સંયુકત જિંદગી – માંડ માંડ પિયરમાં રહેવા આવવા માટેનો ચાન્સ મળ્યો હતો ને એમાં પણ…

“હાશ..” કરીને પર્સ સોફામાં ફેંકીને નિરાલી સીઘી મમ્મીના ખોળામાં માથું રાખીને સુઇ ગઇ… “મમ્મી… હું આવી ગઇ. હવે કાલે ઓફિસમાં રજા છે તો અહીં જ રોકાવાની છું. મનીષાદીદી પણ આવી છે, તો અમે બન્ને બહેનો ખૂબ વાતો કરશું.” શનિવારની સાંજે ઓફિસેથી છૂટીને સીધી પિયર આવેલી નિરાલીએ મમ્મીનો લાડ મેળવવા કહ્યું. મમ્મી તેના વાળમાં હાથ ફેરવતા બોલી, “હા બેટા.. તું ફ્રેશ થઇ જા, પહેલા ચા પી લે, પછી શાંતિથી વાતો કરીએ.”

નિરાલી બાથરુમમાં ગઇ. ફ્રેશ થઇ ચા પીધી અને પછી બન્ને બહેનો થોડું ફરવા ગઇ. મનીષા બહારગામ સાસરુ હોવાથી એક વર્ષે પિયર આવી હતી. નિરાલીનું સાસરું ગામમાં જ હતું, એટલે કયારેક કલાક – બે કલાક માટે આવી જતી. પણ રોકાવા અવાતું નહી. ઘરમાં સાસુ – સસરા, પતિ રોનક અને પોતે એમ ચાર જણા હતા, એટલે નિરાલી રોકાય શકતી નહી. આજે દીદી આવી હતી એટલે તે આવી હતી.

image source

બન્ને બહેનો બહારથી ફરીને ઘરમાં આવી ત્યાં તેની મમ્મીએ થોડા ગુસ્સાથી કહ્યું, “નિરાલી… રોનકનો ફોન હતો, તારા સાસુને તાવ આવ્યો છે.” નિરાલી ખિજાય ગઇ. “એક દિવસની પણ આઝાદી નહી ? હજી તો હમણાં આવી ત્યાં તરત ફોન આવી ગયો??” “કોને ખબર ખરેખર તાવ હશે કે પછી તને પાછા બોલાવવાનું નાટક હશે ?” મનીષાએ મોઢું બગાડતા કહ્યું.

નિરાલી અપસેટ થઇ ગઇ. “દીદી તારે મજા છે, સાસુ-સસરાથી અલગ રહે છે, એટલે આવી કોઇ મગજમારી જ નહી. હું તો આ બઘાથી છૂટી શકતી જ નથી. ઓફિસ અને ઘર બસ.. બહાર કયાંય જમવા જવાનું હોય તો પણ સાસુ સસરાની રસોઇ બનાવીને જવું પડે..” “આનાથી છૂટવાનો સીઘો રસ્તો છે કે, તારા સાસુ-સસરાને થોડા દિવસ તારા જેઠ-જેઠાણીના ઘરે મોકલી દે.” મનીષાએ નાનીબેનને સલાહ આપી.

image source

” અરે.. ના.. દીદી.. મારા જેઠાણી બહુ જબરા છે. મારા સાસુ-સસરા તો ત્યાં એક દિવસ જવા પણ તૈયાર નથી. રોનક પણ ના પાડે છે. હું કયારેક ત્યાં જવાનું કહું તો રોનક ગુસ્સે થઇ જાય છે. હું તો ફસાઇ ગઇ છું દીદી.. પાછી રોનકની નોકરીમાં બદલી પણ શકય નથી. મારે તો આખી જિંદગી સાસુ-સસરાની સેવા જ કરવાની” નિરાલીના શબ્દોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. નિરાલી પણ તારે રોનકને બળથી નહીં તો કળથી – પ્રેમથી સમજાવવો જ પડશે. સાસુ-સસરા નહીં હોય તો જ તું સુખેથી- શાંતિથી તારી મરજીથી જીવી શકીશ.” દીદીની વાત પર નિરાલીએ નિસાસો નાખ્યો, “જે હોય તે પણ અત્યારે તો મારે જવું જ પડશે ને… ”

image source

“પાગલ ન બન, એટલો બઘો તાવ નહી હોય. એક દિવસ રોકાય જા… રોનકે કયાં કહ્યું છે કે, તું આવી જા..” મનીષાએ નિરાલીને રોકવાની કોશિશ કરી, પણ નિરાલી ન માની.. દુ:ખી ચહેરે તે પાછી નીકળી ગઇ. ઘરે ગઇ તો રોનક ચમકી ગયો, “અરે.. તું રોકાવાની હતી ને… તરત કેમ પાછી આવી ગઇ..??” “તો શું ? તમે તો ફોન કર્યો હતો કે મમ્મીને તાવ આવ્યો છે..” નિરાલીને જોઇને રોનકની નજરમાં આવેલી ચમકને અવગણતા નિરાલીએ ગુસ્સામાં કહ્યું.

