૌથી પહેલા ટકોરા મારી રહી હતી તેમાં ભારતીયની જગ્યાએ વિદેશી ફિલ્મો સૌથી વધુ હતી અને જે વર્ગ સૌથી પહેલા તેને જોવા માટે ગયો હતો તે ભારતીય યુવા અને ટીન વર્ગ જ હતો. આઈએમડીબી પર સ્ટાર્સ જોવા, ઈન્ટરનેટનું સતત કનેક્શન, સસ્તા ભાવે વાઈફાઈ મળવું આ બધું દુનિયા સાથે કનેક્ટ તો કરે છે, દુનિયા સાથેના કનેક્શનની બારી ઉઘાડે છે. પણ તેને બંધ કરવાનુ કે તેમાંથી બ્રેક લેવાનું શીખવતું નથી, તેથી યુવાનો આસપાસમાં શું છે તેના બદલે ઓટીટી પર કે વિદેશોમાં શું ટ્રેન્ડિંગ છે. તેના વિશે વધુ મત ધરાવતા હોય છે.

સાથે સાથે જે વિવિધ પ્રચાર પ્રસાર માધ્યમોની અસર પણ ખુબ જોવા મળી રહી છે. પ્રચાર પ્રસાર માધ્યમમાં વિદેશી સંસ્કૃતિની વાતો જે શણગાર કરીને રજુ કરવામાં આવે છે તેના કારણે પણ લોકોને ખાસ યુવા વર્ગ આપણી સંસ્કૃતિથી વિમુખ થવાનો ભય છે. કેટલાક પ્રચારના માધ્યમો ભારતીય સંસ્કૃતિ ની જે મજાક બનાવે તેની અસર પણ આજના યુવામાનસ પર પડી હોય તેવું લાગી રહ્યું છે.* કાઉન્સેલિંગ માટે આવતા લોકોના પરિવારજનોએ એ પણ ભય વ્યક્ત કર્યો છે કે અમારા સંતાનો અલગ જ ભાષામાં અજાણી વ્યક્તિઓ સાથે વાત કરતા હોય એ બીક લાગે છે કે કોઈ એવી ગેંગ કે લોકો સક્રિય થયા છે જે આપણી સંસ્કૃતિની નિષેધાત્મક વાતો યુવા માનસમાં ઉતારી રહ્યા છે.

image soucre

હાલ સુધીમાં ૨૭ જેટલા ટીનએજરોના પરિવારોએ મનોવિજ્ઞાન ભવનમાં આવીને પોતાના સંતાનો વિદેશ તરફની આંધળી દોટ મૂકી છે અને ઓનલાઈન શિક્ષણની આડમાં વિદેશી લોકોની જાળમાં ફસાયા છે તેવી ફરિયાદો સાથે ધા નાખી હતી અને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ થાય તેવી માગણી કરી હતી. વિદેશી લોકોએ તરુણ અને તરુણીઓનું કરેલ બ્રેઈનવોશ પુનઃસ્થાપિત કરવા મનોવિજ્ઞાન ભવન કાઉન્સેલિંગ કરી રહ્યું છે. આ સર્વે દરમિયાન 270 વાલીઓ સાથેની વાતચીતમાં એ આક્રોશ જોવા મળ્યો કે ઇન્ટરનેટના માધ્યમથી ભારતીય સંસ્કૃતિ પર મોટો પ્રહાર થાય છે એવું 72% વાલીએ સમર્થન કર્યું અને કહ્યું કે આપણી સંસ્કૃતિની રક્ષા કરવી આ ગ્લોબલ ઇન્ટરનેટના યુગમાં મુશ્કેલ છે. 50% વાલીઓએ જણાવ્યું કે ઈન્ટનેટને કારણે દુનિયા ભલે મુઠ્ઠીમાં આવી હોય એવું લોકો માનતા હોય પણ ખરેખર તો ભારતીય સંસ્કારનું મર્ડર થાય છે. આમ આ એક પ્રકારે પેઢી વિરુદ્ધ પેઢી જેવી માનસિકતા બની રહી છે, આ એક એવી સીમા છે જે ઘસાઈ જવાના બદલે ઘણી ધારદાર બની રહી છે.

ચોથું ધોરણ ભણતી એક છોકરી સતત કોરિયન ભાષામાં વાતો કરતી રહેવાથી તેના પિતાએ ઠપકો આપ્યો અને પોતાને કોરિયન ભાષા નથી આવડતી એવું કહેતા તેના પિતા સાથે તેણે બોલવાનું બંધ કરી દીધું. આ છોકરીને કોરિયન ભાષા નું એટલું ઘેલું છે કે તે સતત કોરિયન વિડીયો, સોંગ જોયા કરે છે.

એક વિદ્યાર્થીની જીદને કારણે તેને કેનેડા ભણવા મોકલી, પાપા ખુબ જ સારા પગારની રાજકોટમાં નોકરી કરતાં. હવે દીકરીની જીદને કારણે પિતાએ VRS લઈને કેનેડા જવુ પડ્યું છે. માતા પિતા બન્ને જવા માંગતા નથી પણ દીકરા દીકરીની જીદે અહીંની આરામદાયક જિંદગી પડતી મુકીને વિદેશના ધક્કે ચડ્યા છે.

એક 25 વર્ષની યુવતી સતત લગ્ન માટેની ખાસ કરીને ભારતીય યુવક સાથે લગ્ન કરવાની ના નું રટણ લગાડી બેસી રહી છે. કારણ જાણતા ખબર પડી કે તેને ભવિષ્યમાં ખુબ અમીર જીવન જીવવું છે જે અહી શક્ય ન હોય તેને વિદેશગમન જ કરવું હતું.

10માં ધોરણમાં ભણતી છોકરી કોરિયન આઇડલ બનવા માગતી હોય ઘરેથી કોઈને કહ્યા વગર ફ્લાઈટમાં દિલ્હી પહોંચી ગઈ. ત્યાં ભય લાગતા તેણે પોતાના મામા અને પાપા નો સંપર્ક કરી કહ્યું મને પાછું આવવું છે તેની વ્યવસ્થા કરી દયો. વાતચીત કરતા જણાયું કે છેલ્લા એક વર્ષથી આ છોકરી કોરિયન લોકોના સોશિયલ માધ્યમ થકી સંપર્કમાં છે. તે અલગ અલગ ડાન્સિંગ સ્ટાઇલ જોવે અને ગીતો જોઈ તેને ફોલો કરતી. ઓનલાઈન ઓડિશન આપવા તે ઘરેથી ચોરી કરીને બેંગ્લોર પહોંચી. તેને ભય હતો કે અહીંથી તેને કોઈ ઓડિશન નહિ આપવા દે. કોરિયા વિશેની બધી માહિતી તેણે સોશિયલ સાઇટ્સના માધ્યમથી મેળવી. તેનાં પરિવાર જનોનું માનવું છે કે કોઈ કોરિયન ભાષામાં તેને ગાઈડ કરે છે અને આ તરુણી તેનાં દરેક કમાન્ડ અનુસાર જ ચાલે છે.

image soucre

એક 18 વર્ષના યુવકના મનમાં એક જ વાત ઘર કરી બેસી ગઈ કે ભવિષ્યમાં રૂપિયા કમાવવા હોય તો વિદેશ જ જવું જોઈએ. તેમાં પણ ખાસ કરીને કોરિયા જ્યાં ખૂબ આનંદ કરવા મળી શકે. તેણે પોતાની માતાની અવદશા જોઈ છે જેણે તેના મનમાં એક ભય મુક્યો છે ભારતમાં સ્ત્રીઓની દશા ખરાબ છે.

21 વર્ષના યુવકે વિદેશ જવા માટે પોતાના ઘરેથી રૂપિયા ચોરી ભેગા કરવાની શરૂઆત કરી. કેટલી રકમ ભેગી થી તેનો તે સરવાળો માંડી કેટલા બાકી રહ્યા તેની યાદી કરતો. ઘરમાં ખબર પડી જતા તેણે સ્વીકાર્યું કે અહી લાગણીમાં રહી જીવન જીવવું નથી. મારે પ્રેક્ટીકલ બની વિદેશ જ સેટલ થી જવું છે. ત્યાની જાહોજલાલી જ અદ્ભુત છે.