દેશ માટે સંકટનો સમય સર્જાતા રાષ્ટ્રપતિના પત્નીએ પણ હાથમાં લીધું મહત્વનું કામ
દેશમાં કોરોના વાયરસની મહામારીએ જે વિકટ પરિસ્થિતી સર્જી છે તેના કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉન ચાલી રહ્યું છે.

તેમાં જરૂરીયાતમંદ લોકોની મદદ માટે દેશના દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને આવડત અનુસાર મદદ કરી રહી છે. તેવામાં દેશના પ્રથમ મહિલા એટલે કે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની શ્રીમતી સવિતા કોવિંદ પણ એક મહત્વના કામ માટે આગળ આવ્યા છે.
શ્રીમતી સવિતા કોવિંદ જાતે સિલાઈ મશીન પર બેસી અને લોકો માટે કોરોનાથી બચવાનું કવચ એટલે કે ફેસ માસ્ક તૈયાર કરવા લાગ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા શક્તિ હાટમાં બેસી અને જરૂરીયાત મંદ માટે માસ્કની સીલાઈ કરી રહ્યા છે.
જેમ દેશના વડાપ્રધાનએ પણ અગાઉ કહ્યું હતું કે માસ્ક તરીકે કપડાનો ઉપયોગ પણ કરી શકાય છે. આ વાતને ધ્યાનમાં રાખી તેઓ કપડામાંથી માસ્ક તૈયાર કરી રહ્યા છે. આ માસ્ક દિલ્હીના આશ્રય સુધાર કેન્દ્ર અને અલગ અલગ શેલ્ટર હોમમાં મોકલાશે. જો કે માસ્ક બનાવતી વખતે શ્રીમતી સવિતા કોવિંદે ખુદ પણ માસ્ક પહેર્યું છે.

શ્રીમતી સવિતા કોવિંદની આ તસવીર અને આ કામની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. દેશના પહેલા મહિલા હોવાનો હોદ્દો ધરાવતા તેઓ જાતે સિલાઈ મશીન પર કામ કરી રહ્યા છે આ વાત અન્ય લોકોને પણ પ્રેરણા આપી તેવી છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલો કોરોનાનો કેસ નોંધાયા બાદ કોરોના વાયરસ જેટસ્પીડથી દેશભરમાં ફેલાઈ ચુક્યો છે. હાલ આ વાયરસથી 21,000થી વધુ લોકો સંક્રમિત થયા છે અને મૃત્યુ આંક 680થી વધી ચુક્યો છે. દુનિયાભરના લાખો લોકો કોરોનાના ખપ્પરમાં હોમાઈ ચુક્યા છે.

જો કે ભારતમાં સમયસર લોકડાઉન જાહેર કરી દેવાથી દેશમાં સ્થિતિ અમેરિકા, ચીન, ઈટલી જેટલી ખરાબ થઈ નથી. જો કે આ લોકડાઉનના કારણે અનેક લોકોના ધંધા-રોજગાર અટક્યા છે અને તેઓ બે સમયના ભોજન માટે પણ અન્ય પર આધાર રાખી રહ્યા છે. આવા જ લોકોની મદદ અને તેમની સુરક્ષા માટે શ્રીમતી સવિતા કોવિંદ ઉમદા કામ કરી રહ્યા છે.