“પણ એ તો ખાલી જણાવ્યું હતું, પાછું આવવાનું નથી કહ્યું. હું મેનેજ કરી લેત..” રોનક હજી સ્પષ્ટતા કરે તે પહેલા નિરાલી સાસુના રૂમ તરફ ગઇ.. જોયું તો સાસુને ખરેખર તાવ હતો. સસરા પણ સાસુની બાજુમાં જ બેઠા હતા. નિરાલીને જોઇને બન્નેના ચહેરા પર ચમક આવી ગઇ. તેના સાસુએ કહ્યું, “મેં રોનકને તને બોલાવવાનું નથી કહ્યું, તેણે જાતે જ બોલાવી.” “એક તો મમ્મી તમે તાવનું કહો એટલે તે મને બોલાવી જ લે ને.. હું એક દિવસ પણ મારી મરજીથી જઇ ન શકું..?” “મારી સાથે ઝઘડો ન કર.. રોનકે તને બોલાવી છે, મેં કંઇ નથી કહ્યું અને હજી હું એમ જ કહું છું કે તારે જવું હોય તો મમ્મીના ઘરે જા..” સાસુ અશકિતમાં પણ ગુસ્સાથી બોલ્યા.

image source

“હવે થોડી પાછી જવું..?” મમ્મીના ઘરેથી જમવાનું લઇ આવી છું. જમીને દવા લઇ લો.” નિરાલીની વાત પર તેના સાસુએ કહ્યું, “મારે એવું કંઇ નથી ખાવું.” નિરાલીએ તેમના કપાળે હાથ મૂકયો તો ખરેખર તાવ વઘારે હતો. તેણે ગુસ્સાથી રોનકને કહ્યું, “તમને પોતા મૂકવાની ખબર ન પડે..?” એમ કહીને પોતા મૂકવા પાણી લઇ આવી

તેના સસરાએ તેના હાથમાંથી પાણીના બાઉલ લઇ લીઘા અને કહ્યું, “હું પોતા મૂકુ છું, તમે જાવ” નિરાલી રસોડામાં જઇને બઘા માટે ચા મૂકી આવી. થોડીવાર પોતા મૂકવાથી સાસુને તાવમાં થોડી રાહત થઇ. નિરાલીએ જમવાનું પૂછયું તો એમ જ કહ્યું કે, “ખીચડી જ ખાઇશ..!” મમ્મીના ઘરેથી ટિફિન લઇને આવી હતી. એટલે નિરાલીને એમ કે હવે રસોઇ નહીં કરવી પડે. પણ આ તો ખીચડી તો કરવી જ પડશે.. એમ બડબડ કરતી રસોડામાં ગઇ.

image source

ગુસ્સામાં ને ગુસ્સામાં ટેબલ પર ચડી અને ઉપરથી ડબ્બો ઉતારવા જતાં બેલેન્સ ગુમાવ્યું અને પડી ગઇ. તેના પડવાનો અવાજ સાંભળીને રોનક અને તેના સસરા દોડી આવ્યા. તેના પગમાં સોજો આવી ગયો હતો, ઊભી થઇ શકતી ન હતી. રોનક બે હાથમાં તેડીને ડ્રોંઇગ રૂમમાં લાવ્યો. ત્યાં સુઘી તેના સાસુ પણ બહાર આવી ગયા. થોડીવાર ગરમ પાણીનો શેક કર્યો, આયોડેકસ લગાડયું.. પણ ફેર ન પડતાં રોનક તેને ડોકટર પાસે લઇ ગયો પગમાં ફેકચર જેવું હતું. ડોકટરે પંદર દિવસ આરામ કરવાનું કહીને કાચો પાટો બાંઘી દીઘો.

એક તો સાસુ બિમાર.. અને ઉપરથી પોતાને પ્લાસ્ટર.. હવે શું થશે ?? એમ વિચારતી નિરાલી ઘરે આવી, જોયું તો સાસુ પોતાની બિમારી ભૂલીને ઊભા થઇ ગયા હતા. રસોડામાં ડબ્બો પડી જતાં વેરાયેલા ચોખા તેમણે ઉપાડી લીઘા હતા. ખીચડી કરી લીઘી હતી. નિરાલીને આરામ કરવાનું જ કહ્યું. પોતે ધીમેધીમે કામ કરતાં હતા નિરાલીના મમ્મી પણ આવી ગયાં અને પોતાના ઘરે લઇ જવાની વાત કરી, પણ તેના સાસુએ એમ કહી દીધું કે, હવે તે અમારી જવાબદારી છે, અમે ધ્યાન રાખશું, તમે ચિંતા ન કરો.”

image source

પંદર દિવસ સુધી નિરાલીને પાટો રહ્યો. તેના સાસુએ પુરેપુરું ધ્યાન રાખ્યું. નિરાલીને બિલકુલ ઊભી જ ન થવા દીઘી. નિરાલીને સાસુ પ્રત્યે અહોભાવ આવી ગયો. તેને યાદ આવ્યું કે, છ મહિના પહેલાં તેના દીદીનો એક્સિડન્ટ થયો હતો ત્યારે એકલા હોવાને કારણે બહુ હેરાન થયા હતા. દીદીનું ધ્યાન રાખવા નર્સ અને રસોઇ કરવા બેન રાખવા પડયા હતાં છતાં દીદી બહું હેરાન થયા હતા. નિરાલી સુતા સુતા વિચારી રહી.. સાસુની લાગણી જોઇને તેની વિચારસરણી બદલાઇ ગઇ.

તેની દીદી તેના ઘરે પાછી જતા પહેલા નિરાલીને મળવા આવી… ત્યારે પુછયું, “પછી શું વિચાર્યું નિરાલી… સાસુને જેઠાણીના ઘરે કયારે અને કેવીરીતે મોકલે છે ..?” નિરાલીએ કહી દીઘું, “દીદી, સાસુને જેઠાણીના ઘરે જવાનું કયારેય નહી કહું.. સંયુકત કુટુંબના ફાયદા તમને નહી સમજાય.. આ અમારી સંયુકત જિંદગી છે… ”

લેખક : દિપા સોની “સોનુ”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